હજારથી વધુ લોકોએ પાલનપુર સ્ટેશન પર રાત્રે ૫ કલાક વિતાવ્યા
અમદાવાદ, રોડ અને હવાઈ માર્ગ કરતા વધારે સુરક્ષિત મનાતી રેલવેની મુસાફરી ઘણી વખત ભારે તકલીફવાળી સાબિત થતી હોય છે. પાલનપુરમાં બનેલી એક ઘટનામાં મુસાફરોએ ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. ૧૦૦૦થી વધુ સૂર્યનગરી એક્સપ્રેસના મુસાફરોએ બુધવારે ફરજિયાત ૫ કલાક સુધી પાલનપુર સ્ટેશન પર રાહ જાેવી પડી હતી.
આ પાછળનું કારણ હતું કે મુંબઈના મુસાફરને હાર્ટ એટેક આવતા મોત થઈ ગયું હતું, અને આ પુરુષ સાથે મુસાફરી કરી રહેલા લોકોએ તેની પત્નીને પોસ્ટમોર્ટમ માટે પાલનપુરમાં એકલી છોડવાનો ઈનકાર કરી દીધો હતો.
જાેકે, અધિકારીઓએ મહિલા અને શબને અન્ય વાહનમાં મુંબઈ પહોંચાડવાનો વાયદો કર્યો હતો, પરંતુ સૂર્યનગરી એક્સપ્રેસમાં જ શબ મોકલવાની વ્યવસ્થા ના થાય ત્યાર પછી જ ટ્રેન ઉપડવા મામલે હોબાળો કરવામાં આવ્યો હતો. આવામાં અન્ય મુસાફરોએ શબ લઈ જવાની વ્યવસ્થા અને પોસ્ટમોર્ટમની કામગીરી થઈ ત્યાં સુધી ટ્રેનમાં પાંચ કલાક વિતાવવા પડ્યા હતા.
આ અંગે રેલવેના સિનિયર અધિકારીએ જણાવ્યું કે, આવું પહેલીવાર થયું છે કે ટ્રેન રેલવે સ્ટેશન પર રોકાઈ હોય અને મૃતદેહને ગંતવ્ય સ્થળ પર લઈ જતા પહેલા તેનું પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું હતું.
પાલનપુર સ્ટેશન મેનેજર દિનેશ રાઠોડે મૃતકની ઓળખ આપતા જણાવ્યું કે તેમનું નામ નરેન્દ્ર જૈન છે, તેમની ઉંમર ૫૫ વર્ષ છે અને તેઓ બોરિવલ્લીમાં દુકાનના માલિક છે. જેઓ તેમની પત્ની પદ્મા જૈન (૫૦) સાથે આબુ રોડથી ટ્રેનમાં બેઠા હતા. વધુમાં દિનેશ રાઠોડે જણાવ્યું કે PNR નંબર પ્રમાણે મૃતક અને તેમના પત્ની પાસે કન્ફર્મ ટિકિટ નહોતી.
વેઈટિંગ લિસ્ટમાં તેઓ ૬-૭ નંબર પર હતા. આમ છતાં તેઓ તેમના સમાજના અન્ય લોકો સાથે મુસાફરી કરી રહ્યા હતા, આ દંપતી તેમના સમાજના લોકો સાથે સ્લીપર કોચમાં બેસી ગયું હતું. ટ્રેન જેવી આબુ રોડથી ઉપડી નરેન્દ્ર જૈને છાતીમાં દુખાવો થતો હોવાની અને ઠીક ના લાગતું હોવાની ફરિયાદ કરી હતી, આ પછી તરત તેમને ઉલ્ટી થવા લાગી હતી અને તેઓ ફસડાઈ પડ્યા હતા, નરેન્દ્ર જૈનની તબિયત ખરાબ થઈ હોવા અંગે તેમની સાથે મુસાફરી કરતા લોકોએ TTEને જા કરી હતી.
TTE દ્વારા પાલનપુર સ્ટેશન મેનેજરને ફોન કરીને ૧૦૮ની વ્યવસ્થા કરવા માટે જણાવવામાં આવ્યું હતું, કારણ કે મુસાફરની તબિયત વધારે ખરાબ થઈ રહી હતી અને આવામાં ઈમર્જન્સીની જરુર પડે તેવી સ્થિતિ હતી. બુધવારે રાત્રે ૧.૦૪ વાગ્યે ટ્રેન પાલનપુર સ્ટેશન પહોંચી હતી, અહીંથી ૧૦૮ના સ્ટાફને સ્થિતિ ગંભીર લાગતા તેઓ દર્દીને લઈને પાલનપુર સિવિલ હોસ્પિટલ પહોંચ્યા હતા, જ્યાં ડૉક્ટરો દ્વારા તેમને ૧.૨૫ વાગ્યે મૃત જાહેર કરવામાં આવ્યા હતા.
સ્ટેશન મેનેજર દિનેશ રાઠોડે વધુમાં જણાવ્યું કે, અમે જૈનનો સામાન ઉતારી લીધો હતો અને લગભગ ટ્રેનને આગળ વધવા માટે ગ્રીન સિગ્નલ આપી દીધું હતું, પરંતુ તેમની સાથે મુસાફરી કરી રહેલા કેટલાક લોકોએ હોબાળો મચાવ્યો હતો. અને કહ્યું કે અમે પદ્માને પાલનપુરમાં એકલી મૂકીને નહીં જઈએ. તેમણે આગળ જણાવ્યું કે, લગભગ ૨૦૦ જેટલા મુસાફરો ટ્રેનમાંથી ઉતરી ગયા અને તેમણે સ્ટેશન માસ્તરને ઘેરી લીધા હતા.
તેમણે કમ્પ્યુટર સાથે જાેડાયેલા વાયરસના છેડા પણ કાઢી નાખ્યા હતા અને તેના કારણે ટ્રેન સાથે સંપર્ક તૂટી ગયો હતો અને તેને રોકવી પડી હતી. અમે હોબાળો મચાવી રહેલા લોકોને સમજાવ્યું કે અમે પદ્મા જૈનને તેમના પતિના મૃતદેહ સાથે અન્ય વાહનમાં મોકલી દઈશું પરંતુ તેઓ સાંભળવા માટે તૈયાર નહોતા.
આ પછી મુસાફરોના ભારે આગ્રહના કારણે રેલવે વિભાગ દ્વારા તાત્કાલિક પોસ્ટમોર્ટમ થાય તેવી વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી. રેલવેના અધિકારીએ જણાવ્યું કે, વહેલી સવારે પોસ્ટમોર્ટમની કામગીરી કરવામાં આવી અને મૃતદેહ સવારે ૫.૧૫ વાગ્યે સોંપવામાં આવ્યો હતો. આ પછી પદ્મા જૈનને સ્લીપર કોચમાં જગ્યા આપવામાં આવી અને નરેન્દ્ર જૈનના મૃતદેહને સ્પેશિયલ લગેજ સેક્શનમાં બોરીવલી પહોંચાડવામાં આવ્યો હતો.SSS