હત્યા મામલે ગલીસિમરોના ગ્રામજનોએ શામળાજી પોલીસ સ્ટેશનનો ઘેરાવ કર્યો

પ્રતિકાત્મક
આરોપીઓના ઘર સળગાવનાર શકમંદોની અટકાયત થતાં હંગામો મચ્યો
મોડાસા, અરવલ્લી જિલ્લાના ભિલોડા તાલુકાના ગલીસીમરો ગામમાં થોડા દિવસ અગાઉ જમીનની અદાવતમાં એક આધેડની ગામના બે શખ્સે રાત્રિના સુમારે તેના ઘરના દરવાજામાં વૃદ્ધ માતાની આંખો સામે હત્યા કરી નાખતાં ભારે ચકચાર મચી હતી. શામળાજી પોલીસે બંને હત્યારાને દબોચી લઈ જેલના સળિયા પાછળ ધકેલી દીધા હતા.
બીજી તરફ આધેડની હત્યાની અદાવતમાં આરોપીઓના ત્રણ મકાનને આગ લગાવી દેતાં ભારે દેકારો મચી ગયો હતો. ત્રણ મકાનોમાં આગચંપીના પગલે શામળાજી પોલીસ સહિત જિલ્લા પોલીસ કાફલો સ્થળ પર પહોંચી હત્યારાના મકાનોને આગની ઘટનામાં સંડોવાયેલ શકમંદોની અટકાયત કરી શામળાજી પોલીસ સ્ટેશન લાવવામાં આવ્યા હતા જેને પગલે મોટી સંખ્યામાં મહિલાઓ સહિતના ગ્રામજનોએ આગેવાનોને છોડી દેવાની માંગ સાથે ઘેરાવો કર્યો હતો.
શામળાજી પોલીસ સ્ટેશનમાં ગલીસીમરો ગામના ગ્રામજનોએ મોટી સંખ્યામાં ઉમટી પડી શામળાજી પોલીસનો ઘેરાવો કરવાની સાથે ચિચિયારીઓ પાડતાં સ્થિતિ સ્ફોટક બને તે પહેલાં શામળાજી પોલીસે ગ્રામજનો સાથે સમજાવટના પ્રયત્નો હાથ ધર્યા હતા. શામળાજી પોલીસ સ્ટેશન બહાર કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસ કાફલો ખડકી દેવામાં આવ્યો હતો.
સમગ્ર ઘટના અંગે શામળાજી પોલીસે એસપી શૈફાલી બારવાલને જાણ કરતાં પોલીસવડાએ જિલ્લા નાયબ પોલીસ અધિક્ષક સહિત અન્ય પોલીસ અધિકારીઓ અને પોલીસ જવાનોનો કાફલો શામળાજી રવાના કર્યો હતો.