Western Times News

Gujarati News

સ્વજનોની અંતિમ વિધિમાં પરિવારજનો સ્મશાને જતા નથી

રાજકોટ: રાજકોટ શહેરમાં તેમજ જિલ્લામાં કોરોના સંક્રમિત દર્દીઓના મૃત્યુના આંકડામાં સતત વધારો જાેવા મળી રહ્યો છે. બીજી તરફ સ્મશાનમાં પણ વેઇટિંગ જાેવા મળી રહ્યું છે. કોરોનાના કારણે મૃતકના સ્વજનો પણ સ્મશાને અંતિમવિધિમાં જવાનું ટાળી રહ્યા છે. ત્યારે રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘના સ્વયં સેવકો હાલ સ્મશાનમાં અંતિમ વિધિની ક્રિયાઓમાં પોતાનો સહયોગ આપી રહ્યા છે.

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સૌરાષ્ટ્ર પ્રાંતના પ્રચારક પંકજભાઈ રાવલે જણાવ્યું હતું કે, હાલ વૈશ્વિક કોરોના મહામારીનો કહેર ભારત સહિત સમગ્ર વિશ્વભરમાં વર્તાઈ રહ્યો છે. ત્યારે રાજકોટ શહેર ખાતે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સ્વયંસેવકો દ્વારા ચાર જુદા-જુદા સ્મશાનોમાં અંતિમ ક્રિયાઓમાં પોતાનો સહયોગ આપવામાં આવી રહ્યો છે. ૨૫ જેટલા સ્વયંસેવકો કોઇપણ જાતનો ભય કે ડર રાખ્યા વગર કોઈપણ જાતના જાતિ ધર્મનો ભેદ રાખ્યા વગર પોતાની ફરજ બજાવી રહ્યા છે.

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સ્વયંસેવકો સ્મશાનમાં અંતિમ ક્રિયામાં પોતાનું યોગદાન આપી રહ્યા છે. આ સાથે-સાથે લોકોને ઉકાળા દવાઓ તેમજ જમવા સહિતની વ્યવસ્થામાં પણ પોતાનું યોગદાન આપી રહ્યા છે. રાજકોટ શહેરના રામનાથપરા સ્મશાનમાં અંતિમ વિધિની પ્રક્રિયામાં પોતાનો સહયોગ આપનારા રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સ્વયંસેવક મેહુલભાઈએ જણાવ્યું હતું કે,

હાલ કોરોના મહામારી ચાલી રહી છે. ત્યારે અમે સ્મશાન ખાતે અંતિમ વિધિની પ્રક્રિયામાં યોગદાન આપી રહ્યા છીએ. અમને અમારા પરિવાર તરફથી પણ આ કામ કરવા માટે પુષ્કળ સહયોગ મળી રહ્યો છે. ઘરમાં પ્રવેશતા પહેલા જ અમે સેનિટાઇઝ કરીએ છીએ. ઘરમાં ગયા બાદ ગરમ પાણીએથી સ્નાન કરીને જ પરિવારના સભ્યોને મળીએ છીએ. ઉલ્લેખનીય છે કે જ્યારે જ્યારે રાષ્ટ્ર પર વિપદા આવી પડી છે ત્યારે ત્યારે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘનો સ્વયંસેવક ઘરની બહાર નીકળી લોકોની મદદ આગળ આવ્યા છે. મોરબીનું હોનારત હોય કે પછી ૨૬ જાન્યુઆરીનો ભૂકંપ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સ્વયંસેવકે હર હંમેશ લોકોની મદદ કરી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.