Western Times News

Gujarati News

હજુ કચ્છના લખપત અને અબડાસાના વિસ્તારમાં નર્મદાનું પાણી પહોંચેલ નથી : શક્તિસિંહ

અમદાવાદ: રાજયસભામાં જળ શક્તિ વિભાગની બજેટ માંગણી ઉપર બોલતા શક્તિસિંહ ગોહિલે જણાવ્યું હતું કે, ગુજરાતની નર્મદા યોજનાના પાણી ઉપર પ્રથમ અધિકાર ખેડૂતોનો છે. કમનસીબે હજુ કચ્છના લખપત અને અબડાસાના વિસ્તારમાં નર્મદાનું પાણી પહોંચેલ નથી. ભાલના જે ગામોને નર્મદાનું પાણી મળવાનું છે ત્યાં ઉદ્યોગપતિઓના લાભ માટે સર યોજના જાહેર કરી સરકાર ખેડૂતોને નુકશાન કરી રહી છે. ગુજરાતના વિસ્થાપિતોને સહાય માટેના પૈસાનો મોટા પાયે મધ્યપ્રદેશમાં ભ્રષ્ટાચાર થયો છે. હાઈકોર્ટ દ્વારા નિયુક્ત જસ્ટીસ ઝા કમીશનનો રિપોર્ટ તૈયાર થઈ ગયો છે. છતા ભાજપની મધ્યપ્રદેશની સરકાર ભ્રષ્ટાચારીઓને છાવરવા માટે ઝા કમીશનનો રિપોર્ટ જાહેર નથી કરતી.

પાણીનું મહત્વ અતિશય છે. જળ એજ જીવન છે. મહાવીર સ્વામીએ પાણીને ઘીની જેમ વાપરવા સલાહ આપી હતી પરંતુ હાલની ભાજપની સરકાર પાણી માટે ગંભીર નથી. ૨૦૨૦-૨૦૨૧ના વર્ષમાં બજેટની જાેગવાઈ ૮૯૬૦ કરોડ હતી પરંતુ માત્ર ૫૭૪૦ કરોડ જ વાપરેલ છે. ચાલુ વર્ષે ૨૦૨૧-૨૦૨૨માં વિભાગની ૧૩૩૮૦ કરોડની માંગણી સામે માત્ર ૯૦૨૦ કરોડ મંજુર કરેલ છે.

પ્રધાનમંત્રી કૃષિ સિંચાઈ યોજના ૨૦૧૫માં જાહેર કરેલ પરંતુ પાંચ વર્ષ પછી પણ ૫૮% પ્રોજેક્ટ પૂર્ણ થયેલ નથી. સબકોમ્પોનન્ટ અતિ નબળા છે. વોટર મેનેજમેન્ટ કમ્પોનન્ટમાં નાણાકીય અને ભૌતિક પ્રગતિમાં ૦ થી ૧૦ ટકા જ છે. નમામી ગંગે પ્રોજેક્ટમાં ભરપૂર ભ્રષ્ટાચાર ચાલે છે. ૨૦૧૫માં ૨૦,૦૦૦ કરોડની ફાળવણીની જાહેરાત કરેલી પરંતુ પાંચ વર્ષના અંતે માત્ર ૮૯૧૭ કરોડ જ છુટા કરેલ છે. અને તેમાં પણ ભ્રષ્ટાચારના કારણે ગંગાજીના શુદ્ધિકરણમાં પ્રગતિ નથી.

સ્વચ્છ ભારત માટે જનતા પાસેથી સેસ ઉધરાવી, સરકારના નાણાનો ભરપૂર ઉપયોગ કરી સરકારે ખૂબજ પ્રચાર કર્યો કે, દરેક ઘરમાં વ્યક્તિગત ટોયલેટ મળી ગયા છે. પરંતુ નેશનલ ફેમિલીહેલ્થ સર્વે-૫ કે જે સરકાર દ્વારા જ પ્રગટ થયો છે તેમાં સ્પષ્ટ છે કે ૨૫% જનતા પાસે સેનીટાઈઝેશનની સુવિધા જ નથી.
પુર સંરક્ષણ અને સરહદી વિકાસ માટે ફળવાયેલ બજેટમાંથી ૫૪.૨૬% નો કાપ મુકવામાં આવેલ છે.

માળખાકિયસુવિધાના બજેટમાં ૬૦%નો કાપ છે.મોટા ઉદ્યોગોનું પાણી વપરાશનું ઓડીટ કરીને શુધ્ધ પાણીની વપરાશમાં ત્રણ વર્ષમાં ૨૦%નો કાપ કરવા મંત્રાલયે આદેશ કરેલ અને આ માટે દર વર્ષે સરકારે ફરજીયાત ઓડીટ માટે ગાઈડલાઈન બહાર પાડેલ પરંતુ છેલ્લા ૩ વર્ષમાં એક પણ વખત ઓડીટ જ થયેલ નથી. ઓડીટ માટે એક પણ રૂપિયો ફાળવેલ નથી. પ્રધાનમંત્રી કૃષિ સિંચાઈ યોજનાના નામે મોટા બણગા ફૂંકનારી સરકારે માત્ર ૪૫૦૦ કરોડ બજેટમાં ફાળવેલ છે. અને તેમાંથી ૮૦% રૂપિયા એટલે કે ૩૬૦૦ કરોડ તો નાબાર્ડને લોન માટે ફાળવેલ છે. આમ ખેડૂતોને તો લોલીપોપ જ છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.