‘સ્વાગત સપ્તાહ’ના ભાગરૂપે રાજ્યની ગ્રામ પંચાયતના સરપંચશ્રીઓ, સભ્યો, તલાટી કમ મંત્રીશ્રીઓ અને વી.સી.ઈ માટે ઓનલાઇન તાલીમનું આયોજન
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના દિશા-દર્શનમાં પંચાયતી રાજ વ્યવસ્થામાં ગ્રાસરૂટ લેવલના પદાધિકારીઓ-કર્મચારીઓને તાલીમ આપી ‘સ્વાગત’ કાર્યક્રમને વધુ સુદ્રઢ, લોકભિમુખ અને વ્યાપક બનાવવાનો રાજ્ય સરકારનો અભિગમ
રાજ્યની ૧૪,૫૧૫ ગ્રામ પંચાયતોના ૧૦,૦૯૫ સરપંચશ્રીઓ, ૫૩,૯૪૧ સદસ્યશ્રીઓ તથા ૧૮,૯૦૭ તલાટી કમ મંત્રીશ્રીઓ અને વી.સી.ઇ એમ કુલ ૮૨,૯૪૩ પદાધિકારી/કર્મચારીઓને તાલીમ અપાઇ
ભારતના વડાપ્રધાન અને ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ રાજ્યના સામાન્ય નાગરિકોની ફરિયાદોનું સમયબદ્ધ નિવારણ લાવવાના હેતુથી દેશભરમાં પ્રથમ એવો નવતર અભિગમ ‘સ્વાગત’ કાર્યક્રમ તા.ર૪ એપ્રિલ-ર૦૦૩ થી શરૂ કરાવ્યો હતો.
આ ‘સ્વાગત’ કાર્યક્રમને ૨૦ વર્ષ પૂર્ણ થવા નિમિત્તે સ્વાગત સપ્તાહની ઉજવણીથી મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના દિશા-દર્શનમાં રાજ્ય સરકારે પંચાયતી રાજ વ્યવસ્થામાં ગ્રાસરૂટ લેવલે કાર્યરત પદાધિકારીઓ-કર્મચારીઓને તાલીમ આપીને ‘સ્વાગત’ કાર્યક્રમને વધુ સુદ્રઢ, લોકાભિમુખ અને વ્યાપક બનાવવાનો અભિગમ દાખવ્યો છે.
સ્વાગત સપ્તાહની ઉજવણીના ભાગરૂપે શનિવારે રાજ્યની તમામ ગ્રામ પંચાયતોના સરપંચશ્રીઓ, ગ્રામ પંચાયતના સદસ્યશ્રીઓ, તલાટી કમ મંત્રીશ્રીઓ અને વીસીઇને મુખ્યમંત્રીશ્રીના જનસંપર્ક કાર્યાલય અને પંચાયત વિભાગના ઉપક્રમે ઓનલાઇન તાલીમ બાયસેગના માધ્યમથી આપવામાં આવી હતી.
આ કાર્યક્રમમાં રાજ્યની ૧૪,૫૧૫ ગ્રામ પંચાયતોના ૧૦,૦૯૫ સરપંચશ્રીઓ, ૫૩,૯૪૧ ગ્રામ પંચાયત સદસ્યશ્રીઓ તથા ૧૮,૯૦૭ તલાટીઓ અને વી.સી.ઇ એમ કુલ ૮૨,૯૪૩ પદાધિકારી/કર્મચારીઓએ ‘સ્વાગત’ની કાર્યપદ્ધતિ અંગે વિસ્તૃત તાલીમ મેળવી હતી.
આ ઓનલાઇન તાલીમમાં ગ્રામ્ય વિસ્તારના પદાધિકારીઓ અને તલાટી કમ મંત્રીશ્રીઓને સ્વાગત કાર્યક્રમનો વધુને વધુ પ્રચાર કરી તેનો વ્યાપ વધારવા અને નાગરિકોની સમસ્યાના ત્વરિત નિરાકરણ માટેની કાર્યપદ્ધતિ સમજાવવામાં આવી હતી.
વિકાસ કમિશનરશ્રી સંદીપ કુમાર, મુખ્યમંત્રીશ્રીના ખાસ ફરજ પરના અધિકારી ડો. એમ. ડી. મોડીયા તેમજ શ્રી આર.વી. વ્યાસ, નાયબ કલેક્ટર શ્રી ભારતીબા વાઘેલાએ ઉપસ્થિત રહી માર્ગદર્શન આપ્યું હતું.
સાબરકાંઠા જિલ્લાના તલોદ તાલુકાના પુંસરી ગામને વિશ્વફલક પર આદર્શ ગ્રામ તરીકેની ઓળખ અપાવનાર પૂર્વ સરપંચશ્રી હિમાંશુભાઈ પટેલ, મહેસાણા જિલ્લાના બેચરાજી તાલુકાના સરપંચશ્રી દેવાંગભાઈ પંડ્યા, નિવૃત્ત તલાટી કમ મંત્રી અને વિસ્તરણ અધિકારીશ્રીઓએ પણ પોતાના અનુભવો વર્ણવ્યા હતાં.