Western Times News

Gujarati News

હરેકૃષ્ણ મંદિરમાં ગીતા જયંતિ મહોત્સવની શાનદાર ઉજવણી

ગીતા જયંતિ અવસરે મંદિરમાં મહામંગલા આરતી, ગીતા તુલા દાન સહિતના કેટલાક ભકિતસભર કાર્યક્રમો યોજાયા
અમદાવાદ,  હરેકૃષ્ણ મંદિર,ભાડજ દ્વારા આજે રવિવારના રોજ ગીતા જયંતિ મહોત્સવની ખૂબ જ ભવ્યતા સાથે ઉજવણી કરવામાં આવી હતી. જેમાં ભગવદ-ગીતાના ૧૮ અધ્યાયના ૭૦૦ શ્લોકનું પઠન કરવામાં આવ્યું હતુ. મહોત્સવ દરમ્યાન હરેકૃષ્ણ મંદિરના અધ્યક્ષ શ્રી જગનમોહન કૃષ્ણ દાસાએ ભગવદ-ગીતાનું મહત્વ સમજાવતા પરિસંવાદ કર્યો હતો. ગીતા જયંતિ ઉત્સવના ઉપક્રમે ગીતામંડપનુ નિર્માણ કરવામાં આવ્યું હતું.

આ મંડપમાં કૃષ્ણકૃપામૂર્તિ શ્રીલા પ્રભુપાદ દ્વારા ભગવદગીતા-યથાસ્વરૂપેમાં વિશેષ રીતે કરેલ નોંધની આવૃતિ તેમજ તેની વિશ્વની આશરે ૮૩ જેટલી જુદી-જુદી ભાષાઓમાં રૂપાંતરીત થેયલ કૃતિઓ મુકવામાં આવી હતી. ઉત્સવ દરમ્યાન ભક્તિ સંગીત કાર્યક્રમ પણ યોજવામાં આવ્યો હતો અને અંતમાં મહામંગલા આરતી કરવામાં આવી હતી. ગીતા જયંતિ મહોત્સવની ઉજવણીમાં આજે હજારો શ્રદ્ધાળુ ભકતો ઉમટી પડયા હતા.

હરેકૃષ્ણ મંદિર, ભાડજ ખાતે ગીતા જયંતિ મહોત્સવની ઉજવણી દરમ્યાન આજે મંદિરના બાલ સભા બાલ સંસ્કૃતિ દ્વારા અનેક રમતો, ક્વિઝ, ગીતા સેલ્ફી પોઇન્ટ, એક્સ્પો ઓન ભગવદ્‌ ગીતા જેવા કાર્યક્રમો યોજાયા હતા જે ભગવદ્‌ ગીતા ફેસ્ટનો ભાગ હતો. જેના થકી આજ ના આધુનિક પેઢીને ભગવદ્‌ ગીતાનું દિનચર્યામાં અમલ કરવાનો બોધ મળી શકે. ગીતા જયંતિ મહોત્સવ નિમિતે આજે મંદિરમાં ગીતા તુલા દાન આયોજન કરાયું હતું.

જેમાં ઘણા ભક્તોએ પોતાના અને પરિવારજનોના વજન જેટલી ભગવદ્‌ ગીતાનું દાન કર્યું હતું. ગીતા તુલા દાન અનાદિ કાળથી ચાલતી પરંપરા અનુસાર ચાલતી દાન પદ્ધતિ છે, જેમાં દાતા સમાજના અન્ય લોકોને ગીતાનું વિતરણ કરીને ભગવાનની કૃપા મેળવે છે. ગીતા જયંતિના મહાન પર્વના દિવસે વિશ્વના સમસ્ત વૈષ્ણવો દ્વારા ભગવદ-ગીતા માં આલેખાયલ ભગવાન શ્રીકૃષ્ણના અર્જૂન સાથે થયેલ સંવાદની ઉજવણી કરવામાં આવે છે. વર્ષો પહેલાં કુરુક્ષેત્રની યુધ્ધભૂમિ પર વિરોધી સેનાઓની મધ્યમાં ઉચ્ચારાયેલ ભગવદ્‌-ગીતાના પ્રસંગની યાદગીરીરૂપે ગીતા જયંતિ મહોત્સવની ઉજવણી કરવામાં આવે છે. આ દિવસે દરેક મંદિરોમાં, ગ્રામવિસ્તારમાં અને ઘરોમાં ગીતા જયંતિ મહોત્સવની ઉજવણી કરવામાં આવે છે. ભગવદ-ગીતાનો સંદેશ તેના તત્કાલીન ઐતિહાસિક સંદર્ભની મર્યાદાને પાર અને કાલાતીત સત્યો પ્રગટ કરે છે. પ્રશ્ન અને તેના ઉત્તરની ગોઠવણ આધ્યાત્મિક વિષયનું જ્ઞાન આપે છે જેમકે ક્રિયા અને પ્રતિક્રિયા, તેમજ જીવ અને પ્રકૃતિ વચ્ચેનો તફાવત સમજાવે છે.

ભગવદ્‌ ગીતામાં ભગવાન શ્રીકૃષ્ણ અર્જૂન સાથે પરમેશ્વર તથા કાલચક્રના સિધ્ધાંત વિષે ચર્ચા કરે છે. અધ્યાય ૪ની શરૂઆતમાં ભગવદ-ગીતા તેના ઐતિહાસિક અસ્તિત્વ વિષે સમજ આપે છે જેના અસ્તિત્વનો વિચાર કરતા તે પડકારરૂપ જણાય છે. સમગ્ર વિશ્વમાં શ્રીકૃષ્ણભક્તિ નો પ્રસરાવ કરવાની ચળવળના પ્રણેતા કૃષ્ણકૃપામૂર્તિ એ.સી.ભક્તિવેદાન્તા સ્વામી શ્રીલ પ્રભુપાદ તેમના સાહિત્યમાં જણાવે છે કે, ભગવદ-ગીતાનું ઉચારણ આશરે ૧૨૦,૪૦૦,૦૦૦ વર્ષો પહેલા થયેલ હતું અને માનવ સમાજમાં ૨,૦૦૦,૦૦૦ વર્ષો સુધી વિદ્યમાન હતું.

આ ભગવદ-ગીતાનું આશરે ૫૦૦૦ વર્ષો પહેલા ફરીથી ભગવાન શ્રીકૃષ્ણ દ્વારા શરણાગત રૂપે ઉપસ્થિત અર્જુન સમક્ષ ઉચ્ચારણ કરાયુ હતુ. સ્વયં ગીતાનો અને તેનું ઉચ્ચારણ કરનાર ભગવાન શ્રી કૃષ્ણ પ્રમાણે ભગવદ- ગીતાનો આ એક વર્ણવેલ ઈતિહાસ છે. જે કોઈ ભક્તો નિયમિત રીતે ગીતા જ્ઞાનનું તેમની બુદ્ધિમત્તા દ્વારા રસપાન કરે છે તેઓ જીવનમાં તેના ઉપયાગની મહત્વતાને સમજે છે. આથી ઘણા લોકો માટે ગીતા જયંતિ મહોત્સવ એ ખાલી ભૂતકાળના પ્રસંગની યાદગીરરૂપે નહીં પણ વર્તમાન સમયમાં ગીતાના અનુરૂપતા પ્રત્યે કૃતજ્ઞતા વ્યકત કરવાના એક અવસર તરીકે ગણવામાં આવે છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.