Western Times News

Gujarati News

હડમતિયા (મલેકપુર) ખાતે યોજાયેલ કિસાન ગોષ્ઠિ સહ પ્રાકૃતિક કૃષિ કાર્યશાળા

(પ્રતિનિધિ) ગોધરા, મહીસાગર જિલ્લાના લુણાવાડા તાલુકાના હડમતિયા(મલેકપુર) ખાતે આત્મા પ્રોજેકટ, મહીસાગર અને બાગાયત વિભાગના સંયુકત ઉપક્રમે કિસાન ગોષ્ઠિ સહ પ્રાકૃતિક કૃષિ કાર્યશાળા જિલ્લા વિકાસ અધિકારી કે. ડી. લાખાણીની પ્રેરક ઉપસ્થિતિમાં યોજાયો હતો.

આ પ્રસંગે જિલ્લા વિકાસ અધિકારી કે. ડી. લાખાણીએ પયાર્વરણ, પાણી બચાવવા અને ધરતીને ઝેરમુકત કરવા પ્રાકૃતિક ખેતી ઉત્તમ વિકલ્પ હોવાનું જણાવી ખેડૂતોને પ્રાકૃતિક ખેતી તરફ વળવા અનુરોધ કર્યો હતો.

લાખાણીએ ખેડૂતોને પહેલાં બીજની પસંદગી કરવાની સાથે બીજને સંસ્કારિત કરી વાવણી કર્યા બાદ જીવામૃત થકી પધ્ધતિસર પ્રાકૃતિક ખેતી કરવાનું જણાવી પ્રાકૃતિક ખેતી કરવાથી જમીનમાં ઓર્ગેનિક કાર્બન પ્રમાણ વધવાની સાથે અળસિયા અને સૂક્ષ્મ જીવાણુની વૃધ્ધિ થવાની સાથે ઉત્પાદનમાં વધારો થતો હોવાનું કહ્યું હતું. જિલ્લા વિકાસ અધિકારી લાખાણીએ પ્રાકૃતિક ખેતીથી થતાં લાભો અંગેની જાણકારી આપી ખેડૂતોને હવે રાસાયણિક ખેતીને તિલાંજલી આપી પ્રાકૃતિક ખેતી અપનાવી ધરતીને ઝેરમુકત બનાવવા અંગેની સમજ આપી હતી.

લાખાણીએ પ્રાકૃતિક ખેતી કરવાની દીશામાં આ એક સામુહિક પ્રયાસ હોવાનું જણાવી પ્રાકૃતિક ખેતીમાં છોડના આરોગ્ય પર નહીં પણ જમીનના આરોગ્ય પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવતું હોવાની સાથે આ પધ્ધતિ દેશ ગાય પર આધારિત હોવાથી પાકને જરૂરી તમામ પોષક તત્વો મળી રહેતા હોવાથી માનવ આરોગ્ય અને સ્વસ્થ્ય માટે પણ ઉપકાર હોવાનું કહ્યું હતું.

લાખાણીએ પ્રાકૃતિક ખેતીથી થતાં ફાયદા વર્ણવતાં જણાવ્યું હતું કે, પ્રાકૃતિક ખેતી કરવાથી જમીનની ભેજ સંગ્રહ ક્ષમતા, ફળદ્રુપતા અને ઉત્પાદન ક્ષમતામાં વધારો થાય છે, માત્ર એક દેશી ગાયાના ગોબર-ગોમૂત્રથી ૩૦ એકર જમીનમાં ખેતી થઇ શકે, નહીંવત ઉત્પાદન ખર્ચ અને વધારે ભાવ મળવાની સાથે પાણીની બચત થાય છે તેટલું જ નહીં પણ પર્યાવરણ અને માનવીય સ્વાસ્થ્યનું રક્ષણ, પોષણ અને સંવર્ધન પણ થતું હોવાથી સ્વાવલંબનનું નિર્માણ થાય છે.

આ પ્રસંગે સુભાષ પાલેકર પ્રાકૃતિક ખેતીનો એવોર્ડ પ્રાપ્ત કરનાર અને ગુજરાતના કન્વીનર સંત પ્રફુલભાઇ સેંજલિયાએ ખેડૂતોને પ્રાકૃતિક ખેતીના નિષ્ણાતો દ્વારા આપવામાં આવતી જાણકારી પ્રાપ્ત કરીને પ્રાકૃતિક ખેતી તરફ વળવાનો અનુરોધ કરી પ્રાકૃતિક ખેતી કેવી રીતે થઇ શકે તેની સંપૂર્ણ જાણકારી મેળવી પ્રાકૃતિક ખેતી અપનાવવા જણાવ્યું હતું.

તેમણે વધુમાં જિલ્લામાં જયારે પણ પ્રાકૃતિક ખેતીની તાલીમ શિબિરો યોજવામાં આવે ત્યારે તેમાં પણ ભાગ લઇ પ્રાકૃતિક ખેતીથી તાલીમબધ્ધ થવાની સાથે પ્રાકૃતિક ખેતી અપનાવી રહેલા ખેડૂતોની તથા તેમના ખેતરની મુલાકાત લઇ તેઓની પાસેથી માર્ગદર્શન મેળવતા રહેવા સુચવ્યું હતું.

સેંજલિયાએ હડમતિયા ખાતે યોજવામાં આવેલ કિસાન ગોષ્ઠિ સહ પ્રાકૃતિક કૃષિ શાળા પ્રતિ આનંદની લાગણી વ્યકત કરી સંબંધિત વિભાગો દ્વારા ખેડૂતોને પ્રાકૃતિક ખેતીના જે લાભા-લાભ અંગે વિગતવાર જાણકારી આપવામાં આવતાં આવી કાર્યશાળાના આયોજન બદલ આયોજકોને અભિનંદન પાઠવ્યા હતા.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.