સ્વામિનારાયણ કુમકુમ મંદિર દ્વારા ચાતુર્માસની ઉજવણી કરવામાં આવશે
તા. ૨૦ જુલાઈ અષાઢ સુદ એકાદશીથી ચાતુર્માસ પ્રારંભ થશે
તા. ૨૦ જુલાઈ અષાઢ સુદ એકાદશીને મંગળવારનાં રોજ ચાતુર્માસનો પ્રારંભ થતો હોવાથી શ્રી સ્વામિનારાયણ મંદિર – કુમકુમ – મણિનગરના મહંત શાસ્ત્રી શ્રી આનંદપ્રિયદાસજી સ્વામીની પ્રેરણાથી સ્વામિનારાયણ મંદિર કુમકુમ મણિનગર ખાતે સંતો – હરિભક્તો સવારે ૮ – ૦૦ વાગે નિયમો ધારણ કરશે.
આ પ્રસંગે સહુ સંતો – ભક્તો ચાતુર્માસ દરમ્યાન ધારણાં – પારણાં – નકોરડી એકાદશીઓ – એકટાંણા, વચનામૃત,બાપાશ્રીની વાતોની પારાયણ વાંચવી,આદિ વિશિષ્ટ નિયમો ધારણ કરશે.આ પ્રસંગે કુમકુમ મંદિર મણિનગર ખાતે શ્રી સ્વામિનારાયણ ભગવાનને વિશિષ્ટ શણગાર સજવામાં આવશે.
ચાતુર્માસ અંગે કુમકુમ મંદિરના સાધુ પ્રેમવત્સલદાસજી સ્વામીએ જણાવ્યું હતું કે, ચાતુર્માસનો પ્રારંભ તા. ૨૦ જુલાઈથી થશે અને તેની પૂર્ણાહુતિ તા. ૧૫ નવેમ્બરના રોજ થશે.દેવશયની (અષાઢ સુદ) એકાદશીથી દેવઊઠી (કારતક સુદ) એકાદશી સુધી સતત ચાર મહિનાને ચાતુર્માસ કહેવામાં આવે છે.
અષાઢ સુદ એકાદશી એ ભગવાન પોઢે છે. તેથી તે એકાદશીને દેવપોઢી એકાદશી કહેવાય છે.ભાદરવા સુદ એકાદશીએ પડખું ફેરવે છે તેથી તેની પાર્શ્ચવર્તીની એકાદશી કહેવાય છે અને કારતક સુદ એકાદશી એ જાગે છે તેથી તે એકાદશીને દેવઉઠી એકાદશી કહેવાય છે. ચાતુર્માસના મહાત્મ્યનું પ્રતિપાદન કરતાં શ્રી સ્વામિનારાયણ ભગવાન શિક્ષાપત્રીમાં શ્લોક ૭૬ થી ૭૮ માં કહે છે કે, “ચાતુર્માસમાં સૌ ભક્તોએ વિશેષ નિયમ ધારણ કરવા જોઈએ
જે અસમર્થ હોય તેમણે શ્રાવણ માસમાં તો અવશ્ય વિશેષ નિયમો ધારવા જ જોઈએ. તે નિયમો જણાવતાં કહે છે કે, “ભગવાનની કથા સાંભળવી તથા વાંચવી,ભગવાનના ગુણનું ગાન કરવું, પંચામૃત સ્નાનથી ભગવાનની મહાપૂજા કરવી, ભગવત્ મંત્રનો જપ કરવો, સ્તોત્રનો પાઠ કરવો, ભગવાનની પ્રદક્ષિણા કરવી તથા સાષ્ટાંગ નમસ્કાર કરવા. આ આઠ નિયમો કોઈ એક નિયમ ભક્તિયુક્ત થઈને ચાતુર્માસમાં વિશેષપણે ધારવો. તેથી સહુ સંતો – ભક્તો આ નિયમો ચાતુર્માસમાં શ્રી સ્વામિનારાયણ ભગવાનની પ્રસન્નતાર્થે અંગીકાર અવશ્ય કરવા જોઈએ.
:- ચાતુર્માસની કથા :-
દેવશયની એકાદશીથી ચાતુર્માસનો પ્રારંભ થાય છે.ભગવાન વિષ્ણુ ક્ષીર સાગરમાં શયન કરે છે તેથી આ એકાદશીને દેવશયની એકાદશી કહી છે. આ ચાતુર્માસ અંગેની અનેકાનેક કથાઓ સાંભળવા વર્ષોથી મળતી આવી છે અને આવે છે. તેમાંથી એક કથા આવી પણ છે.
એક વખત વિષ્ણુ ભગવાન દાનવીર બલિરાજાનું રાજ્ય લેવા માટે બટુક બ્રહ્મચારી બન્યા અને વામન સ્વરુપ ધારણ કર્યું. બલિરાજા પાસે ત્રણ હાથ ભૂમિની માંગણી કરી. બલિરાજા તે આપવા તત્પર થયાં ત્યારે તેમના ગુરુ શુક્રાચાર્ય તથા અન્ય દાનવોએ બલિરાજાને ચેતવ્યા કે, આ ત્રણ હાથ ભૂમિમાં તારું તે સર્વસ્વ લઈ લેશે. ત્યારે બલિરાજા એ કહ્યું કે, તેમનું આપેલું તો હું રાજ કરું છું.
ભલે, ગમે તે થાય તેમણે જે માંગ્યું છે તે હું આપીશ જ. વિષ્ણુજીએ પોતાનું સ્વરૂપ વામનમાંથી વિરાટ કર્યું. તેમનાં બે પગલાંથી પૃથ્વી અને સ્વર્ગ બંને લોક આવી ગયાં. સઘળી સંપત્તિ ખોઈ બેઠેલા બલિએ, અંતે એક પગલા માટે પોતાના દેહને ભક્તિભાવથી ધરીને પ્રતિજ્ઞા પૂર્ણ કરી. વિષ્ણુજીએ બલિનું ધન જીત્યું, બલિએ ભગવાનનુ મન જીત્યું. તે દિવસથી ભગવાન વિષ્ણુએ પાતાળમાં રહેવાનું સ્વીકાર્યું છે એમ કહેવાય છે.
– સાધુ પ્રેમવત્સલદાસજી કુમકુમ