સ્વચ્છ ભારત અભિયાન અંતર્ગત પાટણના સુણસર ખાતે યોજાયો જનજાગૃતિ કાર્યક્રમ
ક્ષેત્રીય લોક સંપર્ક કાર્યાલય, પાલનપુર દ્વારા સ્વચ્છતા અને પર્યાવરણ સંવર્ધન અંગે જાગૃતિ કેળવવા રેલી, સમૂહ ચર્ચા સહિતના કાર્યક્રમો યોજાયા
પાટણ: ચાણસ્મા તાલુકાના સુણસર ગામની પ્રાથમિક શાળા ખાતે ભારત સરકારના સૂચના અને પ્રસારણ મંત્રાલયના ક્ષેત્રિય લોક સંપર્ક કાર્યાલય પાલનપુર દ્વારા સ્વચ્છ ભારત અભિયાન અંતર્ગત ઇન્ટીગ્રેટેડ કમ્યુનિકેશન એન્ડ આઉટરીચ પ્રોગામનું આયોજન કરવામાં આવ્યું.
સ્વચ્છ ભારત મિશન (ગ્રામિણ)-૨૦૧૯માં પાટણ જિલ્લાએ સમગ્ર રાજ્યમાં પ્રથમ ક્રમ મેળવ્યો છે ત્યારે ચાણસ્મા તાલુકાના સુણસર ખાતે જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી તથા ક્ષેત્રિય લોક સંપર્ક કાર્યાલય પાલનપુર દ્વારા સ્વચ્છતા અંગે લોકોમાં જાગૃતિ કેળવાય તે માટે જનજાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું. લીલી અને વાદળી કચરા પેટીમાં ભીના અને સૂકા કચરાનું વર્ગીકરણ, સખત કચરાનો નિકાલ અને રિસાઈકલિંગ, પ્લાસ્ટીકના વપરાશમાં ઘટાડો, જ્યાં ત્યાં ગંદકી કરવાની ટેવોમાં બદલાવ લાવવા સહિતના સ્વચ્છતાના માપદંડો અંગે સ્વચ્છ ભારત અભિયાનના બ્રાન્ડ એમ્બેસેડરશ્રી જનકભાઈ ઠક્કર તથા જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના એ.પી.ઓ. શ્રી દિલીપભાઈ ચૌહાણ દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. સાથે સાથે પાટણ જિલ્લા ન્યાયાલયના એડવોકેટ શ્રી દેવાંગ ખમાર તથા શ્રી કૈલાશસિંહ રાઠોડ દ્વારા સીટીઝનશીપ એમેન્ડમેન્ટ એક્ટ વિશે વિસ્તૃત જાણકારી આપવામાં આવી હતી.
ઇન્ટીગ્રેટેડ કમ્યુનિકેશન એન્ડ આઉટરીચ પ્રોગામ અંતર્ગત પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના સ્વચ્છતા અને પ્લાસ્ટીકના ઉપયોગમાં ઘટાડો સહિતના વિચારોને અનુસરવા તેમજ પૂજ્ય બાપુના સંદેશ દ્વારા નાગરિકોના ઉજ્જવળ ભવિષ્ય માટે અને આપણી આવનાર પેઢીના આરોગ્યને રોગમુક્ત, પ્રગતિશીલ અને સાચા અર્થમાં સ્વચ્છાગ્રહી રાષ્ટ્રનું નિર્માણ કરવા રેલી, સમુહચર્ચા, જનજાગૃતિ નાટક, ફિલ્મ શો જેવી વિવિધ સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવ્યું. કાર્યક્રમના અગ્રિમ પ્રચારના ભાગરૂપે ચાણસ્મા તાલુકાના અન્ય ગામોમાં રંગોળી સ્પર્ધા, ચિત્ર સ્પર્ધા, વકતુત્વ સ્પર્ધા, ફિલ્મ શો, ચિત્ર પ્રદર્શની જેવા કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં વિજેતા થનાર સ્પર્ધકોને ક્ષેત્રીય લોક પ્રચાર કાર્યાલય દ્વારા પુરસ્કૃત કરવામાં આવ્યા હતા.
કાર્યક્રમ દરમ્યાન પ્લાસ્ટીક બેગનો ઉપયોગ ટાળવા અને વૈકલ્પિક વસ્તુનો ઉપયોગ કરવા સમજુતી આપવા કપડાની બેગનું વિતરણ કરવામાં આવ્યું હતું. સાથે સાથે કાર્યક્રમમાં ઉપસ્થિત વિદ્યાર્થીઓ અને ગ્રામજનોને પ્લાસ્ટીકનો ઉપયોગ ન કરવા શપથ ગ્રહણ કરાવવામાં આવ્યા. આ કાર્યક્રમનું આયોજન અને સંચાલન ક્ષેત્રિય લોક સંપર્ક કાર્યાલય,પાલનપુરના પ્રચાર અધિકારી શ્રી જે.ડી.ચૌધરી દ્વારા કરવામાં આવ્યું હતું. જેમાં સામાજિક આગેવાનો, કર્મચારીઓ તથા શાળાના વિદ્યાર્થીઓ સહિત ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.