સ્મૃતિ ઈરાનીએ સરદાર સાહેબની પ્રતિમાને પદપૂજા કરીને ભાવાંજલી અર્પી

કેવડિયા, કેન્દ્રીય મહિલા અને બાળ વિકાસ મંત્રી સ્મૃતિ ઈરાનીએ આજે સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લઈને સરદાર સાહેબની પ્રતિમાને પદપૂજા કરીને ભાવાંજલી અર્પી હતી.
આ મુલાકાત દરમ્યાન કેન્દ્રીય રાજયમંત્રી ડૉ. મહેન્દ્રભાઈ મુંજપરા, ગુજરાતના મહિલા અને બાળ કલ્યાણ વિભાગના મંત્રી ગણપતભાઈ વસાવા, રાજયમંત્રી વિભાવરીબેન દવે,કેન્દ્રીય સચિવ અને રાજ્યના સચિવ કે.કે.નિરાલા વગેરે સાથે જાેડાયા હતા.
સરદાર સાહેબને ભાવાંજલિ આપતા મુલાકાત પોથીમાં તેમણે નોંધ્યું કે, જ્યારે દેશનો પ્રત્યેક નાગરિક સરદાર સાહેબને અનુસરવાની પ્રેરણા લેશે ત્યારે મજબૂત, સંવેદનસભર અને ધબકતા રાષ્ટ્રની પરિકલ્પના પૂર્ણ થશે. સ્ટેચ્યુ ઓફ યુનિટીએ માત્ર સ્મારક નથી
તે વિશ્વની સૌથી યુવાન લોકશાહી માટે નાગરિકતાનાં માર્ગનો પ્રેરણાસ્ત્રોત છે, તેની છત્રછાયામાં મુક્તિ અને ગર્વની અનુભૂતિ થાય છે, એકતામાં શ્રેષ્ઠતાનું તે સાચા અર્થમાં ઉત્તમ પ્રતિક છે.સરદાર સાહેબને મારી હાર્દિક વંદના. સ્મૃતિ ઈરાનીએ સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લઇ અખંડ ભારતના શિલ્પી સરદાર વલ્લ્ભભાઇ પટેલ સાહેબની અતિ વિરાટ પ્રતિમાની પાદ પૂજા કરી ભાવવંદના કરી હતી.