હત્યાના આરોપીએ કાગડાપીઠમાં રૂા.૧૬.ર૯ લાખની લુંટ કરી
ચપ્પુ બતાવી રોકડ ભરેલી બેગ લૂંટી લીધીઃ બે લુંટારૂને ઝડપી લેવા ચક્રો ગતિમાન
(પ્રતિનિધિ) અમદાવાદ, બાપુનગરમાં લુંટ થયાને હજુ માંડ ર૪ કલાક વીત્યા હશે ત્યાં જ કાગડાપીઠ વિસ્તારમાં રૂપિયા ૧૬.ર૬ લાખની આસપાસની વધુ એક લુંટની ઘટના બની છે એક નેકશનલ કંપનીના કર્મચારી ૧૬.ર૬ લાખની રોકડ રકમ લઈને સોમવારે સવારે બેંકમાં ભરવા જતા હતા એ દરમિયાન બે લુંટારૂએ તેમને રોકીને ચપ્પુની અણીએ લુંટ કરી હતી.
આ ઘટનાની વિગત એવી છે કે સુનીલભાઈ અગ્રવાલ આઈટીસી કંપનીની એજન્સી (જનતાનગર, યોગેશ્વર એસ્ટેટ, અમરાઈવાડી) ધરાવે છે જેમને ત્યાં અનીલભાઈ વૈશ્ય (રહુફની ચાલી, અમરાઈવાડી) કલેકશનની નોકરી કરે છે.
સોમવારે સવારે સાડા નવ વાગ્યે અનીલભાઈ ઓફીસે પહોચ્યા ત્યારે કેશીયર જયેશભાઈએ તેમને ૧૬.ર૯ લાખની રોકડ ઘંટાકર્ણ માર્કેટ ખાતે આવેલી આઈસીઆઈસીઆઈ બેંકમાં જમા કરાવવા આપી હતી.
અનીલભાઈ તેમની ઓફીસમાં કામ કરતા યોગેશભાઈને લઈ રોકડ જમા કરાવવા નીકળ્યા હતા ત્યારે ખોખરા દવાખાના સામે ભાલકેશ્વર મંદીરની બાજુમાં પલ્સર પર આવેલા બે શખ્સોએ તેમને રોકીને માતા સાથે વાત કરવા મોબાઈલ માંગ્યો હતો બાદમાં પરત આપી દીધો હતો. મોબાઈલ લઈ આગળ વધતા ફરી આ શખ્સોએ અનિલભાઈનો પીછો કરતા તે એક વખત અન્ય જગ્યાએ જતાં રહયા હતા
અને પલ્સર ચાલકો જતા રહયાની ખાતરી થતાં ફરી પોતાના રસ્તે આગળ વધ્યા હતા પરંતુ દિવાન બલ્લુભાઈ સ્કુલ પાસે અણુવ્રત સર્કલ નજીક પહોંચતા જ ફરી પલ્સર ચાલકોએ તેમને અટકાવી એક શખ્શ અનીલભાઈને સાઈડમાં લઈ જઈ ચાકુ બતાવી હતી અને મારી પાસે પિસ્તોલ છે ફાયરીંગ કરી દઈશ. રૂપિયા ભરેલી બેગ આપી દે તેમ કહી ધમકી આપી હતી.
બાદમાં અનીલભાઈ સાથે ઝપાઝપી કરી લુંટારૂ ૧૬.ર૯ લાખ રૂપિયા ભરેલી બેગ લઈ ફરાર થઈ ગયા હતા. ઘટના બાદ તુરંત અનીલભાઈએ સુનીલભાઈને જાણ કર્યા બાદ પોલીસ ફરીયાદ કરી હતી પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરતા બેમાંથી એક રાજા નામનો અમરાઈવાડીનો શખ્સ હોવાનું ખુલ્યુ હતું અને શનિવારે થયેલી હત્યામાં પણ તે સામેલ હોવાનું બહાર આવતા પોલીસ પણ ચોંકી ઉઠી હતી અને તેને ઝડપી લેવા ટીમો બનાવી સઘન શોધખોળ શરૂ કરી છે.