સ્વામિનારાયણ મંદિરની દાનપેટી ધોળે દિવસે તસ્કરો ઉઠાવી જતા ચકચાર
(પ્રતિનિધિ) ભરૂચ, ઝઘડિયા ના ટાવર રોડ પર આવેલ સ્વામિનારાયણ મંદિરમાં બપોર થી સાંજ ના સાત વાગ્યા સુધીમાં કોઈ અજાણ્યા ચોર ઈસમો મંદિરની આખે આખી દાનપેટી ઉઠાવી ગયા છે.મંદિરના વહીવટકર્તાઓ અને પુજારીના જણાવ્યા મુજબ દાનપેટીમાં ૧૭,૦૦૦ થી વધુ રોકડ હોવાનો અંદાજ છે.ધોળા દિવસે ભરચક વિસ્તારના મંદિર માંથી દાનપેટી ઉઠાવી જવાની ઘટના થી અંદાજ લગાવી શકાય છે કે ઝઘડિયા પંથકમાં ગુનાખોરીનો આંક કેટલો ઊંચો છે!
ઝઘડિયાના મુખ્ય ટાવર રોડ પર સ્વામિનારાયણ મંદિર આવેલ છે, મંદિરમાં હેમંતભાઈ પુરોહિત અને સાર્થકભાઈ પુરોહિત મંદિરનો વહીવટ અને સેવાપૂજા કરે છે, ગત તા. ૧૧.૭.૧૯ના રોજ મંદિર સામે રહેતા નીરવભાઈનો સાર્થકભાઈ પર ફોન આવ્યો હતોકે મંદિરમાં મુકેલ દાનપેટી અહીંથી કોઈ લઇ ગયેલ છે, જેથી સાર્થકભાઈ તરત મંદિરે પહોંચ્યા હતા, મંદિરે જઈ જોતા જે જગ્યાએ દાનપેટી હતી ત્યાં તે હતી નહિ.
આ બાબતે મંદિરના પૂજારી હેમંતભાઈ ને પૂછતાં તેમને જણાવ્યું હતુંકે બપોરે ૩.૩૦ વાગ્યે હું મંદિરમાં હતો ત્યારે દાનપેટી હતી, બપોર થી સાંજ સુધીમાં કોઈ ચોર ઈસમો દાન પેટી ઉઠાવી ગયા હતા, મંદિરના વહીવટકર્તાઓ અને પુજારીના જણાવ્યા મુજબ દાનપેટીમાં ૧૭૦૦૦ થી વધુ રોકડ રકમ હોવાનો અંદાજ છે, મંદિરના મુખ્ય વહીવટકર્તાઓ પૈકી ના સાર્થકભાઈ રમાકાન્તભાઈ પુરોહિતે ઝઘડિયા પોલીસ મથકમાં ફરિયાદ આપી છે,
ઝઘડિયાના મુખ્ય અને ભરચક વિસ્તારમાં બનેલ ઘટનાને આજે ચાર દિવસ થયા હોવા છતાં દાનપેટી ચોરનાર સુધી ઝઘડિયા પોલીસ પહોંચી શકી નથી. અત્રે ઉલ્લેખનીય છેકે ઝઘડિયા પંથકમાં મંદિરોમાં ચોરી થવાની ઘટ્નાઓજ દર્શાવે છે કે તાલુકાનો ગુનાખોરીનો આંકજ કેટલો ઉંચો હશે ! મંદિરોમાં ચોરીની ઘટના પરથી ફલિત થાય છેકે ઝઘડિયા તાલુકાની પોલીસની ગુનેગારો પર પકડ રહી નથી, પોલીસ પોતાની ફરજ પ્રત્યે સજાગ થાય અને ગુનેગારો સાથે કડકાઈથી કામ લે જે જનતાના હિતમાં રહેશે તેમ ઝઘડિયા ટાઉન ની જનતા ઈચ્છી રહી છે.*