હંગામો કરનારા સભ્યો સામે કાર્યવાહી માટે સમિતિ રચાશે

સાત કેન્દ્રીય મંત્રીઓના એક પ્રતિનિધિમંડળે નાયડુની મુલાકાત લીધી હતી અને તેમને ફરિયાદ સોંપી હતી
નવી દિલ્હી, રાજ્યસભામાં હંગામો કરનારા સદસ્યો વિરૂદ્ધ કાર્યવાહી માટે સત્તારૂઢ ગઠબંધન અને વિપક્ષના સાંસદોની એક સમિતિ બનાવવામાં આવી શકે છે. સૂત્રો દ્વારા આ માહિતી મળી છે. આશરે ૭થી ૯ જેટલા વરિષ્ઠ સદસ્યો આ સમિતિનો હિસ્સો બની શકે છે.
એક મહિનાની અંદર તેમને પોતાનો રિપોર્ટ અને ભલામણો આપવા માટે કહેવામાં આવી શકે છે.
સૂત્રો દ્વારા કહેવા પ્રમાણે સરકાર તે સાંસદો પર આકરી કાર્યવાહી કરવા ઈચ્છે છે જેમણે ચોમાસુ સત્ર દરમિયાન સંસદમાં હંગામો કર્યો. આ
પ્રકારના વિક્ષેપના કારણે આશરે ૧૩૦ કરોડ રૂપિયા કરતા વધારેનું નુકસાન થયું છે. રવિવારે સરકારે ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડુ, જે રાજ્યસભાના સભાપતિ પણ છે તેમને એક લેખિત ફરિયાદ મોકલી હતી જેમાં સાંસદોનું નામ લખવામાં આવેલું હતું. ૭ કેન્દ્રીય મંત્રીઓના એક પ્રતિનિધિમંડળે નાયડુની મુલાકાત લીધી હતી અને તેમને ફરિયાદ સોંપી હતી જેમાં કોંગ્રેસ, તૃણમૂલ કોંગ્રેસ, શિવસેના, વામ દળો અને આમ આદમી પાર્ટીના ૧૫થી વધારે સાંસદોના નામ સામેલ છે.
આ જ પ્રકારની લેખિત ફરિયાદ જદયુ, અન્નાદ્રમુક, આરપીઆઈ, એનપીપી, એજીપી સહિતના ભાજપના સહયોગી દળો દ્વારા પણ નોંધાવવામાં આવશે. સરકારના કહેવા પ્રમાણે સાંસદ ટેબલ પર ચઢી ગયા હતા અને કાર્યવાહી દરમિયાન મહિલા માર્શલને ધક્કો મારવામાં આવ્યો હતો. સીસીટીવી ફુટેજમાં પણ વિપક્ષી સદસ્યો રાજ્યસભાની અંદર સુરક્ષા કર્મચારીઓ સાથે ધક્કા-મુક્કી કરતા જાેવા મળ્યા હતા.