હરિયાણામાં ખેડૂતો ૨૬ મેના રોજ કાળો દિવસ મનાવવાની તૈયારીમાં
![](https://westerntimesnews.in/wp-content/uploads/2021/05/Farmers.jpg)
પ્રતિકાત્મક
ચંડીગઢ: હરિયાણાના હિસારમાં પોલીસે ખેડૂતો પર ટીઅરગેસનો મારો ચલાવ્યો હતો. તેમના પર બળપ્રયોગ પણ કર્યો હતો. ખેડૂતો કેન્દ્ર સરકારના નવા કૃષિ કાયદા વિરુદ્ધ દેખાવ કરી રહ્યા હતા. તેમણે કહ્યું કે પોલીસની કાર્યવાહીમાં અનેક ખેડૂતો ઘવાયા છે. ખરેખર મુખ્યમંત્રી મનોહર લાલ ખટ્ટરે હિસારમાં ચૌધરી દેવીલાલ સંજીવની કોરોના હોસ્પિટલનું ઉદઘાટન કર્યું હતું.
પોલીસે કહ્યું હતું કે ખેડૂતો આ કાર્યક્રમને અવરોધવા માગતા હતા. એટલા માટે જ કાર્યવાહી કરવામાં આવી હતી. ખેડૂતો બેરિકેડ્સ તોડી આગળ વધી રહ્યા હતા. પોલીસે તેમને અટકાવ્યા હતા. ખેડૂતોએ આ દરમિયાન પથ્થરમારો શરૂ કરી દીધો હતો. જેમાં અનેક પોલીસકર્મી ઘવાયા હતા.
તેમને હોસ્પિટલમાં દાખલ કરવા પડ્યા. પોલીસે અમુક દેખાવકારોની ધરપકડ પણ કરી છે જેમાં મહિલાઓ પણ સામેલ છે.
ખેડૂતો કેન્દ્ર સરકારના ત્રણેય નવા કૃષિ કાયદાને રદ કરાવવાની માગ પર અડગ છે. તે ૨૬ મેના રોજ દિલ્હી સરહદે કાળો દિવસ મનાવવા ઈચ્છે છે. આ દિવસે જ ખેડૂત આંદોલનને છ મહિના પૂરાં થઈ જશે. દરમિયાન મુખ્યમંત્રી ખટ્ટરે કહ્યું કે ખેડૂતોએ ઘરે પાછા ફરી જવું જાેઈએ. તેઓએ કોરોના સંક્રમણને રોકવામાં સરકારને મદદ કરવી જાેઈએ.