Western Times News

Gujarati News

સ્વાદિષ્ટ અને પોષકતત્વોથી ભરપુર વાનગીઓનો ફૂડ ફેસ્ટ ૨૦૧૯ યોજાયો

દાહોદ: તા. ૧૨ : દાહોદની મહિલા આઇટીઆઇ ખાતે સ્વાદિષ્ટ અને પોષકતત્વોથી ભરપુર વાનગીઓનો ફૂડ ફેસ્ટ ૨૦૧૯ યોજાયો હતો. આઇટીઆઇની છાત્રાઓને સ્વાસ્થ્ય માટે જરૂરી તત્વો ધરાવતા વિવિધ પોષ્ટીક વ્યંજનોની રેસિપિ અને તેના મહત્વને સમજાવી દૈનીક જીવનમાં તેને સામેલ કરવા માટે નિષ્ણાંતો દ્વારા સમજ આપવામાં આવી હતી.

મહિલા આઇટીઆઇ ખાતે યોજાયેલા ફૂડ ફેસ્ટમાં વટાણાની કચોરી, પાલક પુરી, બીટની રોટલી, પાલક ચટણી, ધાણા મરચા ચટણી, વડીનું શાક, વેજ. સ્ટ્રીપ, મકાઇના થેપલા, મેથીના થેપલા જેવી વિવિધ વાનગીઓનું તેમની રેસીપી સાથે પ્રદર્શન યોજવામાં આવ્યું હતું.

દાહોદ આઇટીઆઇના આચાર્ય શ્રી કે.બી.કણઝરીયાએ આ પ્રસંગે છાત્રાઓને પોષ્ટ્રીક આહારનું મહત્વ સમજાવ્યું હતું અને આહારમાં બધા જ પોષક તત્વોનો સમાવેશ થતો હોય તેવો આહાર લેવા જણાવ્યું હતું.

આ પ્રસંગે ઝાયડસ હોસ્પીટલના ગાયનેકોલોજીસ્ટ ડો. દીના શાહે પણ છાત્રાઓને જમવાની સારી આદતો વિકસાવવા જણાવ્યું હતું. તેમણે જણાવ્યું હતું કે આહાર સાત્વીક, સાદો અને પોષ્ટ્રીક હોવો જોઇએ. દાહોદમાં માતા મરણનું મોટું કારણ એનીમિયા છે. આવું ન બને તે માટે પોષ્ટીક અને સમતોલ આહારને દૈનીક જીવનમાં સામેલ કરવા તેમણે જણાવ્યું હતું.

દાહોદ જિલ્લાના બાગાયત અધિકારી શ્રી એચ.બી.પારેખે છાત્રાઓને ફૂડ પ્રોસેસીગ અને વિવિધ બાગાયતી પાકોમાં રહેલા ઔધષિય ગુણો વિશે માહિતી આપી હતી. વિવિધ બાગાયતી પાકોને કઇ રીતે પ્રોસેસીગ કરી બારે માસ ખાઇ શકાય અને રોજગાર પણ મેળવી શકાય તે વિશે વિગતે સમજાવ્યું હતું.

કાર્યક્રમમાં બાગાયત ખાતા દ્વારા વિવિધ પોષક તત્વો અને ઔષધિય ગુણો ધરાવતા સરગવાના ૧૦૦૦ રોપાઓનું આઇટીઆઇની છાત્રાઓને મહાનુભાવોના હસ્તે વિતરણ કરવામાં આવ્યું હતું.

કાર્યક્રમમાં મહિલા આઇટીઆઇના આચાર્ય શ્રી પી.જે.મસીહ, દાહોદ આઇટીઆઇના આચાર્ય શ્રી એમ.એ.કાંચવાલા, ઝાલોદ આઇટીઆઇના આચાર્ય શ્રી એ.આર.શાસ્ત્રી, ઝાયડસ હોસ્પીટલના એચઆર મેનેજર શ્રી કરણ શાહ અને આઇટીઆઇની છાત્રાઓ ઉપસ્થિત હતી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.