હજુ કોરોના કાબુમાં આવ્યો નથી, ૨૪ કલાકમાં ૯૨ દર્દીનાં મોત
છેલ્લા ૨૪ કલાકમાં ૧૨ હજાર લોકો સંક્રમિત
નવીદિલ્હી, દેશમાં અત્યાર સુધીમાં કુલ ૮૨,૬૩,૮૫૮ લોકોને કોવિડ વેક્સીન આપવામાં આવી ચૂકી છે. બીજી તરફ, રવિવારે કેન્દ્રીય સ્વાસ્થ્ય વિભાગ દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડાઓ મુજબ, છેલ્લા ૨૪ કલાકમાં દેશમાં ૧૨,૧૯૪ નવા પોઝિટિવ કેસો નોંધાયા છે. આ ઉપરાંત કોવિડ-૧૯ના કારણે ૯૨ દર્દીઓએ પોતાના જીવ ગુમાવ્યા છે. દેશમાં હવે કુલ સંક્રમિતોની સંખ્યા વધીને ૧,૦૯,૦૪,૯૪૦ થઈ ગઈ છે.
કોવિડ-૧૯ની મહામારી સામે લડીને ૧ કરોડ ૬ લાખ ૧૧ હજાર ૭૩૧ લોકો સાજા પણ થઇ ચૂક્યા છે. ૨૪ કલાકમાં ૧૧,૧૦૬ દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. હાલમાં ૧,૩૭,૫૬૭ એક્ટિવ કેસો છે. બીજી તરફ, અત્યાર સુધીમાં કુલ ૧,૫૫,૬૪૨ લોકોનાં કોરોના વાયરસના કારણે મોત થયા છે.
ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચે રવિવારે જાહેર કરેલા આંકડાઓ મુજબ, ૧૩ ફેબ્રુઆરી સુધીમાં ભારતમાં કુલ ૨૦,૬૨,૩૦,૫૧૨ કોરોના સેમ્પલનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું છે. નોંધનીય છે કે, શનિવારના ૨૪ કલાકમાં ૬,૯૭,૧૧૪ સેમ્પલનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું છે. ગુજરાતમાં ૨૪ કલાકમાં ૨૭૯ નવા કેસ નોંધાયા હતા
જ્યારે ૨૮૩ લોકોએ કોરોનાને મ્હાત આપી હતી. રાજ્યમાં કોરોનાથી રિકવરી રેટ ૯૭.૬૭ ટકા પર પહોંચ્યો છે. કોરોના સંક્રમણથી આજે એક પણ મોત થયું નથી. કોરોનાથી અત્યાર સુધી કુલ મૃત્યુઆંક ૪૪૦૦ પર પહોંચ્યો છે. રાજ્યમાં અત્યાર સુધી કુલ ૨,૬૪,૯૯૭ લોકો કોરોનાથી સંક્રમિત થઈ ચુક્યા છે. ગુજરાતમાં હાલ ૧૭૬૩ એક્ટિવ કેસ છે, જેમાંથી ૨૯ લોકો વેન્ટિલેટર પર અને ૧૭૩૪ લોકો સ્ટેબલ છે.