સ્વરસામ્રાજ્ઞી લતા મંગેશકરે ૯૨મો જન્મદિવસ ઉજવ્યો

મુંબઈ, સ્વરસામ્રાજ્ઞી લતા મંગેશકર મંગળવારે પોતાનો ૯૨મો જન્મદિવસ મનાવી રહ્યા છે. તેમનો જન્મદિવસ આ વખતે ખાસ છે કેમકે તેમનું જૂનું પણ દર્શકો માટે નવું ગીત સાંભળવા મળશે. ફિલ્મમેકર વિશાલ ભારદ્વાજ અને ગીતકાર ગુલઝારે કહ્યું કે ૨૬ વર્ષ પહેલાં આ બંનેએ લતા મંગેશકર સાથે એક ગીત રેકોર્ડ કર્યું હતું જેને મંગળવારે રિલીઝ કરવામાં આવશે.
ઠીક નહીં લગતા બોલ ધરાવતા ગીતનું રેકોર્ડિંગ એક ફિલ્મ માટે કરવામાં આવ્યું હતું જે બાદમાં અભેરાઈએ ચડી ગયું હતું. આ ગીતને હવે વિશાલ ભારદ્વાજના લેબલ વીબી મ્યુઝિક અને મોજ એપના સહયોગથી લતા મંગેશકરના ૯૨મા જન્મદિવસે રિલીઝ કરવામાં આવશે.
સોમવારે ડિજિટલ માધ્યમથી આયોજિત એક પ્રેસ કોન્ફરન્સ દરમ્યાન ભારદ્વાજે કહ્યું કે તેમણે ‘માચિસ’ ફિલ્મ પહેલાં પણ લતા મંગેશકર સાથે ઠીક નહીં લગતા’ ગીતની રેકોર્ડિંગ કરી હતી. આ ગીત અન્ય એક ફિલ્મ માટે લખવામાં આવ્યું હતું, જે ન બની શકી.
ફિલ્મકારે સંવાદદાતાઓને કહ્યું, ‘એ સમયે અમે આ ગીતને પણ રેકોર્ડ કર્યું હતું. કમનસીબે એ ફિલ્મ, જેના માટે આ ગીત લખાયું હતું, એ ન બની શકી. તેની સાથે આ ગીત પણ ખોવાઈ ગયું હતું. લાંબા સમય સુધી અમે આ ફિલ્મને ફરી બનાવવા અંગે વિચાર કરતાં રહ્યા, પણ ૧૦ વર્ષ બાદ ચિત્ર સ્પષ્ટ થઈ ગયું કે આ ફિલ્મ નહીં બની શકે.’
ભારદ્વાજે કહ્યું કે જે ટેપ પર લતા મંગેશકરનું ગીત રેકોર્ડ થયું હતું એ ખોવાઈ ગઈ અને રેકોર્ડિંગ સ્ટુડિયો પણ બંધ થઈ ગયો. તેમણે જણાવ્યું કે બે વર્ષ પહેલાં તેમને અન્ય એક રેકોર્ડિંગ સ્ટુડિયોથી કોલ આવ્યો કે તેમને એક ટેપ મળી છે જેના પર ભારદ્વાજનું નામ લખેલું છે.
ભારદ્વાજે કહ્યું, ‘જ્યારે અમે ટેપમાં જાેયું તો એમાં એ ગીત હતું. લતાજીનો અવાજ બીજા ટ્રેક પર હતો. એટલે અમે ગીતને ફરી ઓર્કેસ્ટ્રેટ કર્યું કેમકે તે સાંભળવામાં થોડું જૂનું લાગતું હતું. એ ખોવાયેલું ગીત ફરી મળે એ મહત્વનું હતું.’ લતા મંગેશકરે એક ઓડિયો સંદેશમાં ગુલઝાર અને ભારદ્વાજ બંનેની પ્રતિભા અને ગીતને પાછું લાવવા માટેના પ્રયત્નની પ્રશંસા કરી. ગુલઝારે ભારદ્વાજને ‘ગીત શોધવાવાળા કોલમ્બસ’ કહ્યા અને કહ્યું કે આ ગીત આજે પણ પ્રાસંગિક છે.SSS