સ્વામી વિવેકાનંજીના શિકાગો વ્યાખ્યાનોની ૧૨૫મી જયંતી પ્રસંગે આયોજિત યુવા સંમેલન સમ્પન્ન
રાજકોટ, સ્વામી વિવેકાનંદજીએ ૧૯મી સપ્ટેમ્બર, ૧૮૯૩ ના રોજ ‘હિન્દુધર્મ’ વિશે અત્યંત પ્રભાવશાળી પ્રવચન આપ્યું હતું તેની ૧૨૫મી જયંતિ પ્રસંગે શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ દ્વારા તા. ૧૯મી સપ્ટેમ્બર, ૨૦૧૯ ના રોજ ‘આધુનિક યુવા વર્ગ માટે હિન્દુધર્મ’ એ વિષય પર એક યુવા સંમેલનનું આયોજન થયું હતું, જેમા ૪૦૦ યુવા ભાઈ – બહેનોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો.
રાજકોટના ડેપ્યુટી પોલિસ કમિશ્નર શ્રી મનોહરસિંહ જાડેજાએ મુખ્ય અતિથિરૂપે દીપ પ્રાગટ્ય દ્વારા યુવા-સંમેલનનું ઉદ્ઘાટન કર્યું હતું, જેમાં તેણે જણાયું કે પોતાની વિદ્યાર્થી અવસ્થામાં તેમણે સ્વામી વિવેકાનંદ ગ્રંથમાળાનું અધ્યયન કર્યું હતું, જેથી તેમની કારકીર્દીમાં તેઓ હમેશા સફળ રહ્યા હતા. તેમણે યુવા ભાઈ-બહેનોને સ્વામી વિવેકાનંદ ગ્રંથમાળા વાંચવાનો આગ્રહ કર્યો હતો.
શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટના અધ્યક્ષ સ્વામી નિખિલેશ્વરાનંદજીએ હિન્દુધર્મની વિશેષતાઓ – ઉદારવાદી દૃષ્ટિકોણ અને દરેક મનુષ્યમાં રહેલ દિવ્ય ચેતનાનું નિરૂપણ કર્યું હતું અને સિંહણ અને ઘેટાની વાર્તા દ્વારા યુવા ભાઈ–બહેનોને પોતાની દિવ્યતાના પ્રગટીકરણ દ્વારા નિરાશા – હતાશા ખંખેરી આત્મ-શ્રદ્ધા કેળવવાનું આહ્વાન કર્યું હતું. રાષ્ટ્રીય શ્રેષ્ઠ શિક્ષક એવાર્ડ મેળવનાર શ્રીમતી પંન્નાબેન પંડ્યાએ ‘હિન્દુધર્મ માં નારી સશક્તિકરણ’ વિશે મનનીય પ્રવચન કર્યું હતું. સ્વામી પ્રભુસેવાનંદજીએ સ્વાગત પ્રવચન કર્યું હતું અને સ્વામી ધર્મપાલાનંદજીએ આભાર દર્શન કર્યું હતું. પ્રતિનિધિઓને સ્વામી વિવેકાનંદ કૃત ‘શિકાગો વ્યાખ્યાનો’ પુસ્તક ભેટરૂપે આપવામાં આવ્યું હતું.