Western Times News

Gujarati News

સ્માર્ટ સિટી અમદાવાદમાં ‘ટેન્કર રાજ’: ટેન્કરથી પાણી સપ્લાય માટે પાંચ વર્ષમાં રૂા.૧૪ કરોડનો ખર્ચ

(દેવેન્દ્ર શાહ) અમદાવાદ, સમગ્ર વિશ્વમાં રર માર્ચની ઉજવણી “જળ દિવસ” તરીકે કરવામાં આવે છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા નાગરીકોને શુધ્ધ પીવાલાયક પાણી સપ્લાય કરવામાં આવે છે. મ્યુનિ. તંત્ર દ્વારા રોજ ૧૩પ૦થી ૧૪૦૦ એમએલડી શુધ્ધ પાણી સપ્લાય કરવામાં આવે જેના વિતરણ માટે ર૧૬ જેટલા વોટર ડીસ્ટ્રી. સેન્ટર તૈયાર કરવામાં આવ્યા છે તેમ છતાં શહેરના અનેક વિસ્તારમાં હજી “ટેન્કર રાજ” જાેવા મળી રહયા છે.

શહેરના છેવાડાના વિસ્તાર કે જયાં પ્રેશરનો અભાવ છે અથવા પાણીના નેટવર્ક નથી તેવા વિસ્તારના નાગરીકો “ટેન્કર” પર આધારીત જીંદગી જીવી રહયા છે. મ્યુનિ. કોર્પોરેશને છેલ્લા પાંચ વર્ષમાં ટેન્કર મારફતે પાણી સપ્લાય કરવા માટે રૂા.૧૩ કરોડ કરતા વધુ ખર્ચ કર્યા છે.

આ આંકડા પરથી ફલિત થાય છે કે અમદાવાદ માટે “જળ દિવસ” કે “સ્માર્ટ સીટી”નું કોઈ જ મહત્વ રહયુ નથી. સમગ્ર વિશ્વમાં રર માર્ચની ઉજવણી “જળ દિવસ” તરીકે કરવામાં આવે છે. પરંતુ અમદાવાદ માટે વિશ્વ જળ દિવસનો કોઈ અર્થ જ રહેતો નથી.

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા રાજય સરકાર પાસેથી નર્મદાના નીર લેવામાં આવે છે જેને જાસપુર, કોતરપુર તથા રાસ્કા પ્લાન્ટમાં ટ્રીટ કરી સપ્લાય કરવામાં આવે છે. મ્યુનિ. કોર્પોરેશને પાણી વિતરણ માટે ર૧૬ જેટલા વો.ડી. સ્ટેશન તૈયાર કર્યા છે.

પરંતુ “કમાન્ડ એરીયા”ના અભાવે પાણી વિતરણ વ્યવસ્થામાં અસમાનતા રહે છે. કોટ વિસ્તાર તેમજ શ્રમજીવી વસાહતો હોય તેવા વિસ્તારોમાં મોટરીંગ, લીકેજ, અપુરતા પ્રેશર અને પ્રદુષણની સમસ્યા લગભગ કાયમી બની ગઈ છે. જેના કારણે પણ પાણી વિતરણ વ્યવસ્થા ખોરવાઈ જાય છે. તદ્‌પરાંત મ્યુનિ. હદમાં સમાવિષ્ટ અનેક વિસ્તારોમાં નેટવર્કનો પણ અભાવ જાેવા મળે છે જેના કારણે આવા વિસ્તારોમાં ટેન્કર મારફતે પાણી સપ્લાય થાય છે.

મ્યુનિ. કોર્પોરેશને ર૦૧૭-૧૮ થી ર૦ર૧-રર સુધી ટેન્કર દ્વારા પાણી સપ્લાય કરવા માટે રૂા.૧૩.પ૭ કરોડનો ખર્ચ કર્યો છે સૌથી વધુ ખર્ચ દક્ષિણ ઝોનમાં રૂા.પ.૪ર કરોડ થયો છે. દક્ષિણ ઝોનના બહેરામપુરા વોર્ડમાં જ ટેન્કર દ્વારા પાણી સપ્લાય કરવા માટે પાંચ વર્ષમાં રૂા.ર.પ૮ કરોડનો ખર્ચ થયો છે. પૂર્વ ઝોનમાં “ટેન્કર રાજ” પાછળ પાંચ વર્ષમાં રૂા.ર.૭૩ કરોડનો ખર્ચ કરવામાં આવ્યો છે.

પૂર્વઝોનના હાથીજણ-રામોલ વિસ્તારમાં પાંચ વર્ષ દરમ્યાન રૂા.૧.૦૩ કરોડ ખર્ચ થયા છે. આ વિસ્તારમાં નેટવર્કનો અભાવ હોવાથી “ટેન્કર રાજ” ચાલી રહયુ હોવાની ચર્ચા ચાલી રહી છે તેવી જ રીતે ઉતરઝોનના નરોડા-મુઠીયા વિસ્તાર, નાના ચિલોડા તથા કુબેરનગર વોર્ડમાં વો.ડી. સ્ટેશન અને નેટવર્કનો અભાવ હોવાથી “ટેન્કર” પાછળ ખર્ચ થઈ રહયા છે. કુબેરનગર વોર્ડ ૧૦૦ ટકા બોર આધારીત છે. તેથી બોર ખરાબ થાય તેવા સંજાેગોમાં “ટેન્કર” એકમાત્ર આધાર રહે છે. ઉ.ઝોનના હંસપુરા અને સાંદીપની વિસ્તારમાં પણ પરિસ્થિતી વિકટ હોવાનું માનવામાં આવે છે.

મ્યુનિ. કોર્પોરેશન “સ્માર્ટ સીટી”ના દાવા વચ્ચે ર૪ કલાક પાણી સપ્લાય માટે પ્રયાસ કરે છે. જયારે અનેક વિસ્તારના નાગરીકો પાણી માટે વલખા મારી રહયા છે. આ વિસ્તારોમાં ટેન્કર સમયસર ન પહોચે તો નાગરીકોની દિનચર્યા પણ ખોરવાઈ જાય છે, શરમજનક બાબત એ છે કે જે દક્ષિણઝોનમાં સૌથી વધુ ૪૦ વો.ડી. સ્ટેશન છે તે ઝોનમાં જ ટેન્કર માટે સૌથી વધુ ખર્ચ થઈ રહયો છે.

જેના માટે અધિકારીઓની અણ આવડત સાથે સાથે ચૂંટણી માટે તૈયાર થતી “રાજકીય ટાંકી” ઓ પણ મુખ્ય જવાબદાર છે. મ્યુનિ. કોર્પોરેશન દ્વારા છેલ્લા પાંચ વર્ષમાં ૪૬ જેટલી ઓવર હેડ, અંડર ગ્રાઉન્ડ ટાંકીઓ તૈયાર કરવામાં આવી છે પરંતુ યોગ્ય “કમાન્ડ એરીયા” અને નેટવર્કના અભાવે ટેન્કરના કોન્ટ્રાકટરો કમાણી કરી રહયા છે તથા ટેન્કર દીઠ રૂા.ર૦૦થી રૂા.પ૦૦ના પેમેન્ટ થઈ રહયા છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.