સ્માર્ટ સીટી અમદાવાદનું કલંક : પાંચ હજાર ખાળકુવા
તંત્ર દ્વારા છેલ્લા બે વર્ષથી ખાળકુવાની યાદી અપડેટ થઈ નથી
(દેવેન્દ્ર શાહ દ્વારા) અમદાવાદ: સ્માર્ટ સીટી અમદાવાદના શાસકો છેલ્લા દોઢ દાયકાથી વિકાસના બણગા ફુંકી રહયા છે પરંતુ અમદાવાદ શહેરમાં આજે પણ ટેન્કર અને ખાળકુવા રાજ ચાલી રહયુ છે. શહેરના ર૦ ટકા કરતા વધુ વિસ્તારમાં પાણી અને ડ્રેનેજના નેટવર્ક ન હોવાના આક્ષેપ અવારનવાર વિપક્ષ કરી રહયો છે. જે મહ્દઅંશે સાચા પણ છે. શહેરના દક્ષિણ ઝોનના કેટલાક વિસ્તારોમાં ટેન્કર દ્વારા પાણી સપ્લાય થઈ રહયા છે તેમજ ખાળકુવા આધારીત બી.યુ. પણ આપવામાં આવે છે.
અમદાવાદ શહેર વિકાસની હરણફાળ ભરી રહયુ છે તે બાબત નકારી શકાય તેમ નથી સાથે સાથે શહેરના અનેક વિસ્તારો પ્રાથમિક સુવિધાથી વંચિત છે તે બાબત સત્ય હકીકત છે. મનપાના વાર્ષિક રૂા.આઠ હજાર કરોડના બજેટમાં લાંભા, વટવાના અનેક વિસ્તારોમાં નવી ડ્રેનેજ લાઈનો નાંખવા માટે રાતીપાઈની ફાળવણી થતી નથી. શરમનજક બાબત એ છે કે ખાળકુવા આધારીત વટવા, ઈસનપુર અને દાણીલીમડાના વિસ્તારોનો ૧૯૮૬ની સાલથી મ્યુનિ. હદમાં સમાવેશ થયો છે. જયારે ર૦૦૬માં લાંભા વોર્ડનો મનપામાં સમાવેશ કરવામાં આવ્યો હતો તેમ છતાં આ વોર્ડના કેટલાક વિસ્તારોમાં હજી પણ ડ્રેનેજ નેટવર્કના કામ કરવામાં આવ્યા નથી. બીજી તરફ પશ્ચિમના પોશ વિસ્તારોમાં દર વરસે નવી પાઈપલાઈનો નાંખવા કે સીસ્ટેમેટીક નેટવર્કના નામે દર વરસે કરોડો રૂપિયા ખર્ચ થઈ રહયા છે.
મ્યુનિ. ઈજનેર વિભાગના સુત્રોએ જણાવ્યા મુજબ હાલ ર૬૦૦ કિ.મી. લંબાઈના ડ્રેનેજ નેટવર્ક છે તથા ત્રણથી ચાર ટકા વિસ્તારોમાં જ ડ્રેનેજ નેટવર્કના કામ બાકી છે દક્ષિણ ઝોનના જે વિસ્તારોમાં ખાળકુવા આધારીત બી.યુ. આપવામાં આવી હતી તે વિસ્તારોમાં નવા નેટવર્ક નાંખવામાં આવી રહયા છે. જેના કારણે ખાળકુવાની સંખ્યા ઘટી રહી છે.
લાંભા અને વટવામાં સ્લમ અને ચાલી વિસ્તારોમાં ખાળકુવા છે પરંતુ આગામી બે વર્ષમાં તમામ વિસ્તારોમાંથી ખાળકુવા નાબુદ થાય તેવા આયોજન કરવામાં આવી રહયા છે. લાંભા વોર્ડના ઈન્દીરાનગરમાં ૮૦ ટકા ખાળકુવા દુર કરવામાં આવ્યા હોવાના દાવા દક્ષિણ ઝોન ઈજનેર ખાતા દ્વારા કરવામાં આવ્યા છે.
મ્યુનિ. કોર્પોરેશન દ્વારા દર વરસે ખાળકુવા સફાઈ માટે નવા કોન્ટ્રાકટ આપવામાં આવી રહયા છે. પરંતુ ખાળકુવાની સંખ્યા અપડેટ થતી નથી. જાણકારોના મંતવ્ય મુજબ ર૦૧૯ બાદ ખાળકુવાની યાદી તૈયાર થઈ નથી. દક્ષિણ ઝોન ઈજનેર વિભાગ દ્વારા સર્વે શરૂ કરવામાં આવ્યો છે સરવે પૂર્ણ થયા બાદ ખાળકુવાની સંખ્યા અંગેની લેટેસ્ટ વિગતો જાહેર થશે. જે વિસ્તારોમાં ટી.પી સ્કીમો જાહેર થઈ નથી તેવા નોન ટી.પી વિસ્તારોમાં ડ્રેનેજ નેટવર્ક થતાં ન હોવાથી ખાળકુવા બનાવવાની ફરજ પડે છે તેમ સુત્રોએ વધુમાં જણાવ્યું હતું.