સ્લો ઓવર રેટથી કોહલીને ૧૨ લાખનો દંડ ફટકારાયો
દુબઈ: કિંગ્સ ઇલેવન પંજાબની વિરુદ્ધ કારમી હાર બાદ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરના કેપ્ટન વિરાટ કોહલીની મુશ્કેલી ખતમ થવાનું નામ નથી લઈ રહી. વિરાટ કોહલી પર સ્લો-ઓવર રેટ માટે ૧૨ લાખ રૂપિયાનો ભારે ભરખમ દંડ ફટકારવામાં આવ્યો છે. વિરાટ કોહલીની ટીમ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે નિર્ધારિત સમયમાં ૨૦ ઓવર પૂરી નહોતી કરી.
તેને કારણે કિંગ્સ ઇલેવન પંજાબની ઇનિંગ ઘણી મોડી પૂરી થઈ હતી. આઈપીએલના નિયમો મુજબ સમયસર ઓવરો પૂરી ન કરવાના કારણે કેપ્ટન પર દંડ ફટકારવામાં આવે છે.
IPLની હાલની સીઝનમાં પહેલીવાર કોઈ કેપ્ટન પર સ્લો ઓવર રેટ માટે સજા કરવામાં આવી છે. નોંધનીય છે કે, ભૂલનું પુનરાવર્તન થતાં કેપ્ટનને સસ્પેન્ડ પણ કરી દેવામાં આવે છે. નોંધનીય છે કે, પંજાબની વિરુદ્ધ વિરાટ કોહલીએ ૬ બોલરોનો ઉપયોગ કર્યો હતો. દરેક બોલરે ઢગલાબંધ રન આપ્યા હતા. આ દરમિયાન વિરાટ લગભગ દરેક બોલ પર બોલરો સાથે વાતચીત કરી રહ્યો હતો.
જેના કારણે એક-એક ઓવરને પૂરી થવામાં ઘણો સમય લાગી રહ્યો હતો. સાથોસાથ ડેલ સ્ટેન અને ઉમેશ યાદવ ઓવર પૂરી કરવામાં ઘણો સમય લઈ રહ્યા હતા.
વિશેષમાં કે એલ રાહુલે પણ વિરાટ કોહલીની ટીમને ઘણી પરેશાન કરી હતી. તેણે માત્ર ૬૯ બોલમાં સ્ફોટક બેટિંગ કરી હતી. વિરાટ કોહલીએ રાહુલના બે કેચ પણ ડ્રોપ કર્યા હતા.
કેપ્ટન વિરાટ કોહલી બાદ બાઉન્ડ્રી પર ખૂબ હતાશ અને નિરાશ ફિલ્ડિંગ કરતો જોવા મળ્યો હતો. આરસીબીની કારમી હારજે ટીમમાં વિરાટ કોહલી, એબી ડિવિલિયર્સ જેવા બેટ્સમેન હોય અને તે ટીમ ૨૦ ઓવર પણ ન રમી શકે તો તેનાથી વધુ શરમજનક શું હોઈ શકે! આઈપીએલની છઠ્ઠી મેચમાં આરસીબીને પંજબીની વિરુદ્ધ ખૂબ શરમજનક હારનો સામનો કરવો પડ્યો છે.
પંજાબે બેંગ્લોરને ૯૭ રનના મોટા અંતરથી હરાવ્યું. પંજાબે પહેલા બેટિંગ કરતાં ૨૦ ઓવરમાં ૨૦૬ રન કર્યા, જેના જવાબમાં બેંગ્લોરની ટીમ ૧૦૯ રનમાં જ તંબૂ ભેગી થઈ ગઈ. પહેલી મેચ જીતનારી આરસીબીએ બીજી મેચમાં હથિયાર હેઠા મૂકી દીધા. કેપ્ટન કોહલીથી લઈને ટીમના તમામ સ્ટાર ખેલાડી પંજાબ સામે ફ્લોપ રહ્યા.