હરિયાણામાં ખટ્ટરના આવતીકાલે બીજી વાર મુખ્યમંત્રી તરીકે શપથ
હરિયાણામાં નાયબ મુખ્યમંત્રી તરીકે જેજેપીના અધ્યક્ષ દુષ્યંત ચૌટાલા શપથ લેશે: રાજ્યપાલને મળી સરકાર રચવાનો દાવો: બપોરે ૨.૧૫ વાગે શપથ |
નવી દિલ્હી, હરિયાણાના મુખ્યપ્રધાન મનોહર લાલ ખટ્ટર આવતીકાલે ફરી એકવાર મુખ્યપ્રધાન તરીકે શપથ લેવા જઇ રહ્યા છે. ખટ્ટર સતતબીજી વખત મુખ્યમંત્રી બનવા જઈ રહ્યા છે. આજે રાજ્યપાલ સત્યદેવ નારાયણ આર્યને ખટ્ટરે સરકાર બનાવવાનો દાવો કર્યો હતો. સરકાર બનાવવાનો દાવો કર્યા બાદ ખટ્ટરે કહ્યું હતું કે, આવતીકાલે રવિવારના દિવસે મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રીના શપથ થશે. જ્યારે બાકી મંત્રીમંડળના સભ્યો ક્યારે શપથ લેશે તે અંગેની માહિતી આવતીકાલે આપવામાં આવશે. જનનાયક જનતા પાર્ટી (જેજેપી)ની સાથે ડીલ થઈ ગયા બાદ હવે ભાજપ સરકાર બનાવવાની તૈયારીમાં વ્યસ્ત છે. ચંદીગઢમાં કેન્દ્રિય નિરિક્ષકોની ઉપસ્થિતિમાં ભાજપની વિધાનસભા પક્ષની બેઠક યોજાઈ હતી. જેમાં કેન્દ્રિય મંત્રી રવિશંકર પ્રસાદ, મનોહરલાલ ખટ્ટર, દુષ્યંત ચૌટાલા આજે રાજ્યપાલ સત્યદેવ નારાયણને મળ્યા હતા અને સરકાર બનાવવાનો દાવો કર્યો હતો. એમ માનવામાં આવી રહ્યું હતું કે, હરિયાણામાં બે નાયબ મુખ્યમંત્રી બનાવવામાં આવશે પરંતુ આ અટકળોને ફગાવી દેવામાં આવી છે.
કેન્દ્રિય મંત્રી અને ભાજપના વરિષ્ઠ નેતા રવિશંકર પ્રસાદે મીડિયા સાથે વાતચીત કરતા કહ્યું હતું કે, આવા કોઈ વિચાર ઉપર કોઈ ચર્ચા થઈ નથી. પહેલા એવી અટકળો ચાલી રહી હતી કે, જેજેપીની સાથે ભાજપમાંથી પણ એક નાયબ મુખ્યમંત્રીને બનાવવામાં આવશે. હરિયાણામાં મુખ્યમંત્રી ભાજપના અને નાયબ મુખ્યમંત્રી પદ જેજેપીની પાસે રહેશે. આ પહેલા ભાજપની વિધાનસભા પક્ષની બેઠકમાં ખટ્ટરને મુખ્યમંત્રી બનાવવાનો માર્ગ મોકો થયો હતો. ભાજપ હાઈકમાન્ડના કહેવા મુજબ આજે બપોરે ચંદીગઢના યુપી ગેસ્ટહાઉસમાં બેઠક મળી હતી જેમાં ખટ્ટરને નેતા તરીકે ચુંટી કાઢવામાં આવ્યા હતા. આ બેઠકમાં કેન્દ્રિય મંત્રી નિર્મલા સીતારામન, રવિશંકર પ્રસાદ અને ભાજપના મહાસચિવ અરૂણ સિંહ પણ ઉપસ્થિત રહ્યા હતા.
ભાજપ સંસદીય બોર્ડ દ્વારા અધિકૃત કરવામાં આવ્યા બાદ પાર્ટીના અધ્યક્ષ અમિત શાહે નિર્મલા સીતારમન અને અરૂણ સિંહને હરિયાણામાં સરકારની રચનાની પ્રક્રિયા પર નજર રાખવા માટે નિરિક્ષક તરીકે નીમિ કાઢવામાં આવ્યા હતા. હરિયાણામાં ૯૦ સીટોની વિધાનસભા ચૂંટણીમાં ભાજપને ૪૦ સીટો મળી છે. જે બહુમતથી છ સીટો ઓછી છે. આવી સ્થિતિમાં ભાજપે ૧૦ ધારાસભ્યો ધરાવનાર દુષ્યંત ચૌટાલાની જેજેપી અને આઠ અપક્ષોના સમર્થન સાથે સરકાર બનાવવાનો નિર્ણય કર્યો છે. ભાજપે ગીતીકા આપઘાત કેસમાં આરોપી ગોપાલ કાંડાનું સમર્થન લીધું નથી. મંત્રીઓના શપથને લઇને હજુ સુધી ચિત્ર સ્પષ્ટ નથી.
ગઇકાલે સવારે હરિયાણાના મુખ્યપ્રધાન મનોહર લાલ ખટ્ટર દિલ્હી પહોંચ્યા હતા. જ્યાં તેમની વાતચીત થઇ હતી. ખટ્ટરે દિલ્હીમાં સતત બેઠકોનો દોર ચલાવ્યો હતો. ભાજપના પ્રમુખ જેપી નડ્ડા, કેન્દ્રીયમંત્રી અમિત શાહ સાથે શ્રેણીબદ્ધ વાતચીત કરી હતી. કુલ પાંચ અપક્ષ સભ્યો ભાજપને ટેકો આપવા તૈયાર થઇ ગયા હતા. અન્ય ત્રણ પણ ભાજપને ટેકો આપવા માટે તૈયાર થયા હતા. હેવાલ મુજબ અપક્ષ ધારાસભ્યો પુન્ડરીથી રણધીર ગોલન, રાનિયાથી રણજીત સિંહ, મહમથી બલરાજ કુન્ડુ, બાદશાહ પુરથી રાકેશ દૌલતાબાદ અને સિરસાથી ગોપાલ કાન્ડા ભાજપને ટેકો આપવા રાજી થઇ ગયા હતા. આની સાથે જ ભારતીય જનતા પાર્ટી માટે સરકાર બનાવવાનો રસ્તો સરળ થઇ ગયો હતો.
આવી જ રીતે હરિયાણમાં બહુમતિ માટે ૪૬ સીટોની જરૂર છે જે પૈકી ભાજપે પરિણામ જાહેર થયા બાદ ૪૦, કોંગ્રેસે ૩૧, જનનાયક પાર્ટીએ ૧૦ અને અન્યોએ આઠ સીટો મેળવી હતી. મતદાનની સાથે જ હરિયાણામાં કુલ ૯૦ વિધાનસભા બેઠકો માટે ૧૦૪ મહિલા ઉમેદવાર સહિત ૧૧૬૯ ઉમેદવારોના ભાવિ ઇવીએમમાં સીલ થઇ ગયા હતા. હરિયાણામાં ૧.૮૩ કરોડ મતદારો પૈકી મોટા ભાગના મતદારો મતદાન કરવા માટે બહાર નિકળ્યા હતા. હરિયાણામાં ૯૯ લાખ પુરુષો અને ૮૫ લાખ મહિલા મતદારો પૈકી ૬૧ ટકાથી વધુ મતદારોએ ભારે ઉત્સાહ વચ્ચે તેમના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. હરિયાણામાં ભારતીય જનતા પાર્ટીએ સરકાર રચવા માટેની પ્રક્રિયા તીવ્ર કરી છે. હરિયાણામાં નાયબ મુખ્યમંત્રી પદને લઈને ચાલી રહેલી અટકળોનો અંત આવી ગયો છે. જનનાયક જનતા પાર્ટીના અધ્યક્ષ દુષ્યંત ચૌટાલા હવે નાયબ મુખ્યમંત્રી બનશે. આની સાથે જ આવતીકાલે બપોરે સવા બે વાગે મુખ્યમંત્રી તરીકે મનોહરલાલ ખટ્ટરની તાજપોશી કરાશે.