હરિયાણામાં લઠ્ઠાકાંડ: 4 દિવસમાં ઝેરી દારૂ પીવાથી 32 લોકોએ ગુમાવ્યો જીવ
પાનીપત, હરિયાણામાં 4 દિવસમાં જ ઝેરી દારૂ (alcohol) પીવાથી 32 લોકોના મોત થયા છે. હરિયાણાના પાનીપત અને સોનીપત જિલ્લામાં ઝેરી દારૂ પીવાથી લોકોએ જીવ ગુમાવ્યો હતો. પાનીપત જિલ્લામાં ત્રણ લોકોના ઝેરી દારૂ પીવાથી મોત થયા હતા જેમના અંતિમ સંસ્કાર પરિવારજનોએ કરી દીધા હતા. જ્યારે ગુરૂવારે પણ ચાર લોકોના દારૂ પીવાથી મોત થતા પાનીપતમાં આંકડો સાત પર પહોચી ગયો હતો.
હરિયાણામાં ઝેરી દારૂ (alcohol) પીવાથી મોત થતા પરિવારજનો મૃતદેહને અંતિમ સંસ્કાર માટે સ્મશાન ઘાટ લઇ ગયા હતા. બનાવની જાણ થતા જ પોલીસ ત્યા પહોચી હતી અને શબોને પોતાના કબજામાં લઇ લીધા હતા અને પોસ્ટ મોર્ટમ માટે મોકલી આપ્યા હતા ડીએસપી સમાલખા પ્રદીપ કુમાર પણ ઘટનાસ્થળે પહોચી ગયા હતા. સીઆઇએ પોલીસ કેસની તપાસ કરી રહી છે. ડીએસપી પ્રદીપ કુમારે જણાવ્યુ કે જે મહિલા પાસેથી દારૂ ખરીદવામાં આવી હતી તેની અટકાયત કરવામાં આવી છે, જેની પૂછપરછ ચાલુ છે કે તે દારૂ ક્યાથી લાવતી હતી.
સોનીપતની કોલોનીમાં લોકોના શંકાસ્પદ સ્થિતિમાં મોત થઇ રહ્યા છે. અહી 12 કલાકમાં રિટાયર્ડ સીઆરપીએફના જવાન સહિત સાત લોકોએ જીવ ગુમાવ્યો છે. માત્ર ત્રણ દિવસમાં જ અત્યાર સુધી 24 લોકોના મોત થયા છે. જેમાં મોટાભાગના મોત દારૂ પીધા બાદ થયા હોવાનું જાણવા મળે છે.
આ ઘટના સામે આવતા જ ડીસી અને એસપી ખુદ કોલોનીમાં પૂછપરછ કરવા માટે પહોચ્યા હતા અને દારૂ પીવાથી સ્થિતિ બગડતા હોસ્પિટલમાં દાખલ લોકોની પૂછપરછ પણ કરી હતી. જેમણે ખુદ જણાવ્યુ કે ગેરકાયદેસર રીતે દારૂ ખરીદીને પીધા બાદ તેમની સ્થિતિ બગડી છે. તે બાદ આ કેસની તપાસ શરૂ કરવામાં આવી છે.
24 લોકોના મોત પછી સોનીપત પોલીસે ખરખૌદા વોર્ડ એક સ્થિત મકાનમાં રેડ કરીને નકલી દારૂ તૈયાર કરવાની એક ફેક્ટરીનો પર્દાફાશ કર્યો હતો. આ કાર્યવાહીમાં પોલીસે એક યુવકની ધરપકડ કરી છે, જે નકલી દારૂ તૈયાર કરીને લોકોને વેચતો હતો.