Western Times News

Gujarati News

સ્વીટી પટેલ અજયને પત્નીથી છૂટાછેડાનું દબાણ કરતી હતી

અમદાવાદ: ચકચારી સ્વીટી પટેલ મર્ડર કેસમાં મૃતકના લીવ-ઈન પાર્ટનર પોલીસ ઈન્સ્પેક્ટર અજય દેસાઈએ જ સ્વીટીની હત્યા કર્યાની કબૂલાત કર્યા બાદ આ મામલે રોજેરોજ નવા-નવા ખુલાસા થઈ રહ્યા છે. કેસની તપાસ કરી રહેલી અમદાવાદ ક્રાઈમ બ્રાંચના અધિકારીઓનું માનીએ તો સ્વીટી અને અજય વચ્ચે પોતાના સંબંધોને કાયદેસરના બનાવવા અંગેના ઝઘડા ખૂબ જ વધી ગયા હતા. સ્વીટી સતત અજય દેસાઈને પોતાની કાયદેસરની પત્નીને છૂટાછેડા આપવા માટે પ્રેશર કરી રહી હતી, પરંતુ તેમ કરવામાં અજય દેસાઈને પત્નીને ૨૫ લાખ જેટલી મોટી રકમ ચૂકવવી પડે તેમ હતી.

અજય દેસાઈએ સ્વીટીને સમજાવી પણ હતી કે તેના સમાજના નિયમો અનુસાર જાે તે પત્નીને છૂટાછેડા આપશે તો તેને ભરણપોષણ તરીકે ૨૫ લાખ રુપિયા ચૂકવવા પડશે. અજય દેસાઈ આટલો મોટો આર્થિક ફટકો સહન કરવા માટે તૈયાર નહોતો. બીજી તરફ, સ્વીટી પણ તેની વાત સમજવા માટે તૈયાર નહોતી. સ્વીટી ગમે તેમ કરીને અજયની કાયદેસરની પત્ની બનવા માગતી હતી. જેને કારણે બંને વચ્ચે ઝઘડા શરુ થયા હતા, અને દિવસેને દિવસે મામલો ગંભીર બની રહ્યો હતો. સ્વીટીએ અજયને ત્યાં સુધી કહી દીધું હતું કે તારે બેમાંથી એકને છોડવી પડશે કે પછી મારવી પડશે.

રોજેરોજના ઝઘડાથી કંટાળેલા અજય દેસાઈએ આખરે સ્વીટીનો કાંટો કાઢવાનું નક્કી કર્યું હતું. સૂત્રોનું માનીએ તો અજય દેસાઈ છેલ્લા ચાર મહિનાથી સ્વીટીને પતાવી દેવાનો પ્લાન કરી રહ્યો હતો. દેસાઈનો મૂળ પ્લાન સ્વીટીની લાશનો જે જગ્યાએ નિકાલ કરાયો તે જ જગ્યાએ લઈ જઈ તેની હત્યા કરવાનો હતો. જાેકે, ચોથી જૂને રાત્રે બંને વચ્ચે એટલો જાેરદાર ઝઘડો થયો હતો કે અજય દેસાઈએ તે જ વખતે સ્વીટીની હત્યા કરવાનું નક્કી કર્યું હતું, અને રાત્રે ૧૨.૩૦ની આસપાસ તેણે તેનું ગળું દબાવીને કાયમ માટે શાંત કરી દીધી હતી.

સ્વીટીનું મર્ડર કર્યા બાદ અજયે સવારે ૧૦.૩૦ કલાક સુધી લાશને બેડ પર જ પડી રહેવા દીધી હતી. આખરે ૧૦.૪૫ કલાકે તે પોતાની ગાડીને ઘરની અંદર લાવ્યો હતો અને તેની ડીકીમાં સ્વીટીની લાશને બ્લેન્કેટમાં લપેટીને મૂકી દીધી હતી. ત્યારબાદ તેણે સ્વીટીના ભાઈને ફોન કરીને ઝઘડો થયા બાદ તે ક્યાંક જતી રહી હોવાનું જણાવ્યું હતું. સ્વીટીનો ભાઈ તેના ઘરે પહોંચ્યો તે વખતે પણ તેની લાશ ગાડીમાં જ પડી હતી. સાંજે અજય પોતે સ્વીટીને શોધવા જાય છે તેમ કહી ગાડી લઈને નીકળ્યો હતો,

દહેજના અટાલી ગામે પહોંચી પોતાના મિત્ર કિરિટસિંહ જાડેજાની જગ્યામાં એક અવાવરું બિલ્ડિંગમાં સ્વીટીની લાશને બાળી નાખી હતી. ઉલ્લેખનીય છે કે, સ્વીટી અને અજય ૨૦૧૬માં એકબીજાના સંપર્કમાં આવ્યા હતા. ત્યારબાદ પણ અજયે પોતાના સમાજની યુવતી સાથે લગ્ન કર્યા હતા. સૂત્રોનું માનીએ તો સ્વીટી ઓસ્ટ્રેલિયામાં રહેતા પોતાના સંતાનો સાથે રહેવા જવા માગતી હોવાથી તેણે અજયને સમાજમાં પરણી જવાની મંજૂરી આપી હતી. જાેકે, અજયના લગ્ન બાદ સ્વીટીનું મન બદલાયું હતું. અજયે પણ સ્વીટી સાથે રહેવાનું શરુ કરી દીધું હતું અને ૨૦૧૯માં સ્વીટીએ અજયના બાળકને જન્મ આપ્યો હતો. જાેકે, ઘણા સમયથી બંને વચ્ચે પોતાના સંબંધોને કાયદેસરના બનાવવા અંગે અણબનાવ રહેતો હતો, જે આખરે સ્વીટીની હત્યામાં પરિણમ્યો હતો.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.