હરમન બાવેજાએ હેલ્થ કોચ સાશાની સાથે સગાઈ કરી
મુંબઈ: બોલિવૂડ એક્ટર હરમન બાવેજાએ ચંદીગઢમાં રવિવારે હેલ્થ કોચ સાશા રામચંદાની સાથે સગાઈ કરી લીધી છે. હરમન બાવેજાની બહેને પોતાના ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર આ કપલનો ફોટોગ્રાફ શેર કર્યો હતો. આ ફોટોગ્રાફ શેર કરતા લખ્યું હતું કે ‘પરિવારમાં તમારું સ્વાગત છે સાશા રામચંદાની, ઉજવણી શરૂ કરવા માટેની રાહ જાેઈ શકીએ તેમ નથી. અમે તમને ખૂબ પ્રેમ કરીએ છીએ.
સાશા રામચંદાનીની મિત્ર અને એક્ટ્રેસ સાગરિકા ઘાટકેએ પોતાના ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર હરમન બાવેજા અને સાશા રામચંદાનીનો ફોટોગ્રાફ શેર કર્યો છે. આ સાથે જ તેણે લખ્યું કે ‘ખૂબ ખૂબ અભિનંદન સાશા અને હરમન. બોલિવૂડ એક્ટર હરમન બાવેજાએ વર્ષ ૨૦૦૮માં આવેલી ફિલ્મ ‘લવસ્ટોરી ૨૦૫૦થી ડેબ્યુ કર્યું હતું કે જેમાં તેની સાથે પ્રિયંકા ચોપરા જાેવા મળી હતી. આ સિવાય હરમન બાવેજાએ જે બોલિવૂડ ફિલ્મોમાં કામ કર્યું તેમાં ‘વિક્ટરી’, ‘વોટ્સ યોર રાશિ?’, ‘ઢિશ્કિયાઉં’ વગેરેનો સમાવેશ થાય છે.
૪૦ વર્ષના થયેલા હરમન બાવેજાનો જન્મ તારીખ ૧૩ નવેમ્બર, ૧૯૮૦ના રોજ ચંદીગઢમાં થયો. તેના પિતા હેરી બાવેજા જાણીતા બોલિવૂડ ફિલ્મ ડિરેક્ટર છે. હરમન બાવેજાના પિતા હેરી બાવેજાએ ડિરેક્ટ કરેલી જાણીતી બોલિવૂડ ફિલ્મોમાં ‘દિલવાલે’, ‘દિલજલે’, ‘કયામત’, ‘ઈમ્તિહાન’ અને ‘દિવાને’ વગેરેનો સમાવેશ થાય છે.