હરિઓમ નગર સો.માં ભર શિયાળે પાણીનો પોકાર : મહિલાઓએ માટલા ફોડી “હાયરે સરપંચ હાય..હાય” ના નારા લગાવ્યા
મોડાસા શહેરની અને સાયરા ગ્રામપંચાયતમાં સમાવિષ્ઠ હરિઓમ નગર સોસાયટીમાં ભર શિયાળે પાણીનો પોકાર સર્જાયો છે. પીવાના પાણી માટે મહિલાઓને આમતેમ ભટકવું પડે છે સાયરા ગ્રામ પંચાયત દ્વારા સોસાયટીના રહીશોને નજીકમાં આવેલા ગ્રામપંચાયતના બોર કુવામાંથી પાણી આપવામાં આવે છે. પણ યાંત્રિક સમસ્યાને લઇને હાલ અહીં પાણી માટે લોકોને વલખા પડી રહ્યાં છે.વારંવાર સાયરા ગ્રામ પંચાયતમાં રજુઆત કરવા છતાં સમસ્યાનો ઉકેલ નહિ આવતા સોસાયટીના પ્રવેશદ્વારે સોસાયટીના રહીશોએ અને મહિલાઓએ માટલા ફોડી તથા હાયરે….સરપંચ…હાય….હાય ના નારા લગાવી ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો
ગુજરાતના મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ જાહેર કર્યું છે કે ગુજરાતના દરેક ઘરે નળ દ્વારા પીવાનું પાણી ૩ વર્ષમાં એટલે કે ૨૦૨૨ સુધીમાં પહોંચતું કરવામાં આવશે ની જાહેરાત કરવામાં આવી છે બીજીબાજુ ગુજરાતના અનેક વિસ્તારોમાં પીવાના પાણીની સમસ્યાઓ વિકરાળ સ્વરૂપ ધારણ કરી રહી છે મોડાસાની હરિઓમ નગર સોસાયટીમાં ભર શિયાળે પાણીનો પોકાર સર્જાયો છે ગામની પાણીની સમસ્યા અંગે અનેક રજૂઆત કરવામાં આવી છે. છતાં પરિસ્થિતી ઠેરની ઠેરે છે. ત્યારે અહીંની પાણીની સમસ્યા જલ્દીથી દૂર થાય તેવી સ્થાનિકોની માંગ છે.
સોસાયટીના રહીશોના જણાવ્યા અનુસાર,છેલ્લા કેટલાક સમયથી પીવાના અને રોજિંદા વપરાશનું પાણી પૂરું પાડવામાં સાયરા ગ્રામપંચાયતના સત્તાધીશો તદ્દન નિષ્ફળ રહેતા મહિલાઓએ પાણી માટે આમતેમ ભટકવું પડી રહ્યું છે સોસાયટીના રહીશોએ રોજિંદા વપરાશ માટેનું પાણી નાણાં ખર્ચી મેળવવા મજબુર બનતા સાયરા ગ્રામ પંચાયતના અંધેર વહીવટ સામે ભારે રોષ પ્રવર્તી રહ્યો છે સોસાયટીના રહીશોના જણાવ્યા અનુસાર તેમની સમસ્યાનું સમાધાન નહિ થાય તો આગામી સમયે ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી હતી