સ્વીટી પટેલના ભાઈએ કરજણ પોલીસ ઉપર આક્ષેપો કર્યા

વડોદરા: સમગ્ર રાજ્યમાં ચર્ચાસ્પદ બનેલા સ્વીટી પટેલ કેસમાં શરુઆતના તબક્કામાં તપાસમાં ઢીલ કરનારી કરજણ પોલીસ પર સ્વીટીના ભાઈએ ગંભીર આક્ષેપ કર્યા છે. આ કેસની સૌ પહેલા જાણવાજાેગ અરજી કરજણ પોલીસ સ્ટેશનમાં જ અપાઈ હતી, જ્યાં તેની તપાસ હેડ કોન્સ્ટેબલને સોંપવામાં આવી હતી. સ્વીટીના ભાઈ જયદીપ પટેલે કરજણ પોલીસે તપાસમાં અસહ્ય વિલંબ કરવા બદલ ગંભીર સવાલ ઉઠાવ્યા છે. સ્વીટી પટેલ ૦૫ જૂનના રોજ ગુમ થયાં હતાં, જ્યારે આ અંગેની જાણવા જાેગ ફરિયાદ ૧૧ જૂનના રોજ કરજણ પોલીસ સ્ટેશનમાં સ્વીટીના ભાઈએ નોંધાવી હતી.
જયદીપ પટેલના વકીલ ભૌમિક શાહના જણાવ્યા અનુસાર, કરજણ પોલીસમાં સ્વીટીના ગુમ થવાની ફરિયાદ નોંધાવાઈ હતી પરંતુ પોલીસે જાણે તેને જરાય ગંભીરતાથી નહોતી લીધી. તેની તપાસ હેડ કોન્સ્ટેબલને સોંપવામાં આવી હતી.
તેમણે સવાલ ઉઠાવ્યો હતો કે આ કેસમાં એકમાત્ર શકમંદ સ્વીટીના લીવ-ઈન પાર્ટનર પોલીસ ઈન્સ્પેક્ટર અજય દેસાઈ હતા, પરંતુ હેડ કોન્સ્ટેબલ સ્તરનો કર્મચારી પોલીસ ઈન્સ્પેક્ટરની પૂછપરછ કઈ રીતે કરી શકે? એડવોકેટ ભૌમિક શાહે કરજણ પોલીસ પર સીધો આક્ષેપ કર્યો હતો કે પોલીસની આ લાપરવાહીથી સ્પષ્ટ થાય છે કે શરુઆતમાં આ ફરિયાદને ગંભીરતાથી લેવામાં નહોતી આવી. બીજી તરફ ખુદ અજય દેસાઈ પણ સ્વીટીના ગુમ થવાના મામલે તેના ભાઈ જયદીપને શરુઆતથી જ ગેરમાર્ગે દોરી રહ્યા હતા. વળી, ૧૧ જૂને જે ફરિયાદ નોંધાઈ હતી
તે ખુદ અજય દેસાઈ દ્વારા જ તૈયાર કરવામાં આવી હતી અને તેઓ પોતે પણ તે વખતે પોલીસ સ્ટેશનમાં હાજર હતા. વળી, ફરિયાદ પણ એ રીતે ડ્રાફ્ટ કરાઈ હતી કે જેનાથી એવું પ્રતિત થાય કે સાસરી પક્ષમાં કોઈ બોલાવતું ના હોવાથી વ્યથિત સ્વીટી પટેલ ઘર છોડીને ક્યાંક ચાલ્યા ગયા છે.