સ્વસ્થ ધરા ,ખેત હરાના ઉદ્દેશથી ભારત સરકારના કૃષિ મંત્રાલય દ્વારા સોઇલ હેલ્થ કાર્ડની યોજના
લુણાવાડા:સ્વસ્થ ધરા ,ખેત હરાના ઉદ્દેશથી ભારત સરકારના કૃષિ મંત્રાલય, કૃષિ અને સહકાર વિભાગ દ્વારા તમામ રાજયમાં અને કેન્દ્ર શાસિત પ્રદેશમાં સોઇલ હેલ્થ કાર્ડની યોજના અમલમાં છે. સોઇલ હેલ્થ કાર્ડની યોજનાથી પ્રત્યેક ખેડૂત પોતાની ખેતીની જમીનની ગુણવત્તા ચકાસણી કરાવી જરૂરિયાત મુજબના ખાતરનો ઉપયોગ કરી જમીનની ગુણવત્તા અને ઉત્પાદન વધારી શકે છે. તેનું ઉતમ ઉદાહરણ મહીસાગર જિલ્લાના ખાનપુર તાલુકાના બાબલિયા ગામને વર્ષ ૨૦૧૮-૧૯માં સોઇલ હેલ્થ કાર્ડની યોજનામાં મોડેલ વિલેજ તરીકે જાહેર કરવામાં આવ્યું છે. ગામની તમામ ખેતીની જમીનનું પૃથ્થકરણ કરી ૧૦૫ ખેડૂતને સોઇલ હેલ્થ કાર્ડ આપવામાં આવ્યા છે આ સોઇલ હેલ્થ કાર્ડ દ્વારા આ ગામના ખેડૂતોએ ઓર્ગેનિક ખેતી કરી ગુણવત્તાયુકત ઉત્પાદન વધાર્યું છે.
ગ્રામસેવકની અવારનવારની મુલાકાત લઈ બાબલિયા ગામના ખેડૂતોને આ યોજના અંગે જાગૃત કરી માટીના નમૂનાનું પૃથ્થકરણ કરી સોઇલ હેલ્થ કાર્ડ આપવામાં આવ્યા. આ કાર્ડમાં ખેડૂતની જમીનની માટીનું પૃથ્થકરણ કરી લભ્ય પોષક તત્વો અને અમ્લતા આંક, (પી.એચ.) દ્રાવ્યક્ષારો, લભ્ય પોષક તત્વો, સેન્દ્રિય કાર્બનનું પ્રમાણ, ફળદ્રુપતાની કક્ષા જાણવામાં આવી. આ કાર્ડના આધારે ખેતીવાડી વિભાગ દ્વારા જમીન સુધારણા, ખાતરની જરૂરિયાતનું પ્રમાણ અને ખેતીપાકની અનુકૂળતા અંગે ભલામણ કરવામાં આવી હતી.
જેમાં જમીનનું બંધારણ નિતાર શક્તિ, ભેજ સંગ્રહ શક્તિ જેવા જમીનના ભૌતિક ગુણધર્મો જાણી ખેતીપાકોની અનુકૂળતા અને ખાતરની જરૂરિયાત નક્કી કરી ખેતીવાડી વિભાગ દ્વારા ભલામણ કરવામાં આવેલ તેના થકી બાબલિયા ગામના ખેડૂતોને સારો એવો લાભ થયો અને જમીનની ફળદ્રુપત્તા વધી છે. સોઇલ હેલ્થ કાર્ડ દ્વારા આ ગામના ખેડૂતોએ જમીનની પૃથ્થકરણની માહિતી મેળવી રાસાયણિક ખાતરનો ઉપયોગ બંધ કરી સેન્દ્રિય ખાતરનો ઉપયોગ કરી ઓર્ગેનિક ખેતીમાં સારું ઉત્પાદન મેળવ્યું છે. ખેડૂતોએ સોઇલ હેલ્થ કાર્ડની યોજના અંગે સરકારનો આભાર વ્યકત કર્યો હતો.