સ્મીમેર હોસ્પિટલમાં ઓક્સિજન લાઈન બંધ થતા કોરોનાના બે દર્દીના મોત !
સુરત, શહેરમાં એક તરફ કોરોના થમવાનું નામ નથી લઈ રહ્યું છે જ્યારે બીજી તરફ દર્દીઓની સારવાર કરતી હોસ્પિટલોમાં બેદરકારીની ઘટનાઓ સામે આવી રહી છે. શુક્રવારે શહેરની સ્મીમેર હોસ્પિટલમાં ઓક્સિજન લાઈન બંધ થતા કોરોનાના બે દર્દીઓના એક સાથે મૃત્યુ થતા સ્મીમેર અને સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન દોડતું થયું હતું. આજે સીએમ રૂપાણી સુરતમાં કોરોનાની સમીક્ષા કરવા આવવાના છે. પરંતુ તેમના આગમન પૂર્વે જ હોસ્પિટલમાં બે દર્દીઓના મોતથી ખળભળાટ મચી ગયો છે.
આ ઘટના શુક્રવારે સાંજે બની હતી. કાપોદ્રાની ઈશ્વરકૃપા સોસાયટીમાં રહેતા ૫૯ અને ૬૫ વર્ષિય બે વૃદ્ધોને શ્વાસની તકલીફ થઈ હતી. કોરોનાના શંકાસ્પદ લક્ષણો જણાતા ગુરુવારે સવારના સમયે સ્મીમેર હોસ્પિટલના કોરોનાની ઓપીડીમાં સારવાર માટે ખસેડાયા હતા. અહીં તેઓની હાલત ખરાબ થઈ હતી અને ઓક્સિજન ઉપર રખાયા હતા. પરંતુ શુક્રવારે સાંજે સાડા પાંચથી છ વાગ્યાના સમયે અચાનક જ બંનેના મોત નીપજ્યા હતા.
છેલ્લા ઘણા દિવસોથી સુરતમાં કેસમાં વધારો થતા આંકડો પાંચ હજાર ઉપર પહોંચી ગયો છે. રાજ્યના આરોગ્ય વિભાગના અગ્ર સચિવ જયંતિ રવિ છેલ્લા ૩ દિવસથી સુરતની મુલાકાતે છે. હવે મુખ્યમંત્રી વિજય રૂપાણી સહિત અધિકારીઓ સુરતમાં કોરોના વાયસની સ્થિતિને કારણે આરોગ્ય સેવાઓની સ્થિતિની સમીક્ષા કરવા માટે આજે સુરતની મુલાકાત લેવાના છે.