હરીયા એલ.જી. રોટરી હોસ્પિટલમાં ગુજરાતની સર્વ પ્રથમ સજાગ કાર્ડિયાક સર્જરી
(પ્રતિનિધિ) વલસાડ, કોરોનરી બાયપાસ સર્જરી, એ હૃદયની ખુબ જટિલ સર્જરી છે. ઘણા દર્દીઓમાં, એક કરતા વધારે બ્લોક હોય છે. આ બ્લોકેજીસને સર્જરી દ્વારા બાયપાસ કરવામાં આવે છે. દર્દીને જનરલ એનેસ્થેસિયા આપીને સર્જરી કરવામાં આવે છે. દર્દીને હોસ્પિટલમાં ૮-૧૦ દિવસ રહેવું પડે છે જેમાં આઈ.સી.યુ.માં ૩-૪ દિવસ રહેવું પડે છે. હરીયા એલ.જી.રોટરી હોસ્પિટલના કન્સલ્ટન્ટ કાર્ડિયાક સર્જન ડો. કલ્પેશ એસ. મલિક દ્વારા જનરલ એનેસ્થેસિયા આપ્યા વગર સફળ કોરોનરી બાયપાસ સર્જરી કરવામાં આવી હતી. ૪૭ વર્ષના દર્દી વિનોદ શર્માને દયને લોહી પૂરું પાડતી ધમનીઓમાં બ્લોક હતા. પ જુલાઈ ર૦૧૯ના રોજ, કાર્ડીઆક ટીમના કન્સલ્ટેશન બાદ દર્દી પર એપિડયુરાલ (કરોડરજ્જુમાં) એનેસ્થેસિયા આપી બાયપાસ સર્જરી કરવામાં આવી હતી. આ સર્જરી ર કલાકમાં પુરી થઈ હતી.
જેમાં દર્દી સંપૂર્ણપણે સજાગ હતા. સફળ સર્જરીના પછીના દિવસથી જ દર્દી ચાલી શકયા હતા અને પગથિયા ચડી-ઉતરી શક્યા હતા. ડો. કલ્પેશ મલિકે કહ્યું કે, આ પ્રકારની સજાગ બાયપાસ સર્જરી ગુજરાતમાં સર્વ પ્રથમ, દેશમાં બીજી વખત અને દુનિયાભરમાં ૪ થી કે પમી વખત જ થઈ છે. આ ટેકનીકની મદદથી દર્દીને કોઈ વેન્ટિલેટર કે એનેસ્થેસિયા આપવાની જરૂર રહેતી નથી અને દર્દીને ફેફસાંને આડઅસર કે તકલીફ થવાની શકયતા ખુબ ઓછી થઈ જાય છે. એક સર્જન માટે આ પ્રક્રિયા ખૂબ જટિલ છે એટલે તેને સામાન્યતઃ કરવામાં આવતી નથી. હું મારી નિષ્ણાંત કાર્ડિયાક ટીમ- ડો. સંકેત ગાંધી (એનેસ્થેટીસ્ટ), ડો. કૃણાલ રામટેકે (એનેસ્થેટીસ્ટ), ડો. જીતેન પરીખ (ઈન્ટેન્સીવ કેર) અને ડો. વિશ્વેશ (ઈન્ટેન્સીવ કેર)નો ખૂબ આભારી છું. હરીયા એલ.જી. રોટરી હોસ્પિટલમાં તમામ પ્રકારની જટીલ કાર્ડિયાક સર્જરીઓ નજીવા દરે કરવામાં આવે છે. દક્ષિણ ગુજરાતના દર્દીઓ હવે મુંબઈ કે અન્ય શહેરમાં ન જતા વાપી ખાતે જ હૃદયરોગોની શ્રેષ્ઠ સારવાર મેળવી શકે છે.*