હજુ કોરોના વાયરસનો પડકાર પૂરો થયો નથી: આરોગ્ય મંત્રાલય
નવીદિલ્હી, કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના સંયુક્ત સચિવ લવ અગ્રવાલે જણાવ્યું હતું કે, છેલ્લા ૨૪ કલાકમાં દેશમાં કોરોના વાયરસના લગભગ ૨૨,૦૦૦ કેસ નોંધાયા છે. આજે પણ દેશમાં દરરોજ સરેરાશ ૨૦,૦૦૦ કેસ આવી રહ્યા છે. ગયા અઠવાડિયે ૫૬% કોવિડ કેસ કેરળમાંથી નોંધાયા છે. તેમણે વધુમાં માહિતી આપી હતી કે દેશમાં આવા પાંચ રાજ્યો છે જ્યાં હજુ પણ ૧૦,૦૦૦ થી વધુ સક્રિય કેસ બાકી છે. કેરળમાં લગભગ ૧,૨૨,૦૦૦ સક્રિય કેસ છે.
બીજી તરફ મહારાષ્ટ્રમાં કોરોના વાયરસના લગભગ ૩૬,૦૦૦ સક્રિય કેસ છે. તમિલનાડુ, મિઝોરમ અને કર્ણાટકમાં પણ સક્રિય સંખ્યા વધારે છે. લવ અગ્રવાલના મતે અરુણાચલ પ્રદેશ અને આસામના કેટલાક જિલ્લાઓ સહિત ૨૮ જિલ્લાઓ એવા છે જેમાં ૫ થી ૧૦% વચ્ચે સકારાત્મકતા દર છે. આ રાજ્યોને ઉચ્ચ સંક્રમણ દરની શ્રેણીમાં રાખવામાં આવ્યા છે. આ સિવાય ૩૪ જિલ્લા એવા છે, જેનો સાપ્તાહિક હકારાત્મકતા દર ૧૦%થી વધુ છે.
કેન્દ્રીય આરોગ્ય મંત્રાલય તરફથી રાહતના સમાચાર એ છે કે, ગયા સપ્તાહે દેશનો કુલ સકારાત્મકતા દર ૧.૬૮% હતો, જે અગાઉ ૫.૮૬ ટકા હતો. લવ અગ્રવાલે કહ્યું કે, કોવિડ મહામારીનો પડકાર હજુ પૂરો થયો નથી. આપણે એવુ ન સમજીએ કે કોવિડ સમાપ્ત થઈ ગયો છે.
આપણી સામે ઘણા પડકારો છે અને આપણે તેના પર કામ કરવાની જરૂર છે. આપણે હજુ પણ કોવિડ વ્યવહાર જાળવવાનો છે. નોંધપાત્ર રીતે કોરોના વાયરસનો પ્રકોપ હજુ શમ્યો નથી, આ દરમિયાન ગુરુવારે નિષ્ણાતોએ ચેતવણી આપી હતી કે ભારે મુસાફરી ત્રીજી લહેર તરફ દોરી લઈ જઈ શકે છે.HS