હરિયાણાના જિંદ જિલ્લામાં ખેડૂતોની મહાપંચાયત-ધરપકડ કરાયેલાઓને છોડો, કાયદો પાછો લો
ખેડૂતોનો હુંકાર- સ્ટેજ તૂટતાં ટિકૈત પડ્યાઃ નેતાની હાજરીમાં યોજાયેલી મહાપંચાયતમાં ખેડૂતોએ વિવિધ માગણીઓ રજૂ કરી
જિંદ, હરિયાણાના જીંદ જિલ્લામાં ખેડૂતોની મહાપંચાયત શરૂ થઈ ગઈ છે. જિલ્લાના કંડેલા ગામમાં હજારોની સંખ્યામાં ભીડ ભેગી થઈ છે. મોટી સંખ્યામાં મહિલાઓ પણ આ મહાપંચાયતમાં ભાગ લેવા પહોંચી છે. મહાપંચાયતમાં ર્નિણય લેવામાં આવ્યો છે કે ત્રણેય કૃષિ કાયદાઓને સરકાર પાછા લે અને ધરપકડ કરવામાં આવેલા લોકોને જલદીથી જલદી મુક્ત કરે.
જીંદની મહાપંચાતથી રાકેશ ટિકૈતે કેન્દ્ર સરકારને પડકાર આપતા કહ્યું છે કે, આપણે હજું સરકારને બિલ પાછા લેવાની વાત કહી છે, જાે આપણે ગાદી પાછી આપવાની વાત કરી તો સરકારનું શું થશે? હજુ સમય છે સરકાર બરાબર થઈ જાય.
જીંદમાં આયોજિત ખેડૂતોની મહાપંચાયતમાં કૃષિ બિલને પાછા ખેંચવાનો પ્રસ્તાવ પાસ કરવામાં આવ્યો છે.
આ મહાપંચાયતમાં રાકેશ ટિકૈત ઉપસ્થિત હતા. આ મહાપંચાયતમાં ખેડૂતોએ સ્વામીનાથન કમિટીનો રિપોર્ટ લાગુ કરવાની માંગ કરી છે. આ ઉપરાંત ગુમ ખેડૂતોને શોધવા અને ખેડૂતો પર નોંધવામાં આવેલા કેસ પાછા લેવાની પણ માંગ કરી છે.
ટિકૈત ઉપરાંત અનેક ખાપ નેતા પણ આ મહાપંચાયતમાં સામેલ છે. ટેકરામ કંડેલાએ કહ્યું કે, ખેડૂતોના આંદોલનને સમર્થન કરવા માટે આ મોટો મેળો છે. લગભગ ૨ દશકા પહેલા હરિયાણામાં ખેડૂતોનું આંદોલન ચલાવનારી કંડેલા ખાપે ખેડૂત કાયદાઓની વિરુદ્ધ ખેડૂતોને પોતાનું સમર્થન આપ્યું છે.
બીજી ખાપે પણ આંદોલનને સમર્થન આપ્યું છે. ટેકરામ કંડેલાએ કહ્યું કે, આજના કાર્યક્રમમાં કૃષિ કાયદાઓને નાબુદ કરવા અને ન્યૂનતમ સમર્થન મૂલ્ય પર કાયદાકીય ગેરંટીની માંગ કરવામાં આવે. ઉલ્લેખનીય છે કે જ્યારે ટિકૈત ભાવુક થયા હતા ત્યારે જીંદ-ચંદીગઢ હાઈવે કંડેલા ગામના લોકોએ જામ કરી દીધો હતો, ત્યારબાદથી આખા હરિયાણામાંથી ખેડૂત આંદોલનને સમર્થન મળ્યું હતુ અને મોટી સંખ્યામાં લોકો દિલ્હીની સરહદો પર પહોંચી ગયા હતા. જીંદ જિલ્લાએ ખેડૂત આંદોલનમાં નવેસરથી જીવ ફૂંક્યો છે.
જીંદની મહાપંચાયતે અનેક પ્રસ્તાવ પાસ કર્યા છે. આમાં ત્રણે કૃષિ કાયદા પાછા લેવાની માંગ છે. સાથે જ ખેડૂતો પર જે કેસ થયા છે તે પાછા લેવાની માંગ કરવામાં આવી છે. જીંદની આ મહાપંચાયતમાં કુલ ૫ પ્રસ્તાવ પાસ કરવામાં આવ્યા છે. સાથે જ ૨૬ જાન્યુઆરીના જે નેતાઓની ધરપકડ કરવામાં આવી છે, તેમને છોડી દેવામાં આવે.
રાકેશ ટિકૈતે અહીં કહ્યું કે, અત્યારે જીંદવાળાઓએ દિલ્હી કૂચ કરવાની જરૂરિયાત નથી, તમે અહીં જ રહો. રાકેશ ટિકૈત તરફથી ટ્વીટ કરવામાં આવ્યું છે કે, પહેલા ધરપકડ કરાયેલા ખેડૂતોને છોડવામાં આવે, પછી આગળ વાત થશે.