સ્મૃતિ ઇરાનીના કોંગ્રેસના નેતૃત્વ અને એક પરિવાર પર તિવ્ર પ્રહાર
ભારતીય જનતા પાર્ટી વિકાસને વરેલી પાર્ટી છે,-અને તે હંમેશા વિકાસ કાર્યો કરીને જ જનતાના દિલમાં રાજ કરે છે. – શ્રીમતી સ્મૃતિ ઇરાની
ગુજરાત રાજ્યના નર્મદા જિલ્લામાં કેવડીયા કોલોની ખાતે લોખંડી પુરૂષ સરદાર વલ્લભભાઇ પટેલની સૌથી ઉંચી પ્રતિમાનું અનાવરણ કર્યા બાદ હવે વિશ્વમાં ૮ અજાયબી થઇ છે. – શ્રીમતી સ્મૃતિ ઇરાની
અમરેલી, ભારતીય જનતા પાર્ટીના કેન્દ્રીય મંત્રી શ્રીમતી સ્મૃતિ ઇરાનીજીએ તા. ૧૮/૦૨/૨૦૨૧ના રોજ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના અનુસંધાને અમરેલી જિલ્લા ખાતે એક જાહેર સભાને સંબોધતા જણાવ્યું હતું કે, ભારતીય જનતા પાર્ટી વિકાસને વરેલી પાર્ટી છે, અને તે હંમેશા વિકાસ કાર્યો કરીને જ જનતાના દિલમાં રાજ કરે છે.
જનતા પણ સરકારના કાર્યો થકી જ પોતાનો અમૂલ્ય મત ભારતીય જનતા પાર્ટીને આપે છે. ગુજરાતમાં પણ હાલમાં ચાલી રહેલ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભાજપાની ૨૧૯ સીટો બીન હરીફ થઇ છે, જ્યારે કોંગ્રેસની એક પણ સીટ બિન હરીફ થઇ નથી.
વિશ્વમાં અત્યારસુધી ૭ અજાયબીઓ હતી, પરંતુ કેન્દ્રમાં ગુજરાતના પનોતાપુત્રશ્રી નરેન્દ્રભાઇ મોદીએ શાસનની ધુરા સંભાળ્યા બાદ ગુજરાત રાજ્યના નર્મદા જિલ્લામાં કેવડીયા કોલોની ખાતે લોખંડી પુરૂષ સરદાર વલ્લભભાઇ પટેલની સૌથી ઉંચી પ્રતિમાનું અનાવરણ કર્યા બાદ હવે વિશ્વમાં ૮ અજાયબી થઇ છે. વડાપ્રધાનશ્રી આટલેથી ન અટકતા હવે મર્યાદા પુરૂષોત્તમ ભગવાન શ્રીરામના જન્મ સ્થળે વર્ષોથી વિવાદીત રહેલી જમીનનો સુખદ ઉકેલ લાવી એક ભવ્ય રામમંદીરના નિર્માણ કાર્યમાં વ્યસ્ત છે, અને તે પણ હવે વિશ્વની ૯મી અજાયબી બનશે.
શ્રીમતી સ્મૃતી ઇરાનીજીએ વધુમાં જણાવ્યું હતું કે, કોંગ્રેસે વર્ષોથી દેશની જનતાનું, ગુજરાતનું અને ગુજરાતીઓનું અપમાન કર્યું છે. તાજેતરમાં કોંગ્રેસના યુવરાજ આસામ ગયા ત્યારે મન ફાવે તેમ બોલીને ગુજરાતના ચાના વેપારીઓનું અપમાન કર્યું છે.
કોંગ્રેસની સરકાર હતી ત્યારે ગુજરાતને સહાય કરવાને બદલે ગુજરાતીઓ અને ગુજરાતના વેપારીઓને લુંટી લીધા છે. જે પરિવારના દામાદે ગરીબ ખેડૂતોની જમીન પચાવી પાડી છે તે પરિવાર અને પરિવારનો યુવરાજ આ પણ કરી શકે છે તેમાં કોઇ નવાઇ નથી.
ભારતીય જનતા પાર્ટીની કેન્દ્રની શ્રી નરેન્દ્રભાઇ મોદીની સરકાર અને રાજ્યના સંવેદનશીલ મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણી અને નાયબ મુખ્યમંત્રીશ્રી નીતિનભાઇ પટેલની સરકાર દ્વારા કરવામાં આવતા અવિરત વિકાસ કાર્યો થકી હાલમાં યોજાનાર સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી અને આગામી વિધાનસભાની ચૂંટણીઓમાં ફક્ત ગુજરાતમાં જ નહીં પરંતુ દેશના અન્ય રાજ્યોમાં પણ કોંગ્રેસને નેસ્ત નાબૂદ કરી નાંખશે. આ વખતે પણ કોંગ્રેસના ઉમેદવારોની ડીપોઝીટ ગુલ કરીને ગુજરાતની જનતા જનાર્દન ચા ની “ચા અને પાણી નું પાણી” બતાવી દેવાની છે.
સ્મૃતિ ઇરાનીજીએ વધુમાં જણાવ્યું હતું કે, કોંગ્રેસ હંમેશા તુષ્ટીકરણની અને ભાગલાવાદની રાજનીતી કરી છે. કોંગ્રેસ અને એક પરિવાર હંમેશા દેશને, પ્રદેશને તેમજ ગામને ગામથી અને વ્યક્તિને વ્યક્તિથી અલગ કરવા માંગે છે. જ્યારે શ્રી નરેન્દ્રભાઇ મોદી વડાપ્રધાન સૌને સાથે રાખીને વિકાસની યાત્રા અવિરત કરી દેશને અખંડ રાખવાના સતત પ્રયત્નો કરી રહ્યાં છે.
શ્રીમતી ઇરાનીએ કોંગ્રેસ અને તેમના યુવરાજને પડકાર ફેકતા કહ્યું હતું કે, કોંગ્રેસમાં તાકાત હોય તો આવે અને ગુજરાતની ધરતી પર તેમના શાસનમાં કરેલ વિકાસ કાર્યોની વાતો કરે અને કોંગ્રેસના યુવરાજને ગુજરાતની ધરતી પરથી ચૂંટણી લડાવી જુએ.
કોંગ્રેસના યુવરાજે વર્ષો સુધી અમેઠી મત વિસ્તારના સાંસદ હોવા છતાં એક કલેક્ટરની ઓફીસ બનાવી શક્યાં નથી, તેને શું ગુજરાતની જનતા ગુજરાતમાંથી ચૂંટણી જીતાડશે. ? જે કોંગ્રેસ પોતાના સભ્યોને સાચવી શકતી નથી તે શું ગુજરાતને સાચવશે. ? તેવા વેધક પ્રશ્નો જનતા જનાર્દન સમક્ષ રજૂ કર્યા હતાં.
સ્મૃતિ ઇરાનીજીએ વધુમાં જણાવ્યું હતું કે, ગુજરાતના પનોતાપુત્ર અને દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદી કેન્દ્રમાં શાસનની ધુરા સંભાળી છે, ત્યારથી લઇ દેશના ખૂણે ખૂણામાં અવિરત વિકાસ યાત્રા આરંભી છે. તેમની આ વિકાસ યાત્રામાં ગુજરાતે બે બે વખત લોકસભાની ૨૬ માંથી ૨૬ બેઠકો આપી મજબૂત બનાવ્યાં છે.
હવે સમય આવી ગયો છે કે, ગુજરાતના સંવેદનશીલ મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણી અને નાયબ મુખ્યમંત્રીશ્રી નીતિનભાઇ પટેલની વિકાસ યાત્રામાં આ સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણીમાં દરેક મહાનગરપાલિકા, નગરપાલિકા, જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયત ભારતીય જનતા પાર્ટી હસ્તક આપીને છેવાડાના ગામને વિકસીત કરવામાં આપ સૌ આપનો અમૂલ્ય મત કોરોનાની ગાઇડલાઇનનું પાલન કરીને આપવા અંગેની અપીલ કરી હતી.