હરિયાણાના ગુડગાંવના ડાયાબિટીસથી પીડિત ૬૨ વર્ષીય શમશેરસિંહ ૧૪ દિવસની સારવાર બાદ કોરોનામુક્ત થયા

દિલ્હીમાં વેન્ટિલેટર મળી શક્યું નહિ, જેથી સુરત સિવિલમાં સારવાર માટે આવ્યા અને મારો જીવ બચી ગયો: શમશેરસિંહ અહલાવત
અતિથી દેવો ભવઃની પરંપરાને સાકાર કરતુ સુરત
હરિયાણાના ગુડગાંવથી સારવાર માટે સુરત આવેલા આવેલા શમશેરસિંહને સુરત જીવનભર નહિ ભૂલાય, કારણ કે નવી દિલ્હીમાં કોરોના સારવાર માટે કોઈ હોસ્પિટલમાં વેન્ટિલેટર મળી શક્યું નહિ, જેથી સુરત સિવિલમાં સારવાર માટે આવ્યા અને સુરતની ભૂમિ દેશની ‘અતિથિ દેવો ભવ’ની પરંપરા નિભાવીને નવજીવન આપવામાં નિમિત્ત બની છે. તેઓ સિવિલમાં સારવાર દરમિયાન ૧૦ દિવસ બાયપેપ પર રહી કોરોનાને હરાવવામાં સફળ થયા છે. સિવિલમાં દાખલ થયા ત્યારે ઓક્સિજન લેવલ ૭૮ હતું, તપાસ દરમિયાન તેમને ફેફસામાં ૬૫ ટકા કોરોના ઇન્ફેક્શન હતું.
શહેરમાં કોરોનાની બીજી લહેર સામે જંગ જારી છે. કોવિડ સંક્રમણમાં સતત વધારો થઇ રહ્યો હોવા છતાં મોટી સંખ્યામાં દર્દીઓ સ્વસ્થ થઈ રહ્યા છે, ત્યારે સુરતમાં આસપાસના શહેરો, નગરો, અને ગામોમાંથી જ નહિ, પણ અન્ય રાજ્યોમાંથી સુરતમાં કોરોનાની સારવાર લેવા લોકો આવે છે, અને સ્વસ્થ થઈને ઘરે પરત ફરે છે. હરિયાણા રાજ્યના ગુડગાંવ (ગુરૂગ્રામ) સેક્ટર ૫૧ માં રહેતા સિનીયર સિટીઝન ૬૨ વર્ષીય શમશેરસિંહ અહલાવત તેમાંના એક છે. સિવિલમાં ૧૪ દિવસની સારવાર લઈ કોરોનામુક્ત થઈને ઘરે પરત ફર્યા ત્યારે અહલાવત પરિવાર ખુશખુશાલ બન્યો હતો.
સિવિલમાં કોરોનાની નિ:શુલ્ક સારવાર મેળવી સ્વસ્થ થયેલા શમશેરસિંહ જણાવે છે કે, ‘મને સાત વર્ષથી ડાયાબિટીસની બિમારી છે, જેથી કોરોનાનું દિનપ્રતિદિન સંક્રમણ વધતા હું ઘરની બહાર પણ નીકળવાનું ટાળતો પરંતુ અચાનક મારી તબીયત બગડવા લાગી, તાવ અને શ્વાસ લેવામાં તકલીફ જણાતા ખાનગી ડોકટરની પ્રાથમિક સારવાર દરમિયાન કોવિડ પોઝિટિવ આવ્યો, સારવાર માટે દિલ્હી નજીક હોવાથી દરેક હોસ્પિટલમાં તપાસ કરી પણ બેડ અને વેન્ટિલેટર ન હોવાથી તમામ હોસ્પિટલ દ્વારા ના પાડી દેવામાં આવી હતી.
તબિયત વધુ લથડતા ઓક્સિજન લેવલ પણ ઘટીને ૭૮-૮૦ થયું. શમશેરસિંહની પૌત્રવધુનો તા.૨૧મી એપ્રિલે સુરત સિવિલ હોસ્પિટલમાં તબીબી તરીકે ફરજ બજાવતા ઇન્ટર ડો.માનસી વડગામાનો કોન્ટેક કરતા તેઓએ સિવિલમાં બેડ ઉપલબ્ધ હોવાનું જણાવીને અહી દાખલ થવા કહ્યું. જેથી તત્કાલ દિલ્હીથી પ્રાઇવેટ એમ્બ્યુલન્સમાં એનઆરબીએમ પર સિવિલ હોસ્પિટલમાં દાખલ થયો હોવાનું તેમણે કહ્યું હતું. અહી મને તા.૨૨ એપ્રિલથી તા.૨જી મે એમ દશ દિવસ સુધી બાયપેપ પર રાખવામાં આવ્યો હતો. શ્વાસ લેવામાં થોડી રાહત મળી હતી, અને ત્યારબાદની આપવામાં આવેલી સારવારથી તબિયતમાં ઘણો સુધાર થયો અને ઓક્સિજન લેવલ ૯૮ પર આવ્યું હતું, જેથી તા.૦૪ મેના રોજ રજા આપવામાં આવી હતી.
શમશેરસિંહ જણાવે છે કે, દિલ્હીથી સુરત આવતા સમયે મને થયું હતું કે હું હવે લાંબું જીવી નહીં શકું. પરંતુ સુરતની સિવિલના તબીબોની મહેનતથી મને નવું જીવનદાન મળ્યું છે. મારા વહેલા સ્વસ્થ થવા પાછળ નવી સિવિલના તબીબો અને અન્ય સ્ટાફની મહેનત છે. હું એમનો આભારી અને કૃતજ્ઞ છું, કારણ કે તેમની સતત દેખરેખ, નિયમિત તપાસ અને સમયસરની સારવાર, યોગ્ય સંભાળથી હું કોરોના સામેનું યુદ્ધ જીત્યો છું.’
નવી સિવિલ હોસ્પિટલના તબીબ ડો.અશ્વિન વસાવા, ડો. માનસી વડગામા, ડો.રોબિન પટેલ, ડો.જિગ્નેશ ગેંગડિયા, ડો.સુમેર રામાવત દ્વારા જહેમતભરી યોગ્ય સારવાર કરવામાં આવી. જેથી શમશેરસિંહ કોમોર્બિડ હોવા છતાં ૧૪ દિવસ જેટલા ટૂંકા સમયગાળામાં કોરોનામુક્ત થયા.