હજારો વાહનચાલકો ડ્રાઇવિંગ લાઇસન્સની રાહમાં: આરટીઓમાં હજુય કાર્ડની અછત
અમદાવાદ, અમદાવાદ સહિત રાજ્યભરની આરટીઓ કચેરીમાં હજુ પણ ચિપની અછતથી હજારો લોકો ડ્રાઇવિંગ લાઇસન્સની રાહમાં છે. છેલ્લા ત્રણ માસથી વાહનચાલકો આ સમસ્યા વેઠી રહ્યા છે છતાંય હજુ તેનો નિેવેડો ક્યારે આવશે તે પણ એક સમસ્યા છે.
ડ્રાઇવિંગ લાઇસન્સ સપ્લાય કરતી એજન્સીનો કરાર ઘણા સમયથી પૂર્ણ થતાં કાર્ડનો સપ્લાય અટકી ગયો છે, જે હવે શરૂ થયો હોવાનું જાણવા મળે છે. હાલમાં આરટીઓમાં હજારો લાઇસન્સ પેન્ડિંગ છે. અરજદારોને કાર્ડના અભાવે બે બે મહિનાથી લાઇસન્સ મળ્યુ નથી તેથી તંત્રએ નાછૂટકે તેની પ્રિન્ટ માન્ય રાખવી પડી રહી છે.
આરટીઓ દ્વારા વાહનચાલકો પોલીસ કાર્યવાહી કે દંડથી બચી શકે તે માટે વૈકલ્પિક વ્યવસ્થા કરવાનો વારો આવ્યો છે. જેથી વાહનચાલકો ઓનલાઇન પ્રિન્ટ કાઢીને દંડથી બચી શકે છે. અમદાવાદ સહિત રાજ્યભરની આરટીઓમાં ડ્રાઇવિંગ લાઇસન્સ માટેના કાર્ડ ખલાસ થઇ જતાં અરજાદારોને લાઇસન્સ આપવાની કામગીરી છેલ્લા ત્રણ માસથી ધીમી થઇ ગઇ છે.
રાજ્યના પરિવહન વિભાગે ખાસ પરિપત્ર પાઠવીને જણાવ્યું છે કે સ્માર્ટકાર્ડ આવે ત્યાં સુધી અરજદારો પરિવહન વિભાગની વેબસાઇટ પરથી ડ્રાઇવિંગ લાઇસન્સ એ-ફોર સાઇઝમાં પ્રિન્ટ ડાઉનલોડ કરી શકસે અને તે પણ માન્ય ગણાશે.
આ ઉપરાંત એમ પરિવહન અને ડીજી લોકરમાં પણ ડિજિટલ સ્વરૂપે ઉપલબ્ધ ડ્રાઇવિંગ લાઇસન્સ માન્ય ગણાશે. આમ રાજ્યકક્ષાએ છેલ્લા બે ત્રણ મહિનાથી સ્માર્ટ ડ્રાઇવિંગ લાઇસન્સ સપ્લાય કરતી એજન્સીના કરાર તેમજ ચિપની અછતથી લોકોને લાઇસન્સ મેળવવામાં મુશ્કેલી નડી રહી છે.
વા
હનચાલક અરજદારના ડ્રાઇવિંગ લાઇસન્સ સંબંધિત સેવાઓની અરજી એપ્રૂવ થાય ત્યારથી સ્માર્ટકાર્ડ ડ્રાઇવિંગ લાઇસન્સ અરજદારના રજિસ્ટર્ડ એડ્રેસ પર પહોંચે તે સમયગાળામાં અરજદાર ડ્રાઇવિંગ લાઇસન્સની એ-ફોર સાઇઝ પ્રિન્ટ ડાઉનલોડ કરી શકે છે.
અરજી એપ્રૂવ થાય ત્યારથી અરજદાર મોબાઇલ નંબર પર મળેલી એસએમએસ લિંક અથવા સારથિ પોર્ટલ પરથી ડ્રાઇવિંગ લાઇસન્સની પ્રિન્ટનો વિકલ્પ પસંદ કરી ડાઉનલોડ કરી શકે છે. તેમજ ડાઉનલોડ કરેલ આ દસ્તાવેજ મોટર વિહિકલ રૂલ્સ, ૧૯૮૯ અંરર્ગત માન્ય ગણવામાં આવે છે.
અમદાવાદ સેન્ટ્રલ એજન્સી દ્વારા સ્માર્ટકાર્ડ પ્રિન્ટિંગ કામગીરી થતી હોય છે. જાે કે ધીમે ધીમે એજન્સી દ્વારા કાર્ડ પ્રિન્ટની કામગીરી શરૂ કરાઇ છે એટલે વધુ સમય નહીં લાગે તેવું આરટીઓના સૂત્રો દ્વારા જાણવા મળે છે.
અરજદારને ડ્રાઇવિંગ લાઇસન્સ બનાવડાવવા માટે આરટીઓ જઇને ડ્રાઇવિંગ ટેસ્ટ આપવાની જરૂર નહીં પડે. માર્ગ અને પરિવહન મંત્રાલય દ્વારા ડ્રાઇવિંગ લાઇસન્સના નિયમોમાં ફેરફાર કરવામાં આવ્યો છે.
માર્ગ અને પરિવહન મંત્રાલય તરફથી જારી કરવામાં આવેલા નવા નિયમો અનુસાર, કોઇ પણ વ્યક્તિ કે જેણે સરકારી માન્યતા પ્રાપ્ત ડ્રાઇવિંગ ટ્રેનિંગ સેન્ટર પરથી ટેસ્ટ પાસ કરેલ છે તો તેને લાઇસન્સ માટે એપ્લાય કરતા સમયે આરટીઓમાં યોજાનારા ડ્રાઇવિંગ ટેસ્ટમાંથી બાકાત રાખવામાં આવશે.
તેથી તેને આરટીઓમાં ડ્રાઇવિંગ ટેસ્ટ આપવાનો નહીં રહે. તેનું ડ્રાઇવિંગ લાઇસન્સ પ્રાઇવેટ ડ્રાઇવિંગ ટ્રેનિંગ સેન્ટરના સર્ટિફિકેટ પર જ બનાવી દેવામાં આવશે.આરટીઓમાં આવતી અરજી અનુસાર દરરોજના ૬૦૦થી વધુ અરજદારોના લાઇન્સ ઇશ્યુ કરવાના હોય છે.
હવે ડ્રાઇવિંગ લાઇસન્સ બનાવવું અથવા રિન્યૂ કરવા માટે ધો.૮નું પાસ શૈક્ષણિક યોગ્યતા અનિવાર્ય નથી. રોજગારની તકો વધારવા માટે સરકારે ડ્રાઇવિંગ લાઇસન્સ માટે મિનિમમ એજ્યુકેશનલ ક્વોલિફિકેશનની બાબતમાં ફેરફાર કરી દીધો છે. જે લોકો આઠમુ પાસ કરી નથી અને લાઇસન્સ બનાવવા માગે છે, હવે તે પણ લાઇસન્સ બનાવડાવી શકે છે.
જાે કે રોડ સુરક્ષાના નિયમોથી તેમને માટે કોઇ સમાધાન કરવામાં આવશે નહીં. ઓછું ભણેલા લોકોને ટ્રેનિંગ દ્વાાર રોડ સુરક્ષાના નિયમો જણાવવામાં આવશે. અમદાવાદમાં સુભાષબ્રિજ આરટીઓ અને વસ્ત્રાલ આરટીઓ કચેરીમાં વાહનને લગતી તમામ કામગીરી થઇ રહી છે. આરસી બુકના પેન્ડિંગ ઇશ્યૂ પછી હવે ડ્રાઇવિંગ લાઇસન્સનો પ્રશ્ન પણ લોકોને પરેશાન કરી રહ્યો છે.