હરિયાણાના કંડેલા ગામમાં ખેડૂત મહાપંચાયતનું સ્ટેજ પડ્યું, રાકેશ ટિકૈત સહિત ઘણા નેતાને થઈ ઇજા
નવી દિલ્હી, જિંદના ગામ કંડેલામાં ચાલતી મહાપંચાયતમાં એક દુર્ઘટના થઈ ગઈ છે. જે સ્ટેજ પરથી રાકેશ ટિકૈત ખેડૂતોને સંબોધન કરી રહ્યા હતા એ અચાનક પડી ગયું હતું. સ્ટેજ પર રાકેશ ટિકૈત સિવાય અન્ય પણ ઘણા ખેડૂતનેતાઓ સામેલ હતા. જોકે દુર્ઘટના દરમિયાન કોઈને ગંભીર ઈજા થઈ હોવાની વાત સામે આવી નથી. ટિકૈત સહિત અમુક નેતાઓને સામાન્ય ઈજા થઈ છે.
દુર્ઘટના પહેલાં મહાપંચાયતને સંબોધિત કરતાં ટિકૈતે કહ્યું હતું કે સરકારની કિલ્લાબંધી તો અત્યારે એક નમૂનો છે. આગામી દિવસોમાં આવી જ રીતે જ ગરીબની રોટલી પર કિલ્લાબંધી કરી દેવામાં આવશે. રોટી તિજોરીમાં બંધ ન થાય એ માટે જ આ આંદોલન શરૂ કરવામાં આવ્યું છે. હજી સરકારને ઓક્ટોબર સુધીનો સમય આપવામાં આવ્યો છે. આગામી સમયમાં જેવી પણ સ્થિતિ રહેશે, એ હિસાબે જ આગળની રણનીતિ પર ખેડૂતો ચર્ચા કરશે. પોતાના પર ગંભીર કલમ લગાવવા વિશે ટિકૈતે કહ્યું હતું કે આંદોલન ચાલી રહ્યું છે, ચાલતું રહેશે; ત્યાર પછી હું જેલ જઈશ.
મીડિયા તરફથી લાલકિલ્લા સંબંધી કરવામાં આવેલા સવાલ વિશે ટિકૈતે કહ્યું હતું કે આ બધી સરકારની મિલીભગત છે. અમે છેલ્લાં 35 વર્ષથી ખેડૂતોના હિતમાં આંદોલન કરતા આવ્યા છીએ, એ દરમિયાન હંમેશાં સંસદ ઘેરવાની વાત ચોક્કસ કરી છે, પરંતુ લાલકિલ્લા પર જવાની વાત તો અમે કદી કરી નથી અને અમે કદી ગયા પણ નથી. 26 જાન્યુઆરીએ લાલકિલ્લા પર ગયેલા લોકો ખેડૂતો ન હતા અને જે હતા તે સરકારના કાવતરાનો ભાગ હતો. તેમને આગળ જવા દીધા એટલે તેઓ ગયા.