હજારોની સંખ્યામાં ખેડૂતોએ વડાપ્રધાન પાસે વળતરની માંગ કરી
મોરબી: મોરબી જિલ્લામાં અતિવૃષ્ટિ અને વાવાઝોડાના કારણે ખેડૂતો પાયમાલ થઇ ગયા છે, ત્યારે ટંકારા પંથકના ગ્રામ્ય વિસ્તારોના ખેડૂતોએ પ્રધાનમંત્રીને હજારો પોસ્ટકાર્ડ લખી અને ખેડૂતોને પડતી મુશ્કેલીઓ અને વળતર બાબતે ફરિયાદ રજુઆત કરી અને ખેડૂતોને પડતી વિવિધ સમસ્યાઓ વર્ણવી ખેડૂતોએ સહાયની માંગ કરી છે.
ગુજરાતના સુરેન્દ્નગર, જામનગર, જુનાગઢ જિલ્લાઓ બાદ હવે મોરબી જીલ્લાના ટંકારાના કોયલી, લજાઈ, હડમતિયા, સજ્જનપર પંથકના અનેક ગામના ખેડુતોએ પ્રધાનમંત્રીને પોસ્ટકાર્ડ લખીને પોતાની મુશ્કેલીઓ અને વ્યથા જણાવી રહ્યા છે. ટંકારા તાલુકામાં અતિભારે વરસાદની કળમાંથી માંડ-માંડ ખેડુતો પોતાનો પાક બચાવી શક્યા હતા ત્યાં ‘કયાર’ અને ‘મહા’ નામના વાવાઝોડાના કહેરથી કમોસમી વરસાદ પડતા ખેડુતોના મોંઢે આવેલ કોળીયો ઝુંટવાઈ ગયો હતો. મગફળી, તલ, કપાસ, જુવાર, મગ, અડદ જેવા પાકનો સફાયો થઈ જતા જગતનો તાત નોંધારો બન્યો છે, ત્યારે તમામ ખેડૂતોએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને પત્ર લખી પોતાની સમસ્યાઓ વર્ણવી અને ત્વરિત સહાયની માંગ કરી છે.
મોરબી જીલ્લાના મોટાભાગના ખેડૂતોની મગફળીના પાથરા પલળીને નાશ થઈ ગયા, કપાસ પલળી ગયો આથી મહેનત અને રોકાણના પ્રમાણમાં દામ ન નિપજતા ધરતીપુત્રો સરકાર સામે ઓશિયાળા બની ગયા. છેલ્લે છેલ્લે થયેલા માવઠાથી ખેતરોમાં ભરાયેલા પાણીને કારણે રવિ વાવેતરની સીઝનના મહત્વના દિવસો વેડફાઈ ગયા હોવાથી પડ્યા પર પાટું જેવી સ્થિતિનું નિર્માણ થયું છે.
શરૂઆતમાં સારો વરસાદ થયો હોવાથી સારી નીપજ થશે એવા સ્વપ્નમાં રાચતા ઘણા ખેડૂતોએ સંતાનોના લગ્નોના આગોતરા આયોજનો પાક નિષ્ફળ જવાથી અટકી પડ્યા છે.જો કે વીમા કંપનીઓની સર્વેની કામગીરી ગોકળ ગતિએ ચાલતી હોય તેમજ સર્વેમાંપણ ક્રાઈટેરિયા મુજવ નુકશાન ગણવામાં આવતા ખેડૂતો મુશ્કેલીમાં મુકાઈ ગયા છે જેથી તેઓએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સુધી પોતાનો અવાજ અને માગ પહોંચી તેનો પત્ર લખી પ્રયાસ કર્યો છે.