સ્વીડન અને ફિનલેન્ડે પણ NATOમાં જોડાવાના સંકેત આપતા રશિયા ભડકયુ
નવી દિલ્હી, યુક્રેન પર આક્રમણ કરનાર રશિયાએ હવે યુરોપના બીજા બે દેશ ફિનલેન્ડ અને સ્વીડનને ધમકાવવાનુ શરુ કરી દીધુ છે. રશિયાએ આ બંને દેશોની બોર્ડર પાસે ઘાતક હથિયારો અને મિસાઈલ્સ તૈનાત કરવા માંડ્યા છે.
રશિયાનુ રોષે ભરાવાનુ કારણ એ છે કે, દાયકાઓ સુધી તટસ્થ રહેનારા ફિનલેન્ડ અને સ્વીડને હવે નાટો સંગઠનના સભ્ય બનવા માટે સંકેત આપવા માંડ્યા છે. ફિનલેન્ડના વડાપ્રધદાન સાના મારિયાએ કહ્યુ હતુ કે, અમારો દેશ આ બાબતે આગામી કેટલાક દિવસોમાં નિર્ણય લેશે.
બીજી તરફ રશિયાને આ વાતની જાણકારી મળ્યા બાદ ધમકી આપી છે કે, ફિનલેન્ડ માટે નાટોના સભ્ય બનવાનો નિર્ણય બરબાદી નોતરશે.
સ્વીડનના પીએમે પણ કહ્યુ છે કે, રશિયાએ યુક્રેન પર કરેલા હુમલાથી સમગ્ર યુરોપમાં સુરક્ષાના માપદંડ અ્ને દ્રષ્ટિકોણ બદલાઈ ગયા છે.
ઉલ્લેખનીય છે કે, રશિયાએ 2014માં જ્યારે ક્રિમિયા પર હુમલો કર્યો હતો તે પછી સ્વિડન અને ફિનલેન્ડે એક બીજા સાથે સુરક્ષા કરાર કર્યા હતા.
જાણકારોનુ માનવુ છે કે, આ બંને દેશ જો નાટોના સભ્ય બને તો તે મોટી શક્તિ પૂરવાર થશે. કારણકે ફિનલેન્ડ પાસે અત્યાધુનિક હથિયારો છે અને તેનાથી નાટોની શક્તિ વધી શકે છે.
જોકે યુક્રેને નાટોમાં જોડાવાની ઈચ્છા દર્શાવી હોવાથી જ રશિયાએ તેના પર આક્રમણ કર્યુ છે ત્યારે હવે સ્વિડન અને ફિનલેન્ડ પણ નાટોમાં જોડાવાના સંકેત આપી રહ્યા હોવાથી આ બે દેશની સરહદ પર પણ રશિયા સાથે યુધ્ધના ભણકારા વાગી રહ્યા છે.