બારોલીયા પ્રાથમિક શાળાની બાળાઓ ભજવી રહી છે ‘સ્વચ્છતા દેવી’ નાટક

દેશમાં સાર્વત્રિક સ્વચ્છતા સ્થાપવા, ગ્રામિણ લોકોનું સ્વાસ્થ્ય જાળવવા તથા દેશને મહાત્મા ગાંધીજીની ૧૫૦મી જન્મ જયંતી નિમિત્તે શ્રદ્ધાંજલિ આપવાના ભાગરૂપે ૨૦૧૯ સુધી ખુલ્લામાં શૌચક્રિયા મુકત બનાવવાના હેતુસર તા.૨જી ઓકટોબર-૨૦૧૪ના રોજથી દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી દ્વારા સ્વચ્છ ભારત મિશનની શરૂઆત કરવામાં આવી હતી. સ્વચ્છ ભારત મિશન હેઠળ આખા દેશમાં સ્વચ્છતાની ચળવળ ચાલી રહી છે ત્યારે દેશના બાળકો પણ આ ઝુંબેશમાં મહત્ત્વનો ભાગ ભજવી રહ્યા છે.
વલસાડ જિલ્લાના ધરમપુર તાલુકાના બારોલીયા ગામની પ્રાથમિક શાળાની ધોરણ -૭ માં અભ્યાસ કરતી બે બાળાઓ- દિપાલી સંજય પટેલ અને રાજવી નવિન ચૌધરી દ્વારા શાળાના શિક્ષકોના સહયોગથી સ્વચ્છ ભારત મિશન દ્વારા પ્રેરણા લઇ ‘સ્વચ્છતા દેવી’ નાટક તૈયાર કરવામાં આવ્યું છે. જેને શાળાના અન્ય વિદ્યાર્થીઓ સાથે મળીને તેઓ વિવિધ કાર્યક્રમોમાં દર્શાવી પોતાના ગામના લોકોને સ્વચ્છતા પ્રત્યે જાગૃત કરવાનો ભગીરથ પ્રયાસ કરી રહ્યા છે.
જે દેશમાં ગામના બાળકો પોતે જ ગામ અને દેશને સ્વચ્છતા પ્રત્યે જાગૃત કરવાનું બીડું ઉપાડી લે છે ત્યાં ગંદકીનો પ્રશ્ન જ ઊભો નથી થતો. બારોલીયા પ્રાથમિક શાળાની બાળાઓ એક ઉદાહરણરૂપ છે, કે જો બાળકોમાં નાની ઉંમરે સારા સંસ્કારો, સદગુણો અને દેશપ્રેમનું સિંચન કરવામાં આવે તો દેશ પ્રગતિના શિખરો સર કરે છે.
વર્ષ-૨૦૧૮માં બારોલીયા પ્રાથમિક શાળા ખાતે અમદાવાદની બી.એડ વિદ્યાપીઠના વિદ્યાર્થીઓ કેમ્પ માટે આવ્યા હતા. જેમાં બી.એડ વિદ્યાર્થીઓએ બાળકો સાથે વિવિધ પ્રવૃતિઓમાં ભાગ લીધો હતો. બી.એડ વિદ્યાર્થીઓ દ્વારા સ્વચ્છભારત મિશન વિશે નાટક રજુ કરવામાં આવ્યુ હતું. જેની અસર બાળકોના કુમળા માનસપટ ઉપર એટલી ગાઢ થઇ કે, આ નાટકથી પ્રેરણા લઇ શાળાની બાળાઓએ પોતે ‘સ્વચ્છતા દેવી’ નાટક તૈયાર કરી તેને લોકો સમક્ષ રજુ કરવાનો ધ્યેય નક્કિ કર્યો. શાળામાં અવરનવાર યોજાતા વિવિધ કાર્યક્રમોમાં ગામ અને આસપાસની જનમેદની ઉપસ્થિત રહેતી હોય છે. તેમને નાટક દ્વારા સ્વચ્છતા પ્રત્યે જાગૃત કરવાનો વિચાર બાળાઓએ પોતાની શાળાના શિક્ષકો અને આચાર્ય સામે રજુ કર્યો. ત્યારે શિક્ષકો અને આચાર્યએ તેમનો સહર્ષ સ્વીકાર કર્યો અને નાટકમાં સ્વચ્છતા સંદેશ, વેશભુષા, ડાયલોગ વગેરે માટે મદદ કરી.