સ્વયં શિસ્ત અને સંયમથી નવી કુંવરના ગ્રામજનોએ કોરોનાને પરાસ્ત કર્યો
ગ્રામજનોએ સ્વૈચ્છિક રીતે સરકારશ્રીની માર્ગદર્શિકાઓનું પાલન કરીને કોરોનાને ગામવટો આપ્યો. – સરપંચશ્રી ધીરુભાઈ ઠાકોર
પાટણ, કોરોના મહામારીનું સંક્રમણ વધી રહ્યું છે એવા સમયમાં ઘણા ગ્રામીણ વિસ્તારોમાં જ્યાં કોરોનાના એક સમયે ઘણા કેસ હતા ત્યાં ગ્રામજનોએ શિસ્ત અને સંયમ થકી કોરોના પર વિજય મેળવ્યો છે અને ગામને કોરોના મુક્ત કર્યું છે. પાટણ જિલ્લાના શંખેશ્વર તાલુકાનું કચ્છના નાના રણકાંઠામાં આવેલું નવી કુંવર ગામ સ્વપ્રયાસોથી કોરોના સામેની લડાઈમાં વિજય મેળવી અન્ય ગામોને માર્ગદર્શન પૂરુ પાડી રહ્યું છે.
નવી કુંવર ગામમાં કોરોના કેવી રીતે પ્રવેશ્યો એની વિગતો જોઈએ તો સમી તાલુકાના બાસ્પા ગામમાં હોસ્ટેલમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ ગામમાં આવતા તેઓને કોરોનાના શંકાસ્પદ લક્ષણો જણાયા.
આ વાતની જાણ ગામના ૩૬ વર્ષીય યુવા સરપંચશ્રી ધીરુભાઈ ઠાકોરને થતાં તેઓએ તાત્કાલિક આરોગ્ય વિભાગનો સંપર્ક કરી આ યુવાનોનો કોરોના ટેસ્ટ કરાવ્યો. જેમાં આ યુવાનો કોરોના પોઝીટીવ આવતા તેમને હોમ આઈસોલેશનમાં રાખીને દવાની કીટ આપવામાં આવી.
ત્યારબાદ ગામમાં સંક્રમિત લોકોને ઓળખીને ઝડપથી સારવાર કરી શકાય એ માટે નિયમિત રીતે વધુમાં વધુ ટેસ્ટીંગ કરવામાં આવ્યા. જેમાં શરૂઆતમાં જ ૪૭ લોકો પોઝીટીવ મળી આવ્યા. જેને ધ્યાને લઈ જિલ્લા વહીવટીતંત્ર દ્વારા સંપૂર્ણ ગામને કન્ટેન્ટમેન્ટ ઝોન જાહેર કરવામાં આવ્યો.
ગામના સરપંચશ્રી, સભ્યો, તલાટી દ્વારા એક ટીમ બનાવીને દરરોજ ગામમાં જે લોકો પોઝીટીવ આવ્યા છે એમની મુલાકાત લઈને તેમને આઈસોલેશનમાં રહેવા તથા દવા લેવા માટે સમજાવવામાં આવ્યા.
સરપંચશ્રી ઘીરુભાઇની આગેવાનીમાં અને વહીવટીતંત્રના ઉચ્ચ અધિકારીઓ પ્રાંત અધિકારીશ્રી, મામલતદારશ્રી તથા તાલુકા વિકાસ અધિકારીશ્રીએ નિયમિત ગામની મુલાકાત લઈ લોકો સ્વૈચ્છિક રીતે સરકારશ્રીની માર્ગદર્શિકાનું પાલન કરે એ માટે નિયમિત રીતે સર્વેલન્સ કર્યું.
ગામમાં સતત સાત દિવસ સુધી આયુર્વેદિક ઉકાળાનું વિતરણ મામલતદાર કચેરી અને સ્વૈચ્છિક સંસ્થાઓ દ્વારા કરવામાં આવ્યું. નવી કુંવર ગામના લોકોએ જાણે નક્કી જ કરી લીધું હોય કે કોરોનાને ગામવટો આપવો છે એ રીતે સજ્જડ લોકડાઉનનું પાલન કરી અદભૂત આત્મસંયમના દર્શન કરાવ્યા. ગ્રામલોકોએ પણ પૂર્વ આયોજિત તમામ સામાજિક પ્રસંગો બંધ રાખીને વહીવટીતંત્રને સંપૂર્ણ સાથ સહકાર આપ્યો. આશાવર્કર બહેનો દ્વારા ગામમાં બહારથી આવતી વ્યક્તિઓની યાદી બનાવી શંકાસ્પદ જણાય તો તેમના ટેસ્ટ કરાવવા સહિતની કામગીરી કરી.
નવી કુંવર ગામમાં કન્ટેન્ટમેન્ટ માટેનો સમયગાળો પૂર્ણ થઈ ગયો છે અને અત્યારે ગામમાં એક પણ એક્ટિવ પોઝીટીવ કેસ નથી. ગામમાં ટેસ્ટીંગ કરવામાં આવી રહ્યું છે છતાં કોઈ કોરોનાના નવા દર્દીઓ મળી રહ્યા નથી. એથી, કહી શકાય કે શંખેશ્વર તાલુકાનું નવી કુંવર ગામ કોરોનાથી મુક્ત થઈ ગયું છે.
છતાં ગ્રામજનોએ હજુ પણ આગામી સમયમાં ફરીથી ગામમાં કોરોના માથું ન ઉંચકે એ માટે માસ્ક, સોશિયલ ડિસ્ટન્સીંગ અને સ્વચ્છતાનો સંકલ્પ કર્યો છે. આમ, નવી કુંવર ગામ જે ગામોમાં કોરોનાનો પોઝીટીવીટી રેટ વધુ છે એવા ગામોને સ્વૈચ્છિક પ્રયાસોથી કોરોનામુક્ત થવાનો માર્ગ ચીંધી રહ્યું છે.