Western Times News

Gujarati News

સ્વદેશી રસી ઓછામાં ઓછી ૬૦% અસરકારક સાબિત થશે

Files Photo

નવી દિલ્હી: કોરોના મહામારી વચ્ચે મોટી આશા જગાવતા ભારત બાયોટેક કંપનીએ રવિવારે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, આઈસીએમઆરના સહયોગમાં તેમના દ્વારા વિકસાવવામાં આવ રહેલી ભારતની સ્વદેશી રસી કોરોના વાયરસ સામે ઓછામાં ઓછી ૬૦ ટકા અસરકારક સાબિત થશે. ભારત બાયોટેકના ક્વોલિટી ઓપરેશન્સ વિભાગના વડા સાઇ પ્રસાદે જણાવ્યું હતું કે, વિશ્વ આરોગ્ય સંસ્થા, અમેરિકાના ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશન અને ભારતના સેન્ટ્રલ ડ્રગ્સ સ્ટાન્ડર્ડ કંટ્રોલ ઓર્ગેનાઇઝેશને કોરોનાની રસી જે ઓછામાં ઓછી ૫૦ ટકા અસરકારક હોય તો તેને મંજૂરી આપી છે.

ભારત બાયોટેકે જણાવ્યું હતું કે, અમે ઓછામાં ઓછી ૬૦ ટકા અસરકારકતાનો લઘુતમ માપદંડ નક્કી કર્યો છે. અમે હવે આના કરતાં વધુ અસરકારકતા પ્રાપ્ત કરવાનો પ્રયાસ કરી રહ્યાં છીએ. અત્યાર સુધીના પહેલા અને બીજા તબક્કાના ટ્રાયલનાં પરિણામ જોતાં કોવાક્સિનની અસરકારકતા ૫૦ ટકાથી ઓછી રહેવાની સંભાવના નહિવત જેવી છે.

ભારત બાયોટેકે જણાવ્યું હતું કે, વિશ્વાના વિવિધ ડ્રગ રેગ્યુલેટર દ્વારા મંજૂરી મળી ગયા બાદ ૨૦૨૧ના મધ્યભાગમાં કોરોનાની રસી કોવાક્સિન બજારમાં મૂકવાની પ્રક્રિયા હાથ ધરાશે. છેલ્લા તબક્કાની ટ્રાયલમાં સુરક્ષા, અસરકારકતાના મજબૂત પ્રાયોગિક પુરાવા સ્થાપિત કર્યા પછી વર્ષ ૨૦૨૧ના બીજા ત્રિમાસિક એટલે કે જૂન- સપ્ટેમ્બરમાં અમારી રસી બજારમાં મૂકવાની અમારી ગણતરી છે. ભારતની પહેલી સ્વદેશી રસી વિકસાવી રહેલી ભારત બાયોટેકે નવેમ્બરના પ્રારંભથી દેશના ૨૫ સેન્ટર ખાતે ૨૬૦૦૦ વોલન્ટિયર પર ત્રીજા ફેઝની ટ્રાયલ શરૂ કરી દીધી છે.

કોરોનાની રસી વિકસાવવાની રેસમાં આગળ દોડી રહેલી મોડેર્ના કંપનીના સીઇઓ સ્ટિફન બાન્સેલે જણાવ્યું હતું કે, સરકારો પાસેથી કોરોનાની રસીના એક ડોઝના ૨૫થી ૩૭ અમેરિકન ડોલર એટલે કે રૂપિયા ૧૮૫૫થી રૂપિયા ૨૭૫૫ વસૂલશે. અમારા દ્વારા વિકસાવાયેલી રસીની કિંમત ફ્લૂની રસીની જેમ ૧૦ થી ૫૦ અમેરિકન ડોલરની વચ્ચે જ રહેશે. મોડેર્ના પાસેથી કોરોનાની રસી ખરીદવા માટે વાટાઘાટો ચલાવી રહેલા યુરોપિયન સંઘના એક અધિકારીએ જણાવ્યું હતું કે, જો મોડેર્ના કોરોનાની રસીના ડોઝની કિંમત ૨૫ ડોલરથી ઓછી રાખે તો યુરોપિયન સંઘ તેની પાસેથી કરોડો ડોઝની ખરીદી માટેનો કરાર કરવા ઇચ્છે છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.