સ્વાસ્થ્ય સારૂ રાખવા ફેમીલી ડોકટરની નહિં ફેમીલી ફાર્મરની જરૂર છે:રાજયપાલશ્રી

અનેક પ્રકારની બીમારીઓનો લોકો ભોગ બન્યા છે. આ બધામાંથી મૂકિત મેળવવાનો રામબાણ ઇલાજ સુભાષ પાલેકર પ્રાકૃતિક ખેતી છે. તેમ જણાવી રાજયપાલશ્રી આચાર્ય દેવવ્રતે કહયુ કે, આજે સ્વાસ્થ્ય સારૂ રાખવા ફેમીલી ડોકટરની નહીં પરંતુ ફેમીલી ફાર્મરની આવશ્યકતા છે.
આ સંદર્ભે તેમણે જણાવ્યુ કે, વિશ્વમાં ગાયથી વધુ કોઇ પરોપકારી પ્રાણી નથી. એક દેશી ગાયની મદદથી ૩૦ એકર જમીનમાં પ્રાકૃતિક ખેતી થઇ શકે છે. જમીન બંજર થતી અટકી ઉત્પાદન શકિત વધશે. ખેત ઉત્પાદનના વધુ ભાવ મળશે. ખેતી ખર્ચ અને પાણીનો વપરાશ ઘટશે. ગાયના દુધ થી બાળકો બળવાન અને બૃધ્ધીશાળી થશે લોકોનું આરોગ્ય સુધરશે અને ખેડુતોની આવક બમણી થશે.
જૂનાગઢ કૃષિ યૂનિ. ખાતે આયોજીત સમારોહમાં ઉપસ્થિત ખેડુતો ગાય આધારિત પ્રાકૃતિક ખેતી માટે સંકલ્પબધ્ધ થયા હતા. તેમની આ સંકલ્પબધ્ધતાને પ્રેરણા આપતા કાર્યક્રમના અધ્યક્ષસ્થાનેથી રાજયપાલશ્રીએ વધુમાં કહયુ કે, ગુજરાતનો ખેડુત ખુશહાલ અને સમૃધ્ધ બને ખેડુતના ચહેરા પર નવી ચમક આવે તે મારો ઉદેશ છે. ગુજરાતના ખેડુતોએ પ્રાકૃતિક ખેતીમાં દેશનુ નેતુત્વ કરવાનું છે.
મુખ્યમંત્રીશ્રી-કૃષિમંત્રીશ્રી સહિત સમગ્ર ગુજરાત સરકાર પ્રાકૃતિક ખેતીમાં સહયોગ આપી રહી છે તે પ્રત્યે આનંદની લાગણી વ્યકત કરી રાજયપાલશ્રીએ જણાવ્યુ કે, ખેડુતોને દેવામૂકત કરવા, જમીનને રાસાયણીક ખાતર અને જંતુનાશકોથી બચાવવા, લોકોનું સ્વાસ્થ્ય સુધારવા સાથે ખેડુતોની આવક ડબલ કરવા ઇમાનદારીથી પ્રાકૃતિક ખેતી અપનાવવી એજ ઉપચાર અને ઉપાય છે.
પ્રારંભે આત્મા પ્રોજેકટના નિયામક કે.ડી. પંચાલે સ્વાગત પ્રવચન સાથે કાર્યક્રમની રૂપરેખા આપતા જણાવ્યુ કે,આડેધડ રાસાયણીક ખાતર અને જંતુનાશકોના વપરાશથી બાયોડાયવર્સીટી અને ઇકો સીસ્ટમ ખોરવાઇ છે. કલાઇમેંટ ચેન્જ અને ગ્લોબલ વોર્મીંગનો આપણે ભોગ બન્યા છીએ. સોઇલ હેલ્થ અને માનવ હેલ્થને નુકશાન થયુ છે. આથી પ્રાકૃતિક ખેતીના મોડલ ફાર્મ તૈયાર કરવા ઇકો ગ્રામ બનાવવાની તેમણે હિમાયત કરી હતી.