હરિયાણામાં ખેડૂતોએ દુષ્યંત ચૌટાલા માટે બનાવાયેલા હેલીપેડને ખોદી નાંખ્યુ
ચંદીગઢ, હરિયાણાના જીંદ જિલ્લાના ઉચાનામાં ખેડૂતોએ રાજ્યના ઉપ મુખ્યમંત્રી દુષ્યંત ચૌટાલાના આગમન પહેલા જ તેમના માટે બનાવેલા નવા હેલિપેડને ખોદી નાંખ્યું છે. સાથે જ ખેડૂતે દુષ્યંત ચૌટાલા ગો બેકના નારા પણ લગાવ્યા હતા. આજે એટલે કે ગુરુવારે હરિયાણાના ઉપ મુખ્યમંત્રી દુષ્યંત ચૌટાલા ઉચના આવવાના હતા. તેમના હેલિકોપ્ટરના લેન્ડિંગ માટે આ હેલિપેડ બનાવવામાં આવ્યું હતું.
ખેડૂતોના વિરોધને જોતા દુષ્યંત ચૌટાલાનો પ્રવાસ રદ્દ કરવામાં આવ્યો છે. ખેડૂતોનું કહેવું છે કે જ્યાં સુધી દુષ્યંત ચૌટાલા ખેડૂતોનું સમર્થન નહીં કરે ત્યાં સુધી તેમને આ વિસ્તારમાં ઘૂસવા દેવામાં નહીં આવે. ખેડૂતોનું કહેવું છે કે ઉપ મુખ્યમંત્રી ચૌટાલા રાજીનામુ આપીને ખેડૂતો સાથે આંદોલનમાં જોડાય. આ સિવાય. અહીં જે પણ નેતા આવશે તેનો આ પ્રકારે જ વિરોધ કરવામાં આવશે.
ખેડૂતોએ એક દિવસ પહેલા જ કેન્દ્ર સરકારના કૃષિ કાયદાના વિરોધના ભાગરુપે હરિયાણાના મુખ્યમંત્રી મનોહર લાલ ખટ્ટરને પણ કાળા ઝંડા બતાવ્યા હતા. મુખ્યમંત્રીને રોકીને લાઠીઓ પણ ચલાવી હતી. આ અંગે હરિયાણા પોલિસે 13 ખેડૂતો સામે હત્યાના અને હિંસાના પ્રયાસનો કેસ પણ નોંધ્યો છે.
ખેડૂતો સામે હરિયાણાના અંબાલામાં પણ કેસ નોંધવામાં આવ્યો છે. જ્યાં મંગળવારે પ્રદર્શનકારી ખેડૂતોએ અંબાલામાં મુખ્યમંત્રીમના કાફલાને કાળા ઝંડા બતાવ્યા હતા. સાથે જ સરકાર સામે નારેબાજી પણ કરી હતી. તેમાંથી કેટલાક ખેડૂતો આગળ ધસી ગયા અને તેમની ગાડીઓ ઉપર લાઠીઓ પણ વરસાવી હતી.