હરિયાણાની હોસ્પિટલમાંથી રસીના ૧૬૦૦ ડોઝની ચોરી
ચંદીગઢ: કોરોનાના સંક્રમણ વચ્ચે રસીકરણ અભિયાનને વેગ આપવાની જાહેરાતો થઈ રહી છે અને બીજી તરફ કોરોનાની વેક્સીન તસ્કરોના નિશાના પર આવી ગઈ છે.
હોસ્પિટલમાંથી કોરોના વેક્સીન ચોરી થવાની બીજી ઘટના હરિયાણામાં બની છે. અહીંના જીંદ જિલ્લાની હોસ્પિટલના સ્ટોરમાં મુકવામાં આવેલા કોરોના વેક્સીનના ૧૬૦૦ જેટલા ડોઝ ચોરી થઈ ગયા છે. જેમાં ૧૨૦૦ જેટલા કોવિશીલ્ડ અને ૪૦૦ જેટલા કોવેક્સીનના ડોઝ સામેલ છે.
આ ઘટનાની જાણકારી આજે સવારે નવ વાગ્યે હોસ્પિટલ સત્તાધીશોને મળી હતી. હોસ્પિટલના સ્ટોરના તાળા તુટેલા જાેઈને અધિકારીઓ ચોંકી ઉઠ્યા હતા. ડિપ ફ્રિજમાંથી વેક્સીન સ્ટોક ગાયબ હતો. જાેકે હોસ્પિટલમાં મુકાયેલી ૫૦,૦૦૦ રુપિયાની રોકડ રકમ સુરક્ષિત છે. આ બાબતે છેવટે પોલીસને જાણ કરવામાં આવી હતી.
હવે પોલીસ મામલાની તપાસ કરી રહી છે.હોસ્પિટલ સત્તાધીસોએ કહ્યુ હતુ કે, હાલમાં હોસ્પિટલ પાસે ૧૬૦૦ જેટલા રસીના ડોઝ ઉપલબ્ધ છે પણ ગુરુવારે બપોર સુધી બંને વેક્સીનના ૧૦૦૦-૧૦૦૦ ડોઝ આવી જશે.
હોસ્પિટલમાં વેક્સીન નહીં હોવાના અહેવાલો પણ વહેતા થયા હતા. જેને હોસ્પિટલ સત્તાધીશોએ રદિયો આપ્યો હતો. અને કહ્યુ હતુ કે, પૂરતા પ્રમાણમાં વેક્સીન સ્ટોક ઉપલબ્ધ છે. દરમિયાન પોલીસે ચોરી કરનારાઓનુ પગેરુ મેળવવા માટે ફિંગર પ્રિન્ટ એક્સપર્ટનો પણ ઉપયોગ કર્યો છે.