હત્યાના કેસમાં જેલમાં બંધ કેદીએ IIT પરીક્ષા પાસ કરીઃ ભારતમાં મેળવ્યો 54મો રેન્ક
નવી દિલ્હી, કહેવાય છે કે, અડગ મનના માનવીને હિમાલય પણ નડતો નથી. આ કહેવત સાચા અર્થમાં હત્યાના કેસમાં જેલમાં બંધ સૂરજ કુમાર ઉર્ફે કૌશલેન્દ્રએ સાર્થક કરી બતાવી છે. હત્યાના આરોપમાં એક યુવાન કેદીએ આવું જ કર્યું છે.
હત્યાના કેસમાં જેલમાં બંધ સૂરજ કુમારે IITના જોઈન્ટ એડમિશન માસ્ટર્સની ટેસ્ટ (JAM) પાસ કરી છે. IIT રૂડકી દ્વારા આયોજિત આ પરીક્ષામાં તેમણે સમગ્ર ભારતમાં 54મો રેન્ક મેળવ્યો છે. સૂરજની સફળતામાં જેલ પ્રશાસનની પણ મોટી ભૂમિકા રહેલી છે.
કેદી સૂરજ વારિસલીગંજ પોલીસ સ્ટેશન વિસ્તાર હેઠળના મોસમા ગામનો રહેવાસી છે અને લગભગ એક વર્ષથી હત્યાના કેસમાં આરોપી તરીકે જેલમાં બંધ છે. મંડલ કારા નવાદામાં રહેતા સૂરજે આ દરમિયાન પરીક્ષાની તૈયારી કરી હતી. પરીક્ષાની તૈયારીમાં જેલ પ્રશાસને તેની ઘણી મદદ કરી હતી. સખત મહેનત અને લગન સાથે તેણે જેલમાં રહીને માત્ર પરીક્ષાઓની તૈયારી જ ન કરી પરંતુ સારી રેન્ક પણ મેળવી હતી.
સૂરજ હત્યાના એક આરોપમાં એપ્રિલ 2021થી જેલમાં છે. હકીકતમાં નવાદા જિલ્લાના વારિસલીગંજ પ્રખંડના મોસમા ગામમાં રસ્તાના વિવાદને લઈને બે પરિવારો વચ્ચે ઉગ્ર ઝઘડો થયો હતો. એપ્રિલ 2021ના રોજ થયેલા હુમલામાં સંજય યાદવ ખરાબ રીતે ઘાયલ થયો હતો.
સારવાર માટે પટના લઈ જતી વખતે તેનું મોત થયું હતું. ત્યારબાદ મૃતકના પિતા બાસો યાદવે સૂરજ, તેના પિતા અર્જુન યાદવ સહિત 9 લોકો વિરુદ્ધ FIR નોંધાવી હતી. 19 એપ્રિલ 2021ના રોજ પોલીસે સૂરજ સહિત 4 લોકોની ધરપકડ કરીને તેમને જેલમાં મોકલી દીધા હતા અને ત્યારથી સૂરજ જેલમાં જ છે.
ખાસ વાત એ છે કે, સૂરજે ગયા વર્ષે પણ આ પરીક્ષા પાસ કરી હતી અને ઓલ ઈન્ડિયામાં 34મો રેન્ક મેળવ્યો હતો. પરંતુ તે છેલ્લી ઘડીએ હત્યાની આ ઘટનામાં ફસાઈ ગયો હતો. જેલમાં ગયા પછી પણ સૂરજનો જુસ્સો ઓછો નહોતો થયો અને આજે તેણે જેલમાં રહીને ફરી આ સિદ્ધિ હાંસલ કરી છે.
જાહેર થયેલા પરિણામમાં સૂરજને સમગ્ર ભારતમાં 54મો રેન્ક મળ્યો છે. આ સાથે હવે તે IIT રૂરકીમાં એડમિશન લઈને માસ્ટર ડિગ્રી કોર્સ કરી શકશે. સૂરજની આ સિદ્ધિને જાણીને સૌ લોકો તેના વખાણ કરી રહ્યા છે. આ માટે તેણે ઘણી મહેનત કરી છે જેમાં જેલ મેનેજમેન્ટનો પણ પૂરો સહયોગ મળ્યો છે.