હનીટ્રેપના ષડયંત્રમાં સંડોવાયેલા મહીલા પીઆઈની ધરપકડ
પઠાણ સામે રાજકોટમાં લાંચની ફરીયાદ થઈ હતી –
પકડાયેલા મહિલા પીઆઈ પઠાણ મુળ સુરેન્દ્રનગરના છે જે રાજકોટમાં ફરજ ઉપર હતા એ વખતે વર્ષ ર૦૧૪માં તે લાંચ રૂશ્વતના ગુનામાં પકડાઈ ચુકયા છે. પુર્વ મહીલા પોલીસ સ્ટેશનનો ચાર્જ સંભાળ્યા અગાઉ તે પુર્વ રીવરફ્રન્ટ પોલીસ સ્ટેશનના પીઆઈ તરીકે કાર્યરત હતા. જયાં કેટલીક મહીલાઓ સાથે ગરીબ બાળકોને ભણાવવા જેવી પ્રવૃતિ પણ કરતાં હતાં.
(પ્રતિનિધિ) અમદાવાદ, થોડા સમય અગાઉ શહેરમાં હનીટ્રેપની કેટલીક ઘટનાઓ સામે આવી હતી જેમાં ફેસબુકમાં ફેક આઈડી બનાવી મોટા વેપારીઓને રીકવેસ્ટ મોકલવામાં આવતી હતી બાદમાં મેસેન્જરમાં તેમની સાથે વાતો કરીને યુવતીઓ તેમને મળવા બોલાવતી હતી અને હોટેલના રૂમમાં કે ગાડીઓમાં એકાંતની પળો માણ્યા બાદ યુવતી જે તે વેપારી વિરુધ્ધમાં બળાત્કાર કે છેડતીના ગંભીર આક્ષેપો કરી પોલીસ સ્ટેશનમાં અરજીઓ આપતી હતી
આવી અરજીઓ એક જ પોલીસ સ્ટેશનમાં આવતી હોવાનું ધ્યાને આવતા ઉચ્ચ અધિકારીઓએ આ અંગેની તપાસ ક્રાઈમબ્રાંચના પીઆઈ પી.બી. દેસાઈને સોંપી હતી જેમણે સઘન તપાસ કરતા પૂર્વ મહીલા પોલીસ સ્ટેશનમાં અરજી આપ્યા બાદ વેપારીને પોલીસ સ્ટેશને બોલાવવામાં આવતા જયાં કેટલાંક મળતીયા કર્મીઓ અને યુવતીઓના સાગરીતો વેપારીની સામે કેસ કરવાની ધમકીઓ આપ્યા બાદ સમાધાન કરી રૂપિયા પડાવતા હોવાનું સામે આવ્યું હતું.
સઘન તપાસ કરીને આરોપીઓની પુછપરછ તથા મોબાઈલ ફોન ડિટેઈલ્સ ઉપરાંત પોલીસ સ્ટેશનના કર્મચારીઓની તપાસ કરવામાં આવતા હનીટ્રેપના આ સમગ્ર મામલામાં પૂર્વ મહીલા પોલીસ સ્ટેશનના તત્કાલીન અને હાલમાં પાટણ ખાતે ફરજ બજાવતા મહીલા પીઆઈ ગીતા પઠાણની સંડોવણી બહાર આવતા ઉચ્ચ અધિકારીઓ સહીત સૌ કોઈ ચોંકી ગયા હતા.
પીઆઈ ગીતા પઠાણની અટક કરી તેમની પુછપરછ કરતા પોતે કબુલ્યુ હતું કે પોતે અગાઉ પકડાયેલા આરોપીઓની અરજીઓ સ્વીકારવા માટે પોલીસ સ્ટેશનના કર્મચારીઓને સુચના આપી સામાવાળાને બોલાવતા અને બળાત્કાર કે શારીરિક દુષ્કર્મના કેસમાં ફસાઈ જશો ઉપરાંત પૈસા આપીને પણ સમાધાન કરી લો તેમ કહીને ભોગ બનનાર વેપારીને દબાણ કરતા હતા.
સમાધાન થઈ ગયા બાદ યુવતીઓ અને તેમના સાગરીતો પીઆઈ સહીતના પોલીસવાળાને તેમાંથી ભાગ આપતા હતા. હાલ સુધીમાં ટોળકીએ ર૬ લાખથી વધુ રકમ પડાવ્યાનું સામે આવ્યું છે. આ સમગ્ર ષડયંત્રમાં અગાઉ વેપારીઓને ફસાવનાર યુવતીઓ ઉન્નતિ ઉર્ફે રાધીકા રાકેશભાઈ રાજપુત (૧૯)
તથા જાનવી ઉર્ફે જીનલ આનંદસિંહ પઢીયાર (૧૯) ઉપરાંત તેમના સાગરીતો જીતેન્દ્ર ઉર્ફે જીતુ નાથાલાલ મોદી (પ૮) અને બિપીન શનાભાઈ પરમાર (૪૮)ને ક્રાઈમબ્રાંચે અગાઉ જ ઝડપી લીધા હતા જયારે અમરબેન સોલંકી નામની વધુ એક મહીલા સામે તપાસ હાલમાં ચાલુ છે.
અત્રે ઉલ્લેખનીય છે કે હાલ સુધીમાં ચાર હનીટ્રેપના કિસ્સા સામે આવ્યા છે જયારે બારોબાર સમાધાન થયા હોય એવા કિસ્સા પણ બહાર આવવાની સંભાવના છે. ઉપરાંત પોલીસ સ્ટેશનના જ અન્ય કમ્ર્ચારીઓ પણ આ ષડયંત્રમાં સામેલ હોવાની શક્યતા છે. આ ષડયંત્રનો મુખ્ય સુત્રધાર કોણ છે એ સવાલ હવે ચર્ચાઈ રહયો છે.