હનિમૂન પર મોકલી દંપતીને ડ્રગ્સના કેસમાં ફસાવી દીધા
મુંબઈનું દંપત્તિ કતારમાં ચરસ સાથે ઝડપાતાં ૧૦ વર્ષની સજા, નિર્દોષોને પાછા લાવવા નાર્કોટિક્સ ખાતાના પગલા
નવી દિલ્હી, નાર્કોટિક્સ વિભાગની એક ટીમે કતારના દોહામાં ૧૦ વર્ષનો જેલવાસ ભોગવી રહેલાં નિર્દોષ ભારતીય દંપતિને સ્વદેશ પરત લાવવાની દિશામાં કાર્યવાહી આદરી છે. મુંબઈના રહીશ શરીક કુરેશી અને તેની પત્ની ઓનિબા કુરેશીની સાથે કોઈ પારકાએ નહીં પણ લોહીનો સંબંધ ધરાવતી કાકીએ જ દગો કર્યો અને કતારમાં ડ્રગની ખેપ લઈ જવાના કેસમાં ફસાવી દીધું. વર્ષ ૨૦૧૯માં આ કપલ હનીમૂન પેકેજ પર આવ્યુ હતુ. ત્યારે એરપોર્ટ પર કસ્ટમ ચેકિંગમાં તેમની બેગમાંથી ૪ કિલો ચરસ મળ્યુ હતુ. તે સમયથી જ શરીક અને ઓનિબા કુરેશી કતારની જેલમાં પોતાનાં નવજાત બાળકની સાથે સજા કાપી રહ્યા છે.
આ ફિલ્મી પટકથા જેવી ઘટનાની શરૂઆત વર્ષ ૨૦૧૮થી થાય છે. જ્યારે મુંબઈમાં શરીક કુરેશીના ઓનિબા કુરેશીના નિકાહ થયા હતા. ઘર અને નોકરીની વ્યસ્તતાના કારણે આ કપલને હનીમૂન ટૂર માટેનો સમય મળ્યો ન હતો. થોડા મહિના બાદ આ નવયુગલે તેમનાં એક કાકી તબસ્સુમે પોતાના તરફથી ગિફ્ટ રૂપે પરાણે હનીમૂન પેકેજ પકડાવ્યું હતું. તબસ્સુમે તેમની સંમતિની રાહ જોયા વિના જ હોટલ, ફ્લાઇટ વગેરે બૂક કરાવી દીધાં હતાં અને હવે મારાં નાણાં વેડફાશે એમ કહી તેમને પરાણે હનીમૂન માટે ધકેલ્યાં હતાં. આ સાથે જ કાકીની કપટલીલાની શરૂઆત થઈ હતી. જેમાં બંનેને કતાર જવા માટે પ્લેનનું બુકીંગ મુંબઈના બદલે બેંગ્લોરથી કરાવવામાં આવ્યુ હતુ. બેંગ્લોર પહોંચ્યા બાદ શરીક અને ઓનિબાને એક હોટેલમાં રોકાણ કરાવ્યુ હતુ.
આ દરમિયાન તબસ્સુમે શરીકને એક બેગ આપીને તેને કતાર લઈ જવા કહ્યું હતું. શરીકે બેગમાં શું છે, તેવો સવાલ કર્યો તો કાકીએ તેમાં ગુટખાના પેકેટ છે, તે કતારમાં મળતા નથી એટલે લઈ જવા પડશે. આ બેગ એક સંબંધીને જ આપવાની છે, તેમ પણ જણાવ્યુ હતું. સ્હેજ આનાકાની બાદ તેમની વાત માની લઇ શરીક અને ઓનિબા ૬ઠ્ઠી જુલાઈ, ૨૦૧૯ના દિવસે કતારના માટે રવાના થયા. બંને જણાં કતારના આંતરરાષ્ટ્રીય હવાઈ મથક પર ઉતરાણ કર્યુ ત્યારે કસ્ટમ દ્વારા તેમના સરસામાનનું ચેકિંગ કર્યુ હતુ. આ સમયે દંપતિની બેગને ક્લિયરન્સ મળી ગયુ હતુ. પરંતુ કાકીએ આપેલી બેગને અધિકારીઓએ જપ્ત કરી લીધી હતી. કારણ તેમની તપાસમાં બેગમાંથી ૪ કિલો ચરસ મળી આવ્યુ હતુ.તેઓ પોતાની જાતને નિર્દોષ પુરવાર ના કરી શકતાં બંનેની ધરપકડ થઇ હતી. આ યુગલને કતારની ફાસ્ટટ્રેક કોર્ટ દ્વારા ૧૦ વર્ષની કેદ થઇ છે. યુગલ કતાર પહોંચ્યું ત્યારે પત્ની ઓલરેડી ગર્ભવતી હતી અને તેણે જેલમાં જ બાળકને જન્મ આપ્યો છે.
મુંબઇ એનસીબીએ તબસ્સુમ તથા તેના સાથીઓની ધરપકડ કરી લીધી છે અને હવે ડિપ્લોમેટિક પ્રયાસો દ્વારા યુગલને છોડાવવા કવાયત હાથ ધરવામાં આવી છે. આ કપલના સ્વજનોએ વિવિધ ભારતીય એજન્સીઓનો સંપર્ક કર્યો હતો અને તેમને ખાસ તો શરીક અને તબસ્સુમ વચ્ચે ફોન ચેટ બતાવી હતી. જેના આધારે એવું નક્કી થયું હતું કે તબસ્સુમે ખરેખર શરીક અને તેની પત્નીને ડ્રગ જાળમાં ફસાવ્યાં છે. નાર્કોટિક્સ કન્ટ્રોલ બ્યૂરોના વડા રાકેશ અસ્થાનાના ધ્યાને આ કેસ લાવવામાં આવ્યો હતો. સુશાંત કેસની તપાસ માટે મુંબઇ આવેલા અસ્થાનાએ આ કેસમાં યુગલના પરિવારજનોને મદદની ખાતરી આપી હતી.SSS