સ્વસ્થ્ય બાળકો કોરોનાથી જલ્દી સાજા થઈ જાય છે
નવી દિલ્હી: કોરોનાની બીજી લહેર પહેલી લહેરની અપેક્ષામાં વધારે ઘાતક સાબિત થઈ છે. આ લહેર દરમિયાન કોરોના પોઝિટિવ બાળકોની સંખ્યા પણ વધારે જાેવા મળી હતી. ત્યારે આ વાઇરસનો બાળકો પર પ્રતિકૂળ પ્રભાવ પડવા સાથે અનેક સવાલો ઉભા થઈ રહ્યાં છે. હવે કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે બાળકોમાં કોરોના વાઇરસ બીમારીના ડરની આશંકાઓને દૂર કરવા માટે એક પ્રેસ રિલીઝ જાહેર કરી છે. આ પ્રેસ રિલીઝમાં ખાસ કરીને બીમારી બાદ પ્રકોપને લઈને કલ્પનાઓ અને તથ્ય જાહેર કરવામાં આવ્યાં છે. અધિકારીઓએ એક નિવેદનમાં કહ્યું કે, બાળકોમાં કોવિડ-૧૯ ક્યારેક કોઈ પણ જાતના લક્ષણ વગર થાય છે અને તેઓને ભાગ્યે જ હોસ્પિટલમાં ભરતી થવાની જરૂર પડે છે.
પ્રેસ રિલીઝમાં નીતિ આયોગના સભ્ય ડૉ. વીકે પોલના હવાલાથી કહેવાયું છે કે, કોવિડથી પોઝિટિવ બાળકોને ભાગ્યે જ હોસ્પિટલમાં ભરતી થવાની જરૂર ઊભી થાય છે. તો એઈમ્સના ડિરેક્ટર ડૉ. રણદિપ ગુલેરિયાએ કહ્યું કે, સ્વસ્થ બાળકો કોરોના સંક્રમણથી જલ્દી સાજા થઈ જાય છે. તેઓને આ હળવી બીમારી થાય છે, પરંતુ બાળકોનું શરીર હોસ્પિટલમાં ભરતી થયા વગર જ સાજા થવાની ક્ષમતા રાખે છે. એનટીએજીઆઈના કોવિડ-૧૯ વર્કિંગ ગ્રૂપના અધ્યક્ષ ડૉ. એનેકે અરોડાએ કહ્યું કે, ૨થી ૧૫ વર્ષની ઉંમરના બાળકો પર કોવેક્સિન ટેસ્ટ શરૂ કરી દેવામાં આવ્યો છે.
મહામારી સામે લડવા માટે પાંચ પોઈન્ટ સ્ટેટજી બનાવવામાં આવી છે. જેમાં સૌથી મહત્વપૂર્ણ વેક્સિન છે. આ સ્ટેટજીમાં ટેસ્ટિંગ, ટ્રેક, સારવાર અને કોવિડમાં યોગ્ય વર્તન સામેલ છે. આ સિવાય તેઓએ જણાવ્યું કે, જાયડસ કેડિલા વેક્સિનનું ટ્રાયલ લગભગ પૂરૂ થઈ ચૂક્યું છે અને જુલાઈના અંત સુધી કે ઓગસ્ટમાં અમે ૧૨થી ૧૮ વર્ષની ઉંમરના બાળકોને આ વેક્સિન આપવાનું શરૂ કરી શકીએ છીએ. સાથે જ ફાઈઝર વેક્સિનને પણ જલ્દી મંજુરી મળવાની સંભવના છે. મંજુરી મળ્યા બાદ બાળકો માટે એક વધુ વિકલ્પ ઉપલબ્ધ થઈ શકે છે.