સ્માર્ટ સિટી પ્રોજેક્ટના ડાયનેમિક રેન્કિંગમાં ૧૨૮.૮૦ સ્કોર સાથે સુરત ટોચના ક્રમે

અમદાવાદ દેશભરમાં છઠ્ઠા ક્રમે, રાજકોટ ૪૫મા ક્રમે-કેન્દ્ર સરકાર દ્વારા સ્માર્ટ સિટી પ્રોજેક્ટના ૧૦૦ શહેરોનું રેન્કિંગ જાહેર
તાજેતરમાં કેન્દ્ર સરકાર દ્વારા સ્માર્ટ સિટી પ્રોજેક્ટના ૧૦૦ શહેરોનું રેન્કિંગ જાહેર કરાયું છે જેમાં રાજકોટ શહેર અગાઉ ૧૨મા ક્રમે હતું ત્યાંથી છેક ૪૫મા ક્રમે ફેંકાઇ ગયું છે. જ્યારે સુરત દેશભરમાં વધુ એક વખત પ્રથમ ક્રમે આવ્યું છે.
ભારત સરકારે તમામ સ્માર્ટ સિટીમાં ડાયનેમિક રેન્કિંગના આધારે સુરતને પહેલો ક્રમ આપ્યો છે અને અમદાવાદ દેશભરમાં છઠ્ઠા ક્રમે આવ્યું છે.
જ્યારે આ રેન્કિંગ લિસ્ટ જાહેર થયું ત્યારે તે લિસ્ટમાં રાજકોટનું નામ શોધવું પડે તેવી સ્થિતિ સર્જાઇ ગઇ હતી ! રાજકોટ મહાપાલિકા દ્વારા ગોકળગાયની ગતિએ સ્માર્ટ સિટી પ્રોજેક્ટની કામગીરી ચાલી રહી હોય રાજકોટ સ્માર્ટ સિટીના રેન્કિંગમાં સતત પાછળ ધકેલાઇ રહ્યું છે.
રેન્કિંગમાં સુરત શા માટે પહેલા ક્રમે આવ્યું ?
સ્માર્ટ સિટી મિશન અંતર્ગત કેન્દ્ર સરકાર દ્વારા ૫૦ ટકા, રાજ્ય સરકાર દ્વારા ૨૫ ટકા ગ્રાન્ટ અપાય છે જયારે ૨૫ ટકા ગ્રાન્ટ મહાનગરપાલિકા દ્વારા આપવામાં આવે છે. સુરત સ્માર્ટ સિટીએ આ પૈકી ૭૫ ટકાથી વધુ ગ્રાન્ટનો ઉપયોગ કર્યો છે. ગ્રાન્ટના વપરાશ માટે ફાઈનાન્સિયલ સર્ટિફિકેટ રાજ્ય અને કેન્દ્ર સરકારમાં નિયત સમય મર્યાદામાં મોલવા જરૂરી છે.
આ ઉપરાંત સુરત સ્માર્ટ સિટીનો એડવાઇઝરી ફોરમની સમયાંતરે મિટિંગ કરી સ્માર્ટ સિટી પ્રોજેક્ટની ગતિ અંગે સભ્યોને માહિતી આપવામાં આવે છે. આ સાથે સ્માર્ટ સિટી મિશન દ્વારા લોન્ચ કરાતા વિવિધ કાર્યક્રમોમાં સુરત સ્માર્ટ સિટી દ્વારા સક્રિય રીતે ભાગ લેવામાં આવે છે એટલું જ નહી શહેરોજનોને આવા કાર્યક્રમોમાં જોડવામાં આવે છે.
આ તમામ માપદંડોના આધારે સુરતને સૌથી વધારે સ્કોર મળતા ડાઈનેમિક રેન્કીંગમાં સુરત પહેલા ક્રમે આવ્યુ છે. સુરત સ્માર્ટ સિટી પ્રોજેકટ અંતર્ગત ૨૯૩૬ કરોડના ૮૧ પ્રોજેક્ટનું આયોજન કરાયું છે જે પૈકી ૨૧૧૨ કરોડનો ખર્ચ થઇ ગયો છે. સુરતને કુલ ૧૦૦૦ કરોડની ગ્રાન્ટ મળનાર છે જે પૈકી ૫૦૦ કરોડની કેન્દ્ર સરકારની ગ્રાન્ટ પૈકી ૪૯૦ કરોડની ગ્રાન્ટ મળી છે જેનો સંપૂર્ણ વપરાશ થઇ ગયો છે.
મિનીસ્ટ્રી ઓફ હાઉસિંગ એન્ડ અર્બન અફેર્સ દ્વારા સ્માર્ટ સિટી મિશન અંતર્ગત પસંદ થયેલા ૧૦૦ શહેરોએ પૂરા કરેલા પ્રોજેક્ટ, કાર્યરત પ્રોજેકટ, ગ્રાન્ટના વપરાશના ફાઇનાન્સિયલ સર્ટિફિકેટ, એડવાઇઝરી ફોરમ મિટિંગ જેવા માપદંડના આધારે ડાયનેમિક રેન્કિંગ જાહેર કર્યું છે.
ડાયનેમિક રેન્કિંગમાં ૧૨૮.૮૦ સ્કોર સાથે સુરત ટોચના ક્રમે છે જ્યારે ૧૨૦.૩૯ સ્કોર સાથે આગ્રા બીજા ક્રમે, ૧૧૯.૧૮ સ્કોર સાથે વારાણસી ત્રીજા ક્રમે, ૧૧૭.૦૫ સ્કોર સાથે ભોપાલ ચોથા ક્રમે, ૧૧૬.૬૭ સ્કોર સાથે ઇન્દોર પાંચમા ક્રમે અને ૧૦૫.૨૫ના સ્કોર સાથે અમદાવાદ છઠ્ઠા ક્રમે છે.
ડાયનેમિક રેન્કિંગના ટોચના દસ શહેરોમાં સુરત અને અમદાવાદ સિવાય રાજ્યના એક પણ શહેરનો સમાવેશ નથી, એક સમયે આ રેન્કિંગમાં ૧૨મા ક્રમે સ્થાન મેળવનાર રાજકોટ શહેર તો ઉપરોક્ત રેન્કિંગમાં છેક ૪૫માં ક્રમે ફેંકાઇ ગયું છે.
રાજકોટ મહાનગરપાલિકાના અધિકારી સૂત્રોએ જણાવ્યું હતું કે રૈયા વિસ્તારમાં સ્માર્ટ સિટી પ્રોજેક્ટ હાથ ધરવામાં આવ્યો છે જ્યાં આગળ રોબસ્ટ ઈન્ફ્રાસ્ટ્રક્ચર અટલ સરોવર અને એમ એસ ઈ ના પ્રોજેક્ટ નો સમાવેશ કરાયો છે કુલ ૭૩૭ કરોડના પ્રોજેક્ટમાં આજ સુધીમાં કુલ ૩૪ ટકા જેવી કામગીરી થઇ છે.
જેમાં મુખ્યત્વે રોબસ્ટ ઈન્ફ્રાસ્ટ્રક્ચરમાં ૫૫૦ કરોડ, અટલ સરોવરમાં ૧૩૬ કરોડ, એમ.એસ.ઇ.માં ૫૧ કરોડ સહિત કુલ ખર્ચ ૭૩૭ કરોડ જેવો થશે જે પૈકી ૩૪ ટકા કામગીરી થઇ છે.