સ્વાઇનફલુ રોગની સારવાર માટે વિનામૂલ્યે રૂ.૧૫૦૦ થી ૨૦૦૦નો ખર્ચ કરવામાં આવે છે
ગાંધીનગર: ગુજરાત વિધાનસભામા ધારાસભ્ય દ્વારા આણંદ અને અમરેલી જિલ્લામાં સ્વાઇનફલુ મેલેરિયા જેવા રોગો અંગે પુછવામાં આવેલા પ્રશ્નના જવાબમાં આરોગ્યશ્રીએ જણાવ્યું હતું કે રાજ્યમાં સ્વાઇનફલુ રોગની સારવાર માટે પ્રતિ દર્દી અંદાજે વિનામૂલ્યે રૂ.૧૫૦૦ થી ૨૦૦૦નો ખર્ચ કરીને વિવિધ ટેસ્ટ, સ્ક્રીનીંગ અને દવા આપવામાં આવે છે. આરોગ્ય વિભાગના પ્રયાસોથી સ્વાઇન ફલુ જેવા રોગોના પ્રમાણમાં છેલ્લા બે વર્ષમાં નોધપાત્ર ઘટાડો જોવા મળ્યો છે
આરોગ્ય મંત્રીએ વધુમાં જણાવ્યું હતું કે રાજ્યના આરોગ્ય વિભાગ દ્વારા ડેન્ગ્યુ, મેલેરિયા, ચિકનગુનિયા તથા કોન્ગો ફીવરને નિયંત્રણમાં રાખવા ફીવર સર્વેલન્સ, પોરા નાશક કામગીરી, જંતુનાશક દવા છંટકાવની કામગીરી, ઇન્ડોર ફોગીંગ અને આરોગ્ય શિક્ષણ જેવી પ્રવૃત્તિ કરવામાં આવે છે. આ ઉપરાંત સ્વાઇન ફલુ અંતર્ગત તમામ સરકારી સંસ્થાઓમાં વિનામૂલ્યે સારવાર પૂરી પાડવામાં આવે છે. જ્યાં આ પ્રકારના કેસ નોંધાય છે તેની નજીકની હોપિટલમાં આઇસોલેશન વોર્ડ પણ શરૂ કરવામાં આવે છે. વધુમાં કોન્ગોફીવરના કેસો માટે પશુપાલન વિભાગ સાથે સંકલન કરીને પશુઓમાં ઇતરડી નાશક કામગીરી હાથ ધરવામાં આવે છે
જયારે પ્રાથમિક અને સામૂહિક આરોગ્ય કેન્દ્રો સંદર્ભે પુછાયેલા અન્ય પ્રશ્નનો જવાબ આપતા આરોગ્ય મંત્રી નીતિન પટેલે જણાવ્યુ હતું કે દર ૩૦ હજારની વસતીએ એક પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર બનાવવાની યોજના છે. જે અન્વયે મોટાભાગના જિલ્લાઓમાં તમામ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રોનું કામ પૂર્ણ કરવામાં આવી રહ્યું છે તેમ મંત્રીશ્રીએ ઉમેર્યું હતું. આરોગ્ય વિભાગના કાયમી મહેકમ બાદ ખુટતા હોય તેવા સ્ટાફની ઘટ પુરવા આઉટસોર્સગથી કર્મચારીઓ લેવામાં આવે છે.
આઉટસોર્સગ એજન્સીઓ દ્વારા કર્મચારીઓને ઓછો પગાર આપીને મોટી ગેરરીતીઓએ કરવામાં આવતી હોવાની ફરીયાદો મળતી હતી તેને ગંભીરતાથી લઇને આરોગ્ય વિભાગના આઉટસોર્સગ પેમેન્ટ સીસ્ટમનો રીવ્યુ કરી એક મહત્વપૂર્ણ નિર્ણય લઇ કર્મચારીઓના શોષણ અટકાવવા મજબૂત વ્યવસ્થા ઉભી કરી છે. ભાવનગર જિલ્લામાં મળવાપાત્ર ૧૩ સામૂહિક આરોગ્ય કેન્દ્રો પૈકી તમામ ૧૩ સામૂહિક આરોગ્ય કેન્દ્ર હાલ કાર્યરત છે તે ઉપરાંત બે સબ ડિસ્ટ્રીકટ હોસ્પિટલો પણ કાર્યાન્વિત છે